તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
જેતપુરના ભેડાપીપળીયા ગામે આણંદબાપાનો ૪૯મો તિથિ મહોત્સવઃ ૭૦ લાખના ખર્ચે આણંદબાપા આશ્રમનું નિર્માણ થશે
૩૧મીએ સંતવાણી કાર્યક્રમમાં લોકગાયક ઉમેશ બારોટ, રાજદાન ગઢવી, પુનમબેન ગઢવી ભજન અને લોકસાહિત્યની રમઝટ બોલાવશેઃ તા.૧ એપ્રિલના હવન, ધ્વજારોહણ, મહાપ્રસાદ

રાજકોટઃ જિલ્લાના જેતપુર તાલુકાના ભેડાપીપળીયા ગામે આવેલ સમસ્ત જોટંગીયા પરિવારના સુરાપુરા પ.પૂ.શ્રી આણંદબાપા આશ્રમ ખાતે આગામી ૧ એપ્રિલના રોજ ભવ્ય ‘તિથિ મહોત્સવ-૨૦૨૬' નું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવમાં આશ્રમ કમિટી અને મહિલા મંડળ દ્વારા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની વણઝાર યોજાશે.
આ ૪૯મો તિથી મહોત્સવમાં જેતપુર જામકંડોરણાના યુવા ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયા, પ.પૂ. જેન્તીરામબાપા (શ્રી દેવરામબાપા આશ્રમ-ભેડાપીપળીયા), શ્રી ધવલ ભુવાજી (કામઢીયાની સરકાર-શ્રી મામાદેવ ભુવાજી), શ્રી સુરેશભાઈ સખરેલીયા (પૂર્વ પ્રમુખ જેતપુર-નવાગઢ નગરપાલિકા), શ્રી ઉદયભાઈ મહેતા (ઉદ્યોગપતિ-અમદાવાદ), શ્રી સ્વાતિબેન એસ.જોટંગિયા (ઉપપ્રમુખ જેતપુર-નવાગઢ નગરપાલિકા), શ્રી નૈમીષભાઈ પરસાણા (ઉપાધ્યક્ષ એસ.પી.જી.સૌરાષ્ટ્ર ઝોન), શ્રી વિરેનભાઇ જસાણી (ઉદ્યોગપતિ-રાજકોટ) ઉપસ્થિત રહેશે. તિથી મહોત્સવમાં જે ભૂમિદાન પેટે પ્લોટ (જમીન) દાદાને અર્પણ કરેલો હતો તે જગ્યા ઉપર બે માળનું નવું બાંધકામ આધુનિક સુવિધાયુક્ત હોલ-૧ તથા હોલ-૨ બનાવવાનું કમિટી દ્વારા સર્વનુમતે ઠરાવવામાં આવેલ છે. ૧ વર્ષ બાદ ૭૦ લાખના ખર્ચે આ આશ્રમનું કાર્ય પુર્ણ થશે. જેમાં કુદરતી આફત આવે તેવા સમયમાં દરેક સમાજના લોકો માટે અહીં રહેવાની જમવાની વિનામૂલ્યે સુવિધા તથા આજ રોડ ઉપર આવતા મોટા ધાર્મિક સ્થાન જોવા કે સતાધાર અને પરબધામ પગપાળા જતા યાત્રિકો માટે પણ નિઃશુલ્ક રહેવા જમવાની સુવિધા આપવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.
મહોત્સવની પૂર્વ સંધ્યાએ એટલે કે ૩૧ માર્ચ મંગળવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ભવ્ય ‘સંતવાણી' કાર્યક્રમ યોજાશે. જેમાં ખ્યાતનામ લઇોકગાયક ઉમેશ બારોટ, રાજદાન ગઢવી અને કચ્છના લોકગાયિકા પૂનમબેન ગઢવી ભજન અને લોકસાહિત્વની બોલાવશે. આ કાર્યક્રમનું સંચાલન હાસ્ય કલાકાર પિયુષ મહારાજ કરશે.
તિથિ મહોત્સવના મુખ્ય દિવસે એટલે કે બુધવારે સવારે ૬ કલાકે પવિત્ર યજ્ઞનો પ્રારંભ થશે, જેનું બીડું બપોરે ૧૨:૧૫ કલાકે હોમવામાં આવશે. આ ઉપરાંત સવારે ૯:૩૦ કલાકે નિવેદ, ધ્વજારોહણ અને ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. ૧૧:૩૦ કલાકે બટુક ભોજન અને ત્યારબાદ ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક પ્રોત્સાહન અને પરિવાર ગોષ્ઠીમહોત્સવ અંતર્ગત જોટંગયા પરિવારના તેજસ્વી તારલાઓ માટે ઈનામ વિતરણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૫માં ધોરણ ૧૦ થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસમાં પ્રથમ ત્રણ ક્રમે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાશે. આ સાથે જ પરિવાર ગોષ્ઠી દ્વારા સામાજિક એકતાના દર્શન થશે. દર વર્ષે સમસ્ત જોટંગિયા પરિવાર દ્વારા સમાજનો વિકાસ તેમજ ઉત્થાન કરનાર વ્યક્તિ વિશેષનું પરિવાર રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે. એવી જ રીતે આ વર્ષે પણ સુરાપુરા શ્રી આણંદબાપા આશ્રમ કમીટી મરણોતર સન્માન-૨૦૨૬ અર્પણ કરવામાં આવશે. તેમ જણાવાયું છે.
આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ સંજયભાઈ જોટંગીયા (મો.૯૯૧૩ ૩ ૬૯૯૯૯), ઉપપ્રમુખ જયદિપભાઈ જોટંગીયા, હિરેન જોટંગીયા, સંજયભાઈ જોટંગીયા, વિમલભાઈ જોટંગિયા, અનિલભાઈ જોટંગિયા વિ.જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃઅભિજીત બગથરીયા)
(2:59 PM IST)










