તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 24th March 2026
રૂરલ પોલીસે ખેત મજુરનો વેશ ધારણ કરી ગુજસીટોકના મુખ્ય આરોપીને ઝડપી લીધો
સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ ચોરી- લુંટ કરનાર તસ્કર ગેંગ સામે રૂરલ પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી ૧૧ સાગ્રીતોની ધરપકડ કરી'તી : મુખ્ય આરોપી રણજીત ઉર્ફે બોડીયાને ડ્રોન કેમેરાના મદદથી દબોચી લેવાયા ૪પ ગુન્હામાં સંડોવાયેલ રણજીત ઉર્ફે બોડીયો ૭ દિ'ના રીમાન્ડ ઉપર તસ્વીરમાં પકડાયેલ આરોપી (નીચે બેઠેલ) સાથે રૂરલ પોલીસ ખેતમજુરના વેશમાં દ્રશ્યમાન થાય છે.

રાજકોટ, તા., ર૪: સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ ચોરી અને લુંટ કરનાર પાલીતાણા પંથકની તસ્કર ટોળકી સામે રાજકોટ ગ્રામ્ય પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી ૧૧ શખ્સોની ધરપકડ કરી હતી. આ તસ્કર ટોળકીના ગેંગ લીડરને રૂરલ પોલીસે ખેતમજુરનો વેશ ધારણ કરી ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી પાલીતાણા પંથકમાંથી દબોચી લીધો હતો.
સૌરાષ્ટ્રના રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દ્વારકા અને અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં મિલ્કત સંબંધી તથા શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુન્હા આચરનાર તસ્કર ટોળકી સામે રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર તથા ટીમે વિછીયા પોલીસ મથકમાં ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરી ૧૧ સાગ્રીતોની ધરપકડ કરી હતી. આ તસ્કર ટોળકીનો ગેંગ લીડર રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયો રામજીભાઇ પરમાર (રહે. પાલીતાણા) પાલીતાણા પંથકના ડુંગરાળ સીમ વિસ્તારમાં હોવાની બાતમી મળતા જેતપુરના ડીવાયએસપી આર.એ.ડોડીયા, તથા રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ વી.વી.ઓડેદરાની આગેવાની હેઠળ રૂરલ પોલીસે ખેતમજુરનો વેશ ધારણ કરી ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ગેંગ લીડર રણજીત ઉર્ફે બોડીયાને ઝડપી લીધો હતો. લુંટ-ચોરી, બળાત્કાર સહિતના ૪પ ગુન્હામાં સંડોવાયેલ રણજીતને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે ૭ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.
આ કાર્યવાહીમાં ગ્રામ્ય એલસીબીના પીએસઆઇ કે.એમ.ચાવડા, પીએસઆઇ એચ.સીગોહીલ, પીએસઆઇ આર.વી. ભીમાણી, પીએસઆઇ પી.એન.ભરવાડ, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, એએસઆઇ જયવીરસિંહ રાણા, એએસઆઇ અનિલભાઇ ગુજરાતી તથા એચસી ધર્મેશભાઇ બાવળીયા, એચસી રસીકભાઇ જમોડ તથા પીસી રણજીતભાઇ બોરડ તથા મેટોડા પો.સ્ટે.ના પીએસઆઇ એન.બી.ઝાલા તથા વિંછીયા પો.સ્ટે.ના એએસઆઇ સંજયકુમાર નિરંજની તથા જેતપુર ડીવાયએસપી કચેરીના એએસઆઇ રાજુભાઇ જોષી તથા હેડ કો. નિમેશભાઇ સહીતનો સ્ટાફ જોડાયો હતો.
(4:26 PM IST)










