તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
સરધારના નવાગામમાં મોટો ભાઇ રામ યુવતિને ભગાડી જતાં નાના ભાઇ શ્યામનું કારમાં અપહરણ કરી ધોલધપાટઃ ધમકી
રામ કચ્છની યુવતિ સાથે ગૂમ થતાં ખાર રાખી યુવતિના પિતા સહિતે પાંચ જણાએ આવી નવાગામ આવી ધમાલ મચાવી રામના નાના ભાઇ શ્યામને ઉપાડી લીધોઃ અલગ અલગ ગામમાં ફેરવી મારકુટ કરી ધમકાવી છોડી મુક્યોઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૪: સરધારના નવાગામમાં રહેતો ૨૨ વર્ષનો યુવાન કચ્છની યુવતિ સાથે પ્રેમમાં હોઇ ગત ૨૨મીએ બંને ગૂમ થઇ જતાં યુવતિના પિતા સહિતના પાંચ શખ્સોએ નવાગામ ખાતે આ યુવાનના ઘરે આવી તેના નાના ભાઇને ગાળો દઇ લાફા મારી કારમાં ઉઠાવી લઇ અલગ અલગ ગામમાં ફેરવી બેફામ ગાળો દઇ આખા પરિવારને મારી નાંખવાની ધમકી આપ્યા બાદ છોડી મુકતાં તેણે ફરિયાદ દાખલ કરાવી છે. આ બનાવમાં આજીડેમ પોલીસે સરધાર પાસેના નવાગામમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં શ્યામ મુકેશભાઇ છૈયા (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી કચ્છ રહેતાં ઇશ્વરભાઇ, તેની સાથેના મોૈલિક, વિવેક અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
શ્યામ છૈયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પરીવારમાં પિતા મુકેશભાઈ, માતા શોભનાબેન, દાદી દેવકુબેનસાથે રહુ છું. મારાથી મોટો ભાઈ રામભાઈ (ઉ.વ.૨૨) છે અને હું નાનો છું. તા. ૨૨/૦૩/૨૬ના રોજ સવારના આઠેક વાગ્યે મારા મોટા ભાઈ રામભાઈ ગાડીનો ફેરો લઈ ઘરેથી નીકળેલ હતા અને પરત ઘરે આવેલ ન હતા. મારા પિતાજીને આ બાબતે જાણ થયેલ હતી કે મારા મોટાભાઈ રામભાઈ કચ્છમાં રહેતા ઈશ્વરભાઈની દીકરી સાથે પ્રેમસંબંધ હોઇ જેથી તેઓ બંને ઘરથી કયાંક નીકળી ગયેલ હતા. જેથી અમો તેમને બે દિવસથી શોધતા હતા.
દરમિયાન ૨૩/૦૩/૨૦૨૬ ના રાત્રીના આશરે સાડા-આઠેક વાગ્યાની આસપાસ હું તથા મારા માતા અને દાદી અમારા ઘરે હતા અને મારા પિતાજી કામથી બહાર ગયેલ હતા તેવામાં એક સફેદ કલરની ફોરવ્હીલર સ્વીફ્ટ કાર અમારા ઘરની સામે આવી ઉભી રહેલ અને તેમાંથી પાંચક શખ્સો ઉતર્યા હતાં. અમારા ઘરના દરવાજો ખખડાવા લાગેલ જેથી હું બહાર ગયેલ અને જોયુ તો તેમાં ઈશ્વરભાઈ, મૌલીક, વિવેક તથા તેમની સાથે બે અજાણ્યા શખ્સો હતાં. જેથી મેં તમારે કોનુ કામ છે? પુછતો આ અજાણ્યામાંથી એકે મને બાજુમાં બોલાવેલ અને મને ગાળો દઇ પુછેલુ કે તારો ભાઈ કર્યા છે બોલ.
આ કહી મારી સાથે ઝપાઝપી કરી મને લાફા મારી દીધા હતાં. દેકારો થતા મારી માતા તથા મારા દાદી ઘરમાંથી બહાર આવતા આ પાંચેય મને પકડીને બળજબરી પૂર્વક તેની સ્વીફ્ટ કારમાં બેસાડી દીધો હતો. મારા માતા-દાદીએ આ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ પાંચેય રોકાયા નહોતાં. કારમાં મને આ પાંચેય જેમ-ફાવે તેમ મને ગાળો બોલતા હતા અને મને તથા મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. મને ઘરેથી ઉઠાવી રાજપરા ગામ થઈ નારણકા ગામથી લોઠડા ગામ થઈ ખોખડદડ ગામે શુભ ચોકડીએ લઈ ગયા હતાં. બાદમાં આ પાંચેય મને કહેવા લાગેલ કે તારા ભાઈના મિત્ર રાહુલના ઘરે લઈ જા. જેથી હું રાહુલના ઘરે લઈ જતા તેનું ઘર બંધ હતું.
આથી મને ત્યાંથી ફરી કારમાં બેસાડી પરત સરધાર ગામ થી નવાગામ જતા રસ્તે લાવ્યા હતાં. ત્યારે ઈશ્વરભાઇએ મને મારા ફોનમાંથી મારા પિતાને ફોન કરવાનું કહેતાં મેં ફોન કર્યો હતો. તેણે મારા પિતા સાથે ફોનમાં વાત કરી મને ત્યાં ઉતારી દીધો હતો. ત્યારે મે કારના નંબર જોતાં તેના નંબર જીજે૧૨ડીએમ-૧૭૨૦ હતાં. આ બધા નીકળી ગયા બાદ મારા પિતાજીને ફોન કરતા તે તથા અમારા ગામના સરપંચ રમેશભાઈ કરમણભાઈ જળુ તથા પાડોશી લાલાભાઈ કાળુભાઈ ડાંગર આવી ગયેલ અને મારા પિતાજીએ ૧૧૨માં ફોન કરતાં પોલીસ આવી ગઇ હતી. બાદમાં અમે પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
મારા મોટાભાઈ રામભાઈ તથા ઈશ્વરભાઈની દીકરી વચ્ચે પ્રેમસંબંધ હોઇ તે ગૂમ થઇ ગયા હોઇ તેનો ખાર રાખી ઇશ્વરભાઇ સહિતે મારુ અપહરણ કરી ગાળોદ દઇ માર મારી મારા આખા પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. તેમ વધુમાં શ્યામે જણાવતાં પીએસઆઇ વી. એમ. બરાડીયાએ ગુનો નોંધી પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં તપાસ હાથ ધરી છે.
(3:03 PM IST)










