તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
ગોલ્ડ લોન ટ્રાન્સફર કરાવી આર્યનગરના ગોૈરાજ ડોડીયાનો રેલનગરની ફેડ બેંકને ૬ લાખનો ધૂંબો
પોતાની એક લોન આઇઆઇએફએલમાં ચાલુ હોય તે ટ્રાન્સફર કરાવડાવી રોકડા લઇ લીધા પણ ગોલ્ડ છોડાવી જમા ન કરાવ્યું: બેંકે ઉઘરાણી કરતાં ૨.૧૫ લાખ ભરી બાકીના પૈસા ભરવાની ના પાડી દીધી! : ફેડ બેંકના સિનીયર એરિયા મેનેજર હિરેન વ્યાસની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૬: રેલનગરમાં આવેલી ફેડ બેંક સાથે સામા કાંઠાના શખ્સે પોતાની ગોલ્ડ લોન અન્ય બેંકમાં ચાલુ હોઇ તેમાંથી આ બેંકમાં ટ્રાન્સફર કરાવવાની અરજી કરતાં તેની એપ્રુવલ ફેડ બેંકે મંજુર કરતાં તેણે ૮,૧૫,૦૦૦ની મંજુર થયેલી લોન નાણાવટી ચોકની આઇઆઇએફએલ બેંકમાં જમા કરાવી ત્યાંથી ગોલ્ડ છોડાવી ફેડ બેંકમાં જમા ન કરાવી તેમજ તેની સામે માત્ર રૂા. ૨,૧૫,૦૦૦ જમા કરાવી બાકીની રકમ ભરવાની ના પાડી દઇ જે કાયદેસરની કાર્યવાહી કરવી હોય તે કરી લો તેમ કહી દેતાં ગુનો દાખલ કરાવાયો છે.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે જસદણમાં આટકોટ રોડ પર શિવશક્તિ સોસાયટીમાં રેહતાં અને ખાનગી નોકરી કરતાં હિરેનભાઇ મહેશભાઇ વ્યાસ (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી પેડક રોડ આર્યનગરમાં રહેતાં ગોૈરાજ ગોપાલભાઇ ડોડીયા વિરૂધ્ધ છ લાખની ઠગાઇનો ગુનો નોંધ્યો છે. હિરેનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરીવાર સાથે રહુ છુ અને ફેડ બેંક ફાઈનાન્સીયલ સર્વિસ લિમિટેડ રેલનગર શાખા રાજકોટ તથા સૌરાષ્ટ્ર એરીયામાં આવેલ બેંકના સીનીયર એરીયા મેનેજર તરીકે છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવુ છુ. અમારી ફાઇનાંસ કંપનીમા ગોલ્ડ લોન આપવામા આવે છે. ગત તા.૧૭/૦૧/૨૦૨૬ના રોજ અમારી ઉપરોક્ત ફેડ બેંક ફાઇનાન્સીયલ સર્વિસ લીમીટેડ રેલનગર શાખા રાજકોટ ખાતે ગૌરાજ ગોપાલભાઈ ડોડીયા (રહે. ૨૧-આર્યનગર રાજા વેરાય, પેડક રોડ રાજકોટ) ગોલ્ડ લોન લેવા માટે આવેલ હતો.
તેની એક ગોલ્ડ લોન રૂા. ૮,૧૫,૦૦૦ની ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં આવેલી આઇઆએફએલ ખાતેની બેંકમાં ચાલુ હોઇ જે લોન અમારી હોય જે લોન અમારી ફેડ બેંકમાં ટ્રાંન્સફર કરાવવા માટેની અરજી કરી હતી.
આ અરજી અમારી રેલનગર બ્રાંન્ચ દ્વારા એપ્રુવ કરાયેલી અને આઇઆઇએફએલ નાણાવટી ચોક રાજકોટ ખાતેની બેંકની તેમની રૂ.૮,૧૫,૦૦૦ની ગોલ્ડ લોનની રકમ અમારી ફેડરલ બેન્કનાં ખાતામાંથી આ ગૌરાજ ડોડીયાના એસબીઆઇ બેન્ક એકાઉન્ટ ખાતામાં તા. ૧૭/૦૧/૨૦૨૬નાં રોજ જમા કરી હતી. જેથી ગોૈરાંજને તે પૈસાથી તેની આઇઆઇએફએલ નાણાવટી ચોક રાજકોટ ખાતેની બેંકની ગોલ્ડ લોન ભરીને ત્યાથી ગોલ્ડ છોડાવી અમારી ફેડ બેંકમાં જમા કરાવવાનું કહ્યું હતું. જેથી ગોૈરાંજે કહેલું કે તમારી બેંક દ્વારા મારા એકાઉન્ટમાં જમા થયેલ રૂપીયા હુ આઇઆઇએફએલં નાણાવટી ચોક રાજકોટ બ્રાંચમા જમા કરાવી અને મારું ગોલ્ડ છોડાવી તે ગોલ્ડ આપની બેંકમા જમા કરાવીશ તેવો ભરોસો આપ્યો હતો.
જો કે બાદમાં ગોૈરાંજ ડોડીયા ગોલ્ડ જમા કરાવવા આવેલ નહીં જેથી અમારી રેલનગ૨ ખાતેની બ્રાંચના કર્મચારી વિશાલભાઇ દિવેચા અને નેહાબેન ટીટીયા લોન લેનાર ગૌરાજ ડોડીયાના ઘરે ગયેલ અને તેમનું ગોલ્ડ બેંકમાં જમા કરાવવાનું કહેતા આ ગૌરાજે-હું ગોલ્ડ જમા કરાવવાનો નથી, હું તમારા પૈસા પરત આપી દઇશ તેમ જણાવ્યું હતું. બાદ ૧૯/૧ના રોજ રૂા. ૬૦,૦૦૦ અને ૨૨/૧ના રોજ રૂા. ૧,૫૫,૦૦૦ જમા કરાવ્યા હતાં. બાકીની રકમ પછીથી કટકે કટકે આપશે તેમ કહ્યું હતું. પરંતુ થોડા દિવસ બાદ તેણે અમારા કર્મચારીઓને કહેલ કે તમારે મારા વિરૂધ્ધ જે કાયદેસર કાર્યવાહી કરવી હોય તે કરો હુ પૈસા આપવાનો નથી.
આ રીતે ગૌરાજ ડોડીયાએઅમારી બેન્કમાંથી રૂપીયા ૮,૧૫,૦૦૦ની લોન લઇને બીજી બેંકમાંથી પોતાનું ગોલ્ડ છોડાવી લઇ અમારી બેંકમાં જમા ન કરાવી માત્ર ૨,૧૫,૦૦૦ રૂપિયા જમા કરાવી બાકી રહેતા રૂપીયા ૬,૦૦,૦૦૦ પરત ન આપી વિશ્વાસઘાત કરતાં અમારે ફરિયાદ નોંધાવવી પડી છે. તેમ વધુમાં હીરેનભાઇ વ્યાસે જણાવતાં પીઆઇ વી.આર. વસાવાની રાહબરીમાં હેડકોન્સ. કે. એન. ચુડાસમાએ ગુનો દાખલ કરતાં હેડકોન્સ. એલ. એ. જતાપરાએ તપાસ હાથ ધરી છે.
(2:06 PM IST)










