તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
શહેરના ૫૭૧ કરોડના વિવિધ વિકાસકામોનું સંભવત મુખ્યમંત્રીના હસ્તે શનિવારે લોકાર્પણ- ખાતમુહુર્ત
ચૂંટણી જાહેર થાય તે પહેલા આવાસ યોજના, વોટર પ્લાન્ટ સહિત ૪૦ જેટલા પ્રોજેકટની કામગીરી શરૂ કરવા તંત્રની કવાયત

રાજકોટ તા.૨૪: મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી પૂર્વે વિકાસ કામોને ગતિ આપવા રાજ્ય સરકાર સક્રિય બની છે. વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ ચૂંટણીની તારીખ જાહેર થવાની સંભાવના વચ્ચે આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે આવે તેવી શકયતા છે. તેમના હસ્તે કોર્પોરેશનના અંદાજે રૂા.૫૭૧ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
માહિતી મુજબ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવાયેલા ૧૦૦૦થી વધુ મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત પૂર્ણતાના આરે આવેલા અંદાજે રૂા.૧૯૦ કરોડના ૫ થી ૬ કામો પણ જનતા માટે સમર્પિત કરવામાં આવશે. બીજી તરફ ન્યારી ડેમ ખાતે ૧૫૦ MLD ક્ષમતાવાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જ્યુબિલી શાકમાર્કેટનું નવીનીકરણ, વોર્ડ નં.૪માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કનક રોડ ફાયર સ્ટેશનનું સુધારણા કાર્ય તેમજ વોર્ડ નં.૧૫માં નવા ફાયર સ્ટેશન સહિત રૂા.૫૬૭ કરોડના આશરે ૪૦ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાશે.
ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવે તે પહેલાં વિકાસ કાર્યો શરૂ કરી શકાય તે માટે તંત્ર ઝડપથી તૈયારીઓ કરી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે
(3:42 PM IST)










