News of Thursday, 26th March 2026
ગ્રીનલેન્ડ ચોકડીએ ક્રેઇનની ઠોકરે બાઇક ચડી જતાં સરદાર પાર્કના રસિકભાઇ હીરપરાનું મોત
જુના માર્કેટીંગ યાર્ડ પાસે ગ્રીસની કેબીને હોઇ તબીયત બગડતાં ત્યાંથી ઘરે જતી વખતે બનાવ

રાજકોટ તા. ૨૬: કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી નજીક જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં મોરબી રોડ પર રહેતાં ગ્રીસનું કામ કરતાં આધેડ બાઇક સહિત ક્રેઇનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. બનાવથી પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.
જાણવા મળ્યા મુજબ મોરબી રોડ પર સરદાર પાર્ક-૨માં રહેતાં રીસકભાઇ કાનજીભાઇ હીરપરા-પટેલ (ઉ.વ.૪૫) સવારે સવા દસેક વાગ્યે પોતાનું બાઇક હંકારીને ગ્રીનલેન્ડ ચકોડી પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે એક ક્રેઇનની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર રસિકભાઇ હીરપરા બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરો છે. તે જુના માર્કેટ યાર્ડ નજીક વાહનોમાં ગ્રીસ લગાવવાની કેબીન ચલાવતાં હતાં. આજે સવારે નિત્યક્રમ મુજબ પોતાની કેબીને ગયા હતાં. પરંતુ તબિયત એકાએક બગડી જતાં કેબીનેથી ઘરે જતી વખતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ક્રેઇન કાળ બની ગઇ હતી. બનાવથે પગલે હીરપરા પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.
(3:26 PM IST)










