<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

પના પ્રમાણે સોડ તાણો...વ્‍યાજખોરોની ચુંગાલમાં ફસાતા લોકોને પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સલાહ

વ્‍યાજખોરી વિરૂધ્‍ધના જનજાગૃતિ કાર્યક્રમમાં ૭૪૦ લોકો હાજર રહયાઃ જુદા-જુદા પોલીસ સ્‍ટેશનની ૨૦ ફરીયાદ અરજી મળીઃ ૧ ગુનો નોંધાયો : કમાણી કરાવી આપતા ધંધા ઉદ્યોગો કે મેડીકલ ઇમરજન્‍સીના સંજોગોમાં લોન કે ફાયનાન્‍સ લેવાના બદલે લોકો બર્થ-ડે પાર્ટી, ભપકાદાર લગ્નપ્રસંગો, હરવા-ફરવા અને મોજશોખ માટે ઉંચા વ્‍યાજે નાણાનું ધિરાણ લઇ પોતાના પગ ઉપર જ કુહાડી મારે છે : વ્‍યાજના નાણા નહિ ચુકવી શકતા કોઇકે ઝેરના પારખા કર્યાઃ ૧૧ તોલા સોનુ ગીરવે મુકી નાણા લેનાર પીડીતે કહયુ કોઇ ફરીયાદ સાંભળતુ નથી! પીડીતો પૈકી કોઇકે : ૩૦ લાખના ૧.૪૮ કરોડ ચુકવ્‍યા તો ભત્રીજાએ કાકાને ૨૦ ટકાના તોતીંગદરે નાણાધીરી મકાન પડાવી લીધુ : ચામડાતોડ વ્‍યાજ વસુલતા વ્‍યાજખોરો સામે ડર્યા વગર ફરીયાદ કરો; કડક કાર્યવાહી થશેઃ પોલીસ કમિશનર ઝાની પ્રજાને બાંહેધરી

રાજકોટઃ વ્‍યાજખોરો વિરૂધ્‍ધ લોકોને જાગૃત કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશ ઝાના વડપણ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ૭૪૦ નાગરિકોએ ભાગ લીધો હતો. ૨૦ જેટલા લોકોએ વ્‍યથીત હૈયે પોતાની ફરીયાદો રજુ કરી હતી. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.રપઃ ગઇકાલે રૈયારોડ ઉપરના પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાના વડપણ હેઠળ યોજાયેલા વ્‍યાજખોરી વિરૂધ્‍ધના જનજાગૃતિ કાર્યક્રમમાં ૭૪૦ લોકો ઉપસ્‍થિત રહયા હતા. જે પૈકી જુદા-જુદા પોલીસ સ્‍ટેશનની ૨૦ ફરીયાદ અરજી મળી હતી. આ પૈકી ૧ અરજી સંદર્ભે ગુનો નોંધી બાકીની ફરીયાદ અરજીની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનર ઝાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યુ હતુ કે, ગેરકાયદે રીતે નાણા ધીરધારનો ધંધો કરી ચામડાતોડ વ્‍યાજ વસુલતા શોષણખોરો સામે ફરીયાદ મળતાની સાથે જ કડક રાહે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ દ્વારા વારંવાર જનસંપર્ક સભાનું પોલીસ સ્‍ટેશન વાઇઝ આયોજન કરવામાં આવે છે. આવી સભાઓમાં નાગરીકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી પોતાની ફરીયાદો વર્ણવે છે અને પોલીસ અધિકારીઓ ફરીયાદની તથ્‍યતા તપાસી કાયદાકીય રાહે પગલા લેતા હોય છે. શ્રી ઝાએ વધુમાં જણાવ્‍યુ કે, લોકોએ પોતાની આવક અને આર્થિક સ્‍થિતીને ધ્‍યાને રાખીને જ લોન કે વ્‍યાજે નાણા લેવા જોઇએ. એક અભ્‍યાસ મુજબ વર્તમાન સ્‍થિતીમાં કમાણી કરાવી આપતા ધંધા ઉદ્યોગો કે મેડીકલ ઇમરજન્‍સીના સંજોગોમાં લોન કે ફાયનાન્‍સ લેવાના બદલે  યુવાનો અને દેખાદેખીમાં રાચતા લોકો હરવા-ફરવા, મોજમજા કરવા અને મોંઘા-મોંઘા બાઇક-કાર ખરીદવા, ભપકાદાર લગ્નપ્રસંગ અને બર્થ-ડે પાર્ટીઓ યોજવા ઉંચા વ્‍યાજદરે નાણા લેતા અચકાતા નથી પરીણામે વ્‍યાજખોરોની ચુંગાલમાં ફસાઇ જાય છે. આવા લોકોને મારી સલાહ છે કે, તેઓએ ‘‘પન્‍ના પ્રમાણે સોડ તાણવી''.... એટલે કે પોતાના વર્તમાન અને ભવિષ્‍યના આર્થિક આયોજનોનું યોગ્‍ય વિશ્‍લેષણ કર્યા બાદ જ ફાયનાન્‍સ લેવુ જોઇએ.

