News of Thursday, 26th March 2026
વોર્ડ નં. ૧૬માં ભાજપના કોર્પોરેટરો સામે ભારે રોષ : ત્રણેયના પત્તા કપાવાના એંધાણ?
દાદાના બુલડોઝરની સામે કોંગ્રેસનું બુલડોઝર ફરશે? ગેરકાયદેસર બાંધકામ અને નિષ્ક્રિયતા ભારે પડશે

રાજકોટ, તા.૨૬ : અહીંના વોર્ડ નં. ૧૬માં ભાજપ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટરોની નિષ્ક્રિયતા અને લોકોના કામ ન થતાં ભારે રોષ વ્યાપી ગયો છે.
શ્રી સુરેશ વસોયાને બાદ કરતા અન્ય ત્રણેય વર્તમાન કોર્પોરેટરોના પત્તા કપાવાની પ્રબળ શક્યતા ચર્ચાય છે. જો આયારામ-ગયારામને ટિકિટ અપાશે તો ભાજપને મોટું નુકસાન જઈ શકે છે, તેવું પણ મનાય છે
એપ્રિલના પહેલા અઠવાડિયામાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થાય તેવું મનાઈ રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ખાનગી સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, વોર્ડ નં. ૧૬માં ભાજપને ચૂંટણી જીતવા માટે લોઢાના ચણા ચાવવા પડશે.
આ વોર્ડ કોઈનો કાયમી ગઢ ગણી શકાય નહીં, અહીં મતદારોના મિજાજ ઉપર ઉમેદવારો અઠેગઠે કોર્પોરેટરો બની જતા હોવાનું દેખાઈ આવે છે.
નવા રોટેશન મુજબ અહીં એક ઓબીસી મહિલા, એક સામાન્ય મહિલા, એક અનુસૂચિત જાતિ પુરુષ અને એક સામાન્ય પુરુષનો સમાવેશ થાય છે.
લોકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, શ્રીસુરેશ વસોયાને બાદ કરતા અન્ય ત્રણેય કોર્પોરેટરોના પત્તા આ વખતે કપાઈ શકે છે.
શ્રી નરેન્દ્ર ડવ છેલ્લી ત્રણ ટર્મથી આ વોર્ડમાં ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ દર વખતે તેમની સાથેના ઉમેદવારો બદલાતા રહ્યા છે. અગાઉ નરેન્દ્રભાઈને ટિકિટ ન મળતા પૂર્વ મેયર અશોક ડાંગરને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે નરેન્દ્રભાઈની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેમની સામે થયેલ સૂચિત મિલકતનું સોગંદનામું તેમના માટે માથાનો દુખાવો બની શકે છે.
બીજી તરફ, કંચનબેન સિદ્ધપુરા પણ સતત વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. શહેરના એક વોકળા પર ગેરકાયદેસર બાંધકામ થયાના અને વોર્ડના જ આગેવાનો સાથે ડખો થયાના આક્ષેપો પણ જાણીતા છે, જેના કારણે તેમને થોડો સમય પાર્ટીના કાર્યક્રમોથી દૂર પણ રખાયા હતા તેવી પણ ચર્ચા છે.
વિશેષ વાત એ છે કે નરેન્દ્ર ડવ અને કંચનબેન સિદ્ધપુરા બંનેએ પોતાના રહેઠાણો પણ અન્ય વોર્ડમાં બદલાવી નાખ્યા છે. રુચિતાબેન જોષીની વાત કરીએ તો ગત વખતે તેઓ માત્ર ૧૧ મતોની પાતળી સરસાઈથી જીત્યા હતા, તેથી ભાજપ તેમને ફરીથી મેદાનમાં ઉતારવાનું સાહસ કરે તેવું લાગતું નથી.
એકંદરે આ વોર્ડના કોર્પોરેટરોનો અંદરોઅંદરનો વિખવાદ, વિકાસના કામોમાં નિષ્ક્રિયતા અને ફરિયાદોથી બચવા સમયસર મોબાઈલ બંધ કરી દેવાની આદત મતદારો ભૂલ્યા નથી. સેન્સ પ્રક્રિયામાં પણ આ મુદ્દાઓ જોરશોરથી ઉછળશે તે ચોક્કસ મનાઈ છે.
જો ભાજપ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટનું વચન આપીને મેદાનમાં ઉતારશે, તો તેમને ભારે નુકસાન વેઠવું પડશે તે પણ નિヘતિ છે. વોર્ડમાં થયેલા ડિમોલિશનના ભણકારા પણ ચૂંટણીમાં ગાજશે. લોકોમાં એવો ગણગણાટ છે કે દાદાના (સરકારના) બુલડોઝર ફર્યા બાદ હવે આ ચૂંટણીમાં શ્રી સુરેશ ગરૈયાના નેતૃત્વમાં કોંગ્રેસનું બુલડોઝર ફરી વળે તો નવાઈ નહીં
(3:41 PM IST)










