<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

મંછાનગરના દક્ષાબેન પર લાખાજીરાજ ઉદ્યોગનગરમાં ભાભી, ભત્રીજાઓનો છરી-પટ્ટા અને ધોકાથી હુમલો

માતાના ઘરે લાકડા લેવા ગઇ ત્‍યારે ભાભીએ ‘ના પાડી તો'ય કેમ અહિ આવે છે?' કહી ઝઘડો કર્યોઃ માતા પ્રભાબેન વચ્‍ચે પડતાં તેને પણ મારકુટઃ થોરાળા પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૫: મંછાનગરમાં રહેતાં મહિલા પોતાની બહેનની દિકરીને લઇ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં માતાના ઘરે લાકડા લેવા ગયા ત્‍યારે બાજુમાં જ રહેતાં સગા ભાભી, ભત્રીજાઓએ તમને અહિ આવવાની ના પાડી છતાં કેમ આવો છો? કહી ધોકા-છરીથી હુમલો કરી તેમજ પટ્ટાથી માર મારતાં અને વચ્‍ચે પડેલા તેણીના માતાને પણ મારકુટ કરતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં થોરાળા પોલીસે જુના માર્કેટ યાર્ડ પાસે મંછાનગર શેરી નં. ૮માં રહેતાં દક્ષાબેન ભરતભાઇ ચાવડા (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગર-૮માં રહેતાં તેણીના ભાભી મનિષાબેન કલ્‍પેશભાઇ વાલાણી, ભત્રીજા દર્શન કલ્‍પેશભાઇ અને હાર્દિક કલ્‍પેશભાઇ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

દક્ષાબેને જણાવ્‍યું છે કે હું પતિ, દિકરી, દિકરા સાથે રહુ છું. મંગળવારે ૨૪મીએ સાંજના હું તથા મારા સગા બેનની દિકરી તમન્‍ના  વિનોદભાઈ (ઉ.વ.૧૩) લાકડા લેવા મારા માતા પ્રભાબેન રમેશભાઈ વાલાણી કે જે ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. ૮ ખાતે રહે છે ત્‍યાં તેના ઘરે ગયા હતાં. આ વખતે મારા માતાની બાજુમાં રહેતા મારા સગા ભાભી મનિષાબેન કલ્‍પેશભાઈ વાલાણી તથા તેના દીકરા હાર્દિક અને દર્શને ે શેરીમાં આવી અહીં ના પાડવા છતાં કેમ આવો છો? તેમ કહી ઝઘડો કરી અપશબ્‍દ ભાભી મનિષાબેને મને ધોકો મારી દીધો હતો. તેમજ તેના દિકરાઅ દર્શને છરીથી કપાળે ઇજા કરી હતી. હાર્દિકે પટ્ટાથી મને મુંઢ માર માર્યો હતો. માતા પ્રભાબેન છોડાવવા વચ્‍ચે પડતાં તેને પણ હાર્દિકે ઢીકાપાટુ અને પટ્ટાથી માર માર્યો હતો.

દેકારો થતાં પાડોશીઓ ભેગા થઇ જતાં અમને વધુ મારથી બચાવ્‍યા હતાં. બાદમાં ૧૦૮ બોલાવી મારા માતાએ મને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી હતી. અગાઉ મારા માતા સાથે ભાઇ, ભાભીએ ઝઘડો કર્યો ત્‍યારે મેં તેને સમજાવ્‍યા હોઇ અને ઠપકો દીધો હોઇ ત્‍યારથી મારે ભાઇ-ભાભી સાથે મનદુઃખ ચાલતું હતું. તેનો ખાર રાખી મારા પર ભાભી, ભત્રીજાઓએ હુમલો કર્યો હતો. તેમ વધુમાં દક્ષાબેને કહેતાં એએસઆઇ જી. ડી. શિયારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:53 PM IST)