<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

મોરારીનગરના દીપકભાઇએ ૧ લાખ સામે શબ્‍બીરને રૂા. ૨.૪૦ લાખ ચુકવ્‍યા છતાં વધુ ૩ લાખની ઉઘરાણી

માતાને કેન્‍સર થયું હોઇ સારવાર માટે બે વર્ષ પહેલા ૧૦ ટકે રકમ લીધી હતી : વારંવાર ફોન કરી ગાળો દઇ હેરાન કરતો હોવાનો આરોપઃ ભક્‍તિનગર પોલીસે મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૫: વ્‍યાજખોરીમાં ફસાયેલા લોકોને તેમાંથી બહાર કાઢવા અને જે લોકોએ ફરિયાદ નથી નોંધાવી તેની વિગતો સાંભળવા ગઇકાલે શહેર પોલીસનો લોક દરબાર યોજાયો હતો. જેમાં અલગ અલગ લોકોએ પોતાની વ્‍યથા ઠાલવી હતી.   આ દરમિયાન મની લેન્‍ડ એક્‍ટનો એક ગુનો દાખલ થયો છે. જેમાં મોરારીનગરના યુવાને માતાની કેન્‍સરની સારવાર માટે જુના પરિચીત પાસેથી ૧ લાખ ૧૦ ટકે લઇ ૨,૪૦,૦૦૦ ચુકવી દીધા છે છતાં આ શખ્‍સ વધુ ૩ લાખ માંગી હેરાન પરેશાન કરતો હોઇ ગુનો દાખલ કરાવ્‍યો છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે બાબરીયા કોલોની રોડ મોરારીનગર-૪માં રહેતાં દીપકભાઇ કાનજીભાઇ પેઢડીયા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી લેઉવા પટેલ સોસાયટી-૮માં રહેતાં શબ્‍બીરભાઇ મશીયા વિરૂધ્‍ધ મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. દીપકભાઇ પેઢડીયાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહું છું અને અટીકા ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તાર-૯માં આવેલા ઇશ્વર વોચ ગ્‍લાલ નામના કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવુ છું.

તેણે વધુમાં જણાવ્‍યું છે કે મારા માતાને કેન્‍સરની બીમારીની સારવાર ચાલુ હોઇ જેથી આજથી ત્રણેક વર્ષ પહેલા મારે પૈસાની જરૂરીયાત ઉભી થતાં  અગાઉ હું પટેલનગર શેરી ન- ૦૨ એચ.કે. મેટલ્‍સમા કામ કરતો હતો ત્‍યારે ત્‍યા મારી સાથે કામ કરતા શબ્‍બીર મશીયા સાથે મારી ઓળખાણ થઇ હતી. તેને મેં મારા મમ્‍મીની સારવાર માટે પૈસાની જરૂરીયાત છે તેમ વાત કરતા તેણે મારો મીત્ર વ્‍યાજનુ કરે છે હુ તેની પાસેથી પૈસા લઇ આપુ તેમ વાત કરેલ હતી. આ વાત થયાના બીજા દીવસે અમે પટેલનગર સોસાયટી શેરી નં. ૨ ખાતે ગયા હતાં. જ્‍યાં શબ્‍બીરે મને ૧ લાખ રોકડા આપી કહેલું કે આ રકમ તેણે તેના મિત્ર પાસેથી લઇને આપી છે. જેનું દર મહિને ૧૦ ટકા વ્‍યાજ આપવું પડશે, તું આ રકમ મને આપજે હું મિત્રને આપી દઇશ.

ત્‍યારબાદથી દર મહીને મે લીધેલ ૧ લાખ નુ ૧૦  હજાર વ્‍યાજ હું આ શબ્‍બીરને ચુકવતો હતો. મારી પરિસ્‍થિતિ ખરાબ હોવા છતા આ શબ્‍બીર અવાર નવાર પરાણે મારી પાસે વ્‍યાજના પૈસા માંગતો હતો. મેં તેને  બે વર્ષ સુધી માસીક રૂ. ૧૦,૦૦૦ લેખે કુલ રૂ ૨,૪૦,૦૦૦ રોકડાથી અને ગૂગલ પેથી ચુકવી દીધા હતાં. બાદમાં હુ વ્‍યાજ ચુકવી શકુ તેમ ન હોય જેથી મે વ્‍યાજ ચુકવવાનુ બંધ કરી દીધેલ હતુ. ત્‍યારબાદ આ શબ્‍બીરભાઇ અવાર નવાર મને વ્‍યાજ તથા મુડી ચુકવી આપવાનુ કહેતો હતો. પરંતુ મારી પરિસ્‍થિતિ  ખરાબ હોઇ જેથી ચુકવી શકુ તેમ નથી તેમ વાત કરતા આ શબ્‍બીર મને જેમ ફાવે તેમ બોલતો હતો. 

હજુ પણ શબ્‍બીર વારંવાર  ફોન કરી ચડત વ્‍યાજ તથા મુડી સહીતના રૂ. ૩,૦૦,૦૦૦  ચુકવવા પડશે તેમ કહી અવાર નવાર ગાળો કાઢે છે. શબ્‍બીરે જે તે વખતે તેના મીત્ર પાસેથી રૂપીયા લઇને મને આપ્‍યા હોવાનું કહ્યું હતું પરંતુ મેં તે વારંવાર એવુ કહેલું કે જેણે રૂપિયા આપ્‍યા છે તેની સાથે મુલાકાત કરાવ. પરંતુ તેણે મને તેના મિત્રને મળાવ્‍યો નથી અને બહાના કાઢે છે. જેથી મને જાણવા મળ્‍યું હતું કે આ રૂપિયા તેણે તેના કોઇ મિત્ર પાસેથી લઇને નહિ પણ પોતે જ આપ્‍યા છે.

મારા માતાની કેન્‍સરની બિમારીની સારવાર માટે મેં બે વર્ષ પહેલા રૂ. ૧,૦૦,૦૦૦ રોકડા લઇ ૧૦ ટકા વ્‍યાજ લેખે તેને ૨,૪૦,૦૦૦ ચુકવ્‍યા છે છતાં તે વધુ વ્‍યાજ-મુડી સહિત ૩,૦૦,૦૦૦ની ઉઘરાણી કરી ગાળો દઇ હેરાન કરે છે. તેમ વધુમાં દીપકભાઇએ જણાવતાં પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ જે. જે. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(3:17 PM IST)