તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 26th March 2026
અટિકા રાધે ચોકમાં બિલ્ડીંગમાંથી પડતું મુકી દઇ ઉદયનભાઇ લાંબાનો આપઘાત
રાધેક્રિષ્ના સોસાયટીના યુવાને માનસિક અસ્વસ્થતાને કારણે પગલુ ભર્યુઃ સવારે વોકીંગમાં જવાનું કહીને નીકળ્યા હતાં: પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૬: અટીકા આહિર ચોક નજીક રહેતાં યુવાન સવારે ઘરેથી વોકીંગમાં નીકળ્યા બાદ ઘર નજીક આવેલા બિલ્ડીંગમાં ગયા બાદ કોઇપણ માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. તેમણે માનસિક અસ્વસ્થતાને કારણે પડતું મુકી દીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
જાણવા મળ્યા મુજબ અટીકા આહિર ચોક પાસે રાધે ચોક નજીક રાધેક્રિષ્ના સોસાયટી-૩માં રહેતાં ઉદયનભાઇ દિલીપભાઇ લાંબા (ઉ.વ.૪૨) સવારે ઘર નજીક આવેલા સાસ્તવ પ્રભુવન બિલ્ડીંગમાંથી કોઇપણ માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું હતું. બનાવની જાણ ૧૦૮ના તબિબ મારફત થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના ઇન્વે. સ્ટાફના એન. એ. ગઢવી સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
મૃત્યુ પામનાર ઉદયનભાઇ બે ભાઇમાં મોટા અને અપરિણીત હતાં. તેમના પિતા નિવૃત શિક્ષક છે. સવારે ઉદયનભાઇ વોકીંગ કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ સાસ્વત પ્રભુવન બિલ્ડીંગમાં જઇ ત્યાંથી કોઇપણ માળેથી પડતું મુકી દીધુ હતું. માનસિક તકલીફને કારણે પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.
(3:51 PM IST)










