<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

મને આ લોકો બદનામ કરે છે એટલે જીવ દઉ છું...ઓડિયો રેકોર્ડીંગ વહેતા કરી ધનરાજ ભાવનાણીએ ઝેરી દવા પીધી

મારા શિવ ગ્રુપની અને મારી ઇજ્જત મને સોૈથી વહાલી છે : ગાયકવાડીના યુવાને પોતાને સમાજના લોકોએ જ હેરાન કર્યાનો આક્ષેપ કર્યોઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૬: શહેરના જંકશન પ્‍લોટ ગાયકવાડીમાં રહેતાં અને ઇવેન્‍ટ, ડેકોરેશન, સાઉન્‍ડ સિસ્‍ટમનો ધંધો કરતાં અને સિંધી સમાજમાં પણ નામના ધરાવતાં યુવાને રેલનગરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરાયો છે. તેણે આ પગલુ ભરતાં પહેલા સમાજના ગ્રુપમાં બે ઓડિયો રેકોર્ડીંગ વાયરલ કર્યા છે. જેમાં સમાજના જ કેટલાક લોકોના નામો જણાવ્‍યા છે. પોતાને ખોટી રીતે બદનામ કરાયો હોઇ કંટાળીને પગલુ ભર્યાનું કહ્યું છે.

જાણવા મળ્‍યા મુજબ ધનરાજ વિનોદભાઇ ભાવનાણી (ઉ.વ.૨૬, રહે. ગાયકવાડી-૬/૧૦, રવિસાગર એપાર્ટમેન્‍ટ) નામના યુવાને બપોરે એકાદ વાગ્‍યે રેલનગર વિર સાવરકર ટાઉનશીપ સામે ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી છે. ઝેર પી લેનાર ધનરાજ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજો છે અને અપરિણીત છે. તે ડેકોરેશન, સાઉન્‍ડ સિસ્‍ટમ, ઇવેન્‍ટનો ધંધાર્થી છે. તેણે જણાવ્‍યું હતું કે તાજેતરમાં ચેટીચાંદના દિવસે સિંધી સમાજની બે રેલી નીકળી હતી. જેમાં એક રેલી અનીતાબેને કાઢી હતી અને બીજી રેલી પોતે (ધનરાજે) શિવ ગ્રુપના નેજા તળે કાઢી હતી.

ધનરાજે વધુમાં કહ્યું કે પોતે કાઢેલી રેલીને વધુ સફળતા મળી હોઇ આને લીધે સામેની રેલીવાળાને ન ગમતાં સમાજના ગ્રુપમાં મારી બદનામી કરી હતી. આ કારણે મેં પગલુ ભર્યુ છે. ધનરાજે પણ બે ઓડિયો રેકોર્ડ વહેતા કર્યા છે જેમાં જણાવ્‍યું છે કે શિવ ગ્રુપવાળાની આબરૂ નથી, તેને કાઢી મુકો, આ લોકો મને બદનામ કરે છે, જેથી હું મારો જીવ દઉ છું. મારા ગ્રુપની ઇજ્જત અને મારી ઇજ્જત મને સોૈથી વહાલી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. ઓડિયો રેકોર્ડીંગમાં ધનરાજે કેટલાક લોકોના નામ પણ લીધા હોઇ પોલીસે ખરેખર શું બન્‍યું? તેની તપાસ હાથ ધરી છે. 

(3:51 PM IST)