News of Friday, 27th March 2026
ગાંધીગ્રામના જીજ્ઞાબેન શુક્લાએ રૈયાના તળાવમાં પડતું મુકી મોત મેળવી લીધું
સવારે પતિ-પત્નિ સાથે પોતપોતાની નોકરીના સ્થળે જવા નીકળ્યા બાદ પત્નિએ પગલુ ભર્યુઃ માસુમ દિકરી મા વિહોણી થતાં પરિવારમાં શોકઃ ચામડીની બિમારી કારણભુત

રાજકોટ તા. ૨૭: ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં રહેતાં મહિલાએ રૈયા ગામ પાસે પરશુરામ મંદિર નજીકના તળાવમાં કૂદી જઇ આપઘાત કરી લેતાં પશ્રિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ગઇકાલે સવારે પતિ-પત્નિ બંને ઘરેથી પોતપોતાની નોકરીના સ્થળે જવા નીકળ્યા બાદ પત્નિએ નોકરીએ જવાને બદલે તળાવે જઇ પડતું મુકી દીધુ હતું.
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં ટાઇટેનિયમ બિલ્ડીંગમાં રહેતાં જીજ્ઞાબેન આકાશભાઇ શુક્લા (ઉ.વ.૪૦) નામના મહિલાએ રૈયાના પરશુરામ મંદિર સામે આવેલા તળાવમાં પડતું મુકી આપઘાત કરી લેતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ જયદિપસિંહ જાડેજા સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. ગુરૂવારે બપોરે બે વાગ્યાની આસપાસ પરશુરામ મંદિર નજીક આવેલી એક વાડીના માલિકની નજર તળાવમાં તરી રહેલા એક મહિલાના મળતદેહ પડતાં તે ચોંકી ગયા હતાં અને ૧૧૨ નંબર પર ફોન કર્યો હતો. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની ટીમે તળાવમાંથી મળતદેહને બહાર