ગઇકાલે યોજાયેલા કાર્યક્રમમાં પીડીત લોકોએ કકડતી આંતરડીએ પોતાની વ્‍યથા વર્ણવી હતી. કોટડાસાંગાણી પંથકના મહિલા સરપંચના પતિએ વ્‍યાજે લીધેલા ૩૦ લાખ સામે ૧.૪૮ લાખ ચુકવ્‍યા છતા વ્‍યાજખોરોએ મારકુટ કરી, ત્રાસ આપી બળજબરીથી જમીન પડાવી લીધા છતા કોઇએ ફરીયાદ નહી સાંભળતા ઝેર પી આપઘાતનો પ્રયાસ  કર્યાનું જણાવ્‍યુ હતું. આ ઉપરાંત કોઠારીયા હુડકોમાં રહેતા રીક્ષાચાલક દિનેશ ચાવડાએ પોતાની ફરીયાદ કરતા જણાવ્‍યુ કે,  નાણાની જરૂરીયાત હોવાથી ભત્રીજા પાસેથી ૨૦ ટકાના ઉંચા વ્‍યાજે ૧૦ હજાર રૂપીયાનું ધીરાણ લીધુ હતુ આ ધીરાણ સંદર્ભે સતત એક વર્ષ સુધી વ્‍યાજ ચુકવ્‍યા છતા મારૂ મકાન પડાવી લઇ હવે અહીંયા ફરકશો તો મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવે છે. પોલીસ સાંભળતી નથી તેવો આક્ષેપ કર્યો હતો. પ્રમોદ કાંકડીયા નામના નાગરીકે પોતાની ફરીયાદ રજુ કરતા જણાવ્‍યુ કે, હિરેન પુજારા પાસે ૧૧ તોલા સોનુ ગીરવે મુકી વ્‍યાજે પૈસા લીધા હતા. વ્‍યાજ સમયસર ચુકવી સોનુ છોડાવાની વાત કરી ત્‍યારે વધુ નાણાની માંગ કરી પઠાણી ઉઘરાણી કરવામાં આવતા મારે આત્‍મહત્‍યાનો પ્રયાસ કરવો પડયો હતો છતા વ્‍યાજખોરો સોનુ પરત આપતા નથી! મારી માંગ છે કે મને ન્‍યાય અપાવવા જવાબદારો સામે ગુનો નોંધો.

આ કાર્યક્રમમાં ક્રાઇમબ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવા સહિતના તમામ ડીસીપી, તમામ એસીપી, મહત્‍વની બ્રાંચો અને પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેકટર અને સબ ઇન્‍સપેકટર્સ અને ડી સ્‍ટાફના કર્મચારીઓ હાજર રહયા હતા.

(2:38 PM IST)