News of Tuesday, 24th March 2026
આજીડેમ પોલીસે ‘રિક્ષાગેંગ'ને ઝડપીઃ લાલો, સંજય અને શૈલેષે બે મહિનામાં ૧૩ ગુના આચર્યાનું કબુલ્યું
મુસાફરને બેસાડી ઉલ્ટી ઉબકાનું નાટક કરતાં, રોકડ સેરવી લે પછી બહાનુ કરી ઉતારી મુકી ભાડુ લીધા વગર ભાગી જતાં: ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એસ. વી. ગોહિલની ટીમની કાર્યવાહી : હેડકોન્સ. ભરતભાઇ જોગીયા અને ગોપાલભાઇ બોળીયાની બાતમી

રાજકોટ તા. ૨૪: શહેરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલ્ટી ઉબકાનું ધક્કામુક્કીનું નાટક કરી જે તે મુસાફરના ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લઇ બાદમાં બહાનુ કરી તેને ભાડુ લીધા વગર ઉતારી મુકી નાસી જતી રિક્ષાગેંગનો આજીડેમ પોલીસે પર્દાફાશ કરી ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. આ ત્રણેયએ દોઢથી બે મહિનામાં ૧૩ ગુના આચર્યાની કબુલાત આપી છે. જો કે આ પૈકી એક જ ગુનો દાખલ થયો હતો. જે આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. બાકીના ભોગ બનેલા ૧૨ લોકોએ નાની રકમ ગઇ હોઇ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
રીક્ષામાં મુસાફરોની નજર ચુકવી નાણાં ચોરતી ગેંગ સક્રિય થઈ હોવાની ઘટના સામે આવતા આજીડેમ પોલીસ હરકતમાં આવી હતી. ગત તા. ૧૯/૦૩/૨૦૨૬ના ૧૫૦ રીંગ રોડ સરસ્વતીનગરમાં રહેતો એક યુવાન ગોંડલ ચોકડીથી માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજી લેવા જવા રીક્ષામાં બેઠો હતો. ત્યારે રીક્ષામાં સવાર શખ્સોએ ઉલ્ટી કરવાના બહાને ધક્કામુક્કી કરી ફરિયાદીના ખિસ્સામાંથી ૧૯,૦૦૦ સેરવી લીધા હતા. આ બાબતે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજા અને સર્વેલન્સ સ્કોડની ટીમે અલગ-અલગ ટીમો બનાવી બાતમીદારોને સક્રિય કર્યા હતા.
તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ જોગીયા અને કોન્સ્ટેબલ ગોપાલભાઇ બોળીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં રામ ઉર્ફે લાલો બચુભાઇ લાકડીયા (ઉ.વ. ૨૨, રહે. ગોંડલ રોડ ચોકડી પાસે ટ્રુ વેલ્યુના શો રૂમ પાસે ઝૂપડપટ્ટી, મુળ મોરબી વોંકળા વિસ્તાર), સંજય વિઠ્ઠલભાઇ પરમાર (ઉ.વ. ૨૦, રહે. ગધીવાડ કનૈયા ચોક ખોડીયાર ડેરી સામે, કરણાભાઇના મકાનમાં કોઠારીયા રોડ, મુળ ગામ હરિપર તરવડા તા. લોધીકા) અને શૈલેષ જીવાભાઇ ભરવાડીયા (ઉ.વ. ૩૫, રહે. ગોંડલ રોડ ચોકડી ટ્રુ વેલ્યુના શો રૂમ પાસે ઝૂપડામાં)નો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂા. ૩૮,૫૦૦ અને ગુનામાં વપરાયેલી ૫૦,૦૦૦ની કિંમતની બજાજ સીએનજી રીક્ષા મળી કુલ રૂા. ૮૮,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હજુ આ ગેંગનો એક સાગરીત ફરાર હોય તેની શોધખોળ ચાલુ છે.
પોલીસની આકરી પૂછપરછમાં આ ટોળકીએ માત્ર એક નહીં પરંતુ છેલ્લા દોઢ બે મહિનામાં બીજા ૧૨ ગુના પણ આચર્યાનું કબુલ્યું હતું. જેમાં રાજકોટ, મોરબી, વાંકાનેર અને શાપર જેવા વિસ્તારોમાં આચરેલા ગુનાઓની કબુલાત કરી છે. આરોપીઓએ ગ્રીનલેન્ડ ચોકડી, આજીડેમ ચોકડી, મેટોડા જીઆઇડીસી અને મોરબી-ટંકારા રોડ પર મુસાફરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી કુલ ૧૫૦૦થી લઇ ૬ હજાર સુધીની રકમ મળી ૧૨ મુસાફરોના કુલ ૪૪,૦૦૦થી વધુ રોકડા ચોરી કર્યા હોવાનું સ્વીકાર્યુ છે. આ ટોળકી મુખ્યત્વે ઉલ્ટી થતી હોવાનું નાટક કરી પેસેન્જરનું ધ્યાન ભટકાવતી અને રોકડ સેરવી મુસાફરને ઉતારી મુકવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. જો કે આ ૧૩ પૈકી એક જ ગુનો દાખલ થયો હતો. બાકીના મુસાફરોએ ફરિયાદ દાખલ કરાવી નહોતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અનુસાર પીઆઇ એ.બી. જાડેજા, પીએસઆઇ એસ.વી. ગોહિલ, એ.એસ.આઇ. રવિભાઇ વાંક, હેડકોન્સ. સંજયરાજભાઇ બારોટ, પિયુષભાઈ ચિરોડીયા, હરપાલસિંહ જાડેજા, દેવાંગભાઇ પાલા, ભરતભાઇ જોગીયા, હિતેષભાઇ અગ્રાવત તથા કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ગોહીલ, ગોપાલભાઈ બોળીયા, મહેશભાઇ કોઠીવાળ, વિરેન્દ્રસિંહ જાડેજા અને વિશ્વરાજસિંહ પરમાર દ્વારા કરવામાં આવી છે.
(2:37 PM IST)










