<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

રાજકોટ ભાજપમાં ભડકોઃ પૂર્વ મંત્રી મીરાબેન વોરાએ ‘સતત અવગણના' થતી હોવાના આક્ષેપ સાથે કેસરીયાનો સાથ છોડ્‍યો

સંગઠનમાં જૂથબંધી અને અવગણનાના આક્ષેપોથી રાજકારણ ગરમાયું

રાજકોટ, તા. ૨૩ : રાજકોટ શહેર ભાજપના સંગઠનમાં આંતરિક અસંતોષની જ્‍વાળાઓ સપાટી પર આવી છે. શહેર ભાજપના પૂર્વ મંત્રી અને મહિલા મોરચાના પૂર્વ મંત્રી મીરાબેન વોરાએ પક્ષમાં પોતાની સતત અવગણના થતી હોવાનો ગંભીર આક્ષેપ કરી ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું ધરી દેતા રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેને સંબોધીને લખેલા પત્રમાં મીરાબેન વોરાએ પોતાની વ્‍યથા ઠાલવતા જણાવ્‍યું છે કે, તેઓ વર્ષ ૧૯૯૫થી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે અને હાથીખાના વિસ્‍તારથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. પક્ષમાં તેમણે વોર્ડ મહામંત્રી, વોર્ડ પ્રમુખ, શહેર ભાજપ મંત્રી અને કારોબારી સભ્‍ય જેવી અનેક મહત્‍વની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. રાજીનામામાં સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે, છેલ્લા બે વર્ષથી તેઓ પક્ષમાં હોદ્દેદાર હોવા છતાં સંગઠન દ્વારા તેમને કોઈ પણ કાર્યક્રમની સૂચના આપવામાં આવતી નહોતી. નાગેશ્વર વિસ્‍તારમાં સક્રિય રહીને લોકોના પ્રશ્‍નો માટે લડત ચલાવવા છતાં પક્ષના સ્‍થાનિક નેતાઓ દ્વારા તેમની અવગણના કરવામાં આવતી હતી. સતત ઉપેક્ષાથી વ્‍યથિત થઈને આખરે તેમણે પક્ષના તમામ હોદ્દા અને સભ્‍યપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.

 દરમિયાન મીરાબેન વોરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે હાલ કામગીરીમાં પહોંચી શકાતુ નથી. મારી પાસે જવાબદારી ઘણી હોય પક્ષમાંથી રાજીનામું આપું છું. મારે કોઇ સાથે રાગદ્રેશ નથી અને કોઇ પક્ષમાં જોડાનાર નથી.

 

(3:53 PM IST)