તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th March 2026
વીવીપી એન્જિનીયરીંગ કોલેજના છાત્રનું અવધ બંગલાના સ્વીમિંગ પૂલમાંથી દડો કાઢવા જતાં ડૂબી જવાથી મોત
ઓમનગર જલારામ સોસાયટીના મોરીધરા દંપતિએ એકનો એક લાડકવયો ગુમાવ્યો : પરિક્ષાનું પેપર પુરૂ કરી ૧૯ વર્ષનો ધર્મિન મોરીધરા છએક મિત્રો ક્રિકેટ રમવા ગયા ત્યારે પૂલમાં ગયેલો દડો કાઢવા જતાં શેવાળને કારણે પગ લપસી જતાં ડૂબી ગયોઃ મિત્રોએ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો પણ ત્યારે મોડુ થઇ ગયું હતું: પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૫: શહેરના મવડી વિસ્તારના ઓમનગર પાસે રહેતો અને વીવીપી એન્જિનીયરીંગ કોલેજમાં ભણતો વિદ્યાર્થી આજે સવારે પેપર પુરૂ થયા બાદ પાંચ છ મિત્રો સાથે અવધ બંગલા નજીક ક્રિકેટ રમવા ગયો ત્યારે દડો પડતર બંગલાના સ્વીમિંગ પૂલમાં જતાં આ છાત્ર દડો કાઢવા ગયો ત્યારે શેવાળને કારણે પગ લપસી જતાં અંદર ડુબી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. કરૂણતા એ છે કે યુવાન તેના માતા-પિતાનો એકનો એક આશાસ્પદ દિકરો હતો.
જાણવા મળ્યા મુજબ મવડી વિસ્તારના ઓમનગર પાસેની જલારામ સોસાયટીમાં રહેતો ધર્મિન હિતેષભાઇ મોરીધરા-પ્રજાપતિ (ઉ.વ.૧૯) સવારે દસેક વાગ્યે કાલાવડ રોડ અવધ બંગલા નજીકના મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો ત્યારે દડો પડતર એવા અવધ બંગલામાં ગયો હતો. આ દડો લેવા માટે ફિલ્ડર તરીકે ઉભેલો ધર્મિન બંગલામાં ગયો ત્યારે દડો ત્યાંના સ્વીમિંગ પૂલમાં ભરેલા જુના પાણીમાં તરતો દેખાયો હતો. પડતર પાણી હોઇ તેમાં શેવાળ પણ જામી ગયો હતો. પણ આ બાબતથી અજાણ ધર્મિન દડો લેવા આગળ વધતાં પગ લપસી જતાં અંદર પડી ગયો હતો અને ડૂબી ગયો હતો.
દડો લઇને આવવામાં ધર્મિનને સમય વીતી જતાં બીજા મિત્રો ત્યાં જોવા જતાં ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડને અને ધર્મિનના વાલીઓને જાણ કરી હતી. ધર્મિનને બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનો મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને કરી હતી.
મૃત્યુ પામનાર વીવીપી એન્જિનીયર કોલેજમાં બીટેકના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. હાલમાં તેની પરિક્ષા ચાલુ હતી. આજે ત્રીજુ પેપર આપ્યા બાદ સવારે દસેક વાગ્યે પાંચ છ મિત્રો અવધ બંગલા નજીક ક્રિકેટ રમવા ગયા હતાં. ત્યારે આ કરૂણ ઘટના બની હતી. ધર્મિનના પિતા ફર્નિચર કામ કરે છે. તે માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. આ બનાવથી મોરીધરા પરિવારમાં અને સાથી મિત્રોમાં તેમજ કોલેજ કેમ્પસમાં ગમગીની છવાઇ ગઇ હતી.
(2:56 PM IST)










