News of Wednesday, 25th March 2026
પેટ્રોલ ડિઝલનો જથ્થો ખુટી ગયાની અફવા ફેલાવવા મામલે ડીલર એસોસિએશના પ્રમુખ સામે ગુનો નોંધાયો
પ્ર.નગર પોલીસે આઇઓસીએલના અમિત જયસ્વાલની ફરિયાદ પરથી ગોપાલ ચુડાસમા સામે ફરિયાદ દાખલ કરી

રાજકોટ તા. ૨૫: શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો હોવાની સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં ખોટી અફવા ફેલાવી લોકોમાં ગભરાટ અને અરાજકતા ઊભી કરવા બદલ રાજકોટ જિલ્લા પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઇ ચુડાસમા સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદ આઇઓસીએલ-ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના ડિવિઝનલ રિટેલ સેલ્સ હેડ અમીત શિવપ્રસાદ જયસ્વાલ દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદની વિગતો મુજબ ગત તારીખ ૨૩/૦૩/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં ગોપાલ ચુડાસમા આશરે ૪૦ થી ૫૦ પેટ્રોલ-ડીઝલના ડીલરો અને -તિનિધિઓ સાથે પૂર્વ મંજૂરી વગર રેસકોર્સ રિંગ રોડ પર આવેલી આઇઓસીએલ ભવનની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે પૂછપરછ કરી હતી. તે સમયે કંપનીના અધિકારી અમીતભાઈએ તેઓને સ્પષ્ટ ખાતરી આપી હતી કે કંપની પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો નિયમિત રીતે પહોંચાડવામાં આવી રહ્યો છે. આ અંગે તેઓને સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યો હતો.
પરંતુ આ મુલાકાત બાદ ગોપાલભાઈ ચુડાસમાએ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં એવા ખોટા નિવેદનો આપ્યા હતા કે પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે અને પેટ્રોલ પંપ ડ્રાય થઈ ગયા છે. આ ખોટી અફવાઓને કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. પરિણામે, રાજકોટના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકારની પેટ્રોલિયમ કંપનીઓ પાસે પૂરતો જથ્થો હોવા છતાં અને સરકાર દ્વારા પુરવઠો જળવાઈ રહે તે માટે પૂરતા પગલાં લેવામાં આવતા હોવા છતાં, ગોપાલ ચુડાસમાએ જાણીબૂઝીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય અને લોકોમાં પેનિક ફેલાય તેવું કળત્ય કરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. હાલ પ્રદ્યુમનનગર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીઆઇ વી.આર.વસાવાની રાહબરીમાં પીએસઆઇ જે.એન. ગમારાએ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
(2:55 PM IST)










