<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

લાયન સફારી પાર્કનું ૯૦ ટકા કામ પૂર્ણ

રાજકોટવાસીઓને હવે ગીર સુધી લાંબુ થવું નહિ પડે : પ્રદ્યુમન પાર્ક પાસે ૨૯ હેકટર જમીનમાં બનાવવામાં આવી રહ્યુ છે : મે અથવા જૂનમાં ખુલ્લો મુકવાની સંભાવનાઃ નવા શાસકો જશ ખાટશે

રાજકોટ તા. ૨૬: શહેરની ભાગોળે આવેલ રાંદરડા નર્સરી તરફ ૨૯ હેકટરની જગ્‍યામાં એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા મનપા તંત્ર ગત બજેટમાં ૨૦૦ લાખની જોગવાઇ કરવામાં આવી હતી. જે અંતર્ગત  મનપા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતા પ્રથમ તબક્કાનું ૯૦ ટકા કામ પર્ણ થતા આગામી ઉનાળા વેકેશનમાં લોકો માટે નવુ નજરાણું મળી રહે તેવા પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.  અહીં જીપ દ્વારા સિંહ દર્શન અને અન્‍ય આધુનિક સુવિધાઓ ઉપલબ્‍ધ થશે.

મહાનગરપાલિકા દ્વારા પર્યટનનાં વિકાસ માટે સાકાર થઈ રહેલા લાયન સફારી પાર્કની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. તંત્ર દ્વારા સાતમ-આઠમ પહેલા આ પાર્ક ખુલ્લો મુકવા તૈયારી કરવામાં આવી રહી છે. જેને લઈને જન્‍માષ્ટમીનાં તહેવારોમાં રાજકોટિયાનોને સાસણ જેવો આનંદ રાજકોટમાં મળે તેવી શકયતા છે. આ પ્રોજેક્‍ટ અંતર્ગત ૨.૭૫ મીટરની કમ્‍પાઉન્‍ડ વોલ, ૫.૦ મીટર ઊંચાઈની ચેઇનલીંક ફેન્‍સિંગ, નાઇટ શેલ્‍ટર અને આંતરિક રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

શહેરમાં આવેલ પ્રદ્યુમન પાર્ક ખાતે રાજકોટ શહેર તથા આસપાસના જિલ્લાઓના મુલાકાતીઓ ઝુ ખાતે મુલાકાત માટે આવે છે. જેઓને પ્રાણી સંગ્રહાલય ઉપરાંત નવા નજરાણા સ્‍વરૂપે લાયન સફારી પાર્ક જેવું ઉત્તમ આકર્ષક ફરવાનું સ્‍થળ મળી રહે અને સિંહ સંરક્ષણ - સંવર્ધનના પ્રયત્‍નોમાં વધારો થાય તેમજ ઇકોટુરીઝમ ક્ષેત્રે વધારો થાય તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા પ્રદ્યુમન પાર્કની પૂર્વ દિશાએ સર્વે નં. ૧૪૪, ૧૪૫, ૧૫૦ તથા ૬૩૮ મળી કુલ અંદાજે ૩૮ હેકટર જમીન પૈકી ૨૯ હેકટર જમીનમાં લાયન સફારી પાર્ક બનાવવામાં આવી રહ્યુ છે.

આમ  રંગીલા રાજકોટની પ્રજાને પ્રદ્યુમન પાર્ક, રામવન સહિતના ફરવા લાયક સ્‍થળોમાં લાયન સફારી પાર્કનો ઉમેરો નજીકના ભવિષ્‍યમાં થનાર છે. 

લાયન સફારી પાર્ક પ્રોજેક્‍ટની મુખ્‍ય વિશેષતાઓ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનમાં (ઈસ્‍ટ ઝોન) લાલપરી તળાવ અને રાંદરડા નર્સરીની નજીક આ પાર્ક બની રહ્યો છે. આ પ્રોજેક્‍ટ ૨૯ થી ૩૩ હેક્‍ટર વિસ્‍તારમાં પથરાયેલો છે, જેના પર અંદાજે રૂ. ૪૪ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે . મુખ્‍ય આકર્ષણો સહેલાણીઓ માટે જીપ સફારી (સિંહ દર્શન), આકર્ષક એન્‍ટ્રન્‍સ પ્‍લાઝા, ઇલેક્‍ટ્રિક વાહનો, અને બાળકો માટે પ્‍લે એરિયા. સુરક્ષા અને સુવિધા સિંહોની સુરક્ષા માટે ૫ મીટર ઊંચી ફેન્‍સિંગ (જાળી) અને પ્રવાસીઓ માટે ર્પાકિંગ, રેસ્‍ટિંગ શેડ, તથા ફૂડ કોર્ટની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેમાં કમ્‍પાઉન્‍ડ વોલ અને ફેન્‍સિંગ જેવી મુખ્‍ય કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ પ્રોજેક્‍ટ સાકાર થયા બાદ રાજકોટવાસીઓને સિંહ દર્શન માટે સાસણ ગીર જવાની જરૂર નહીં પડે અને ઘરઆંગણે જ સફારીનો આનંદ માણી શકશે.

(3:31 PM IST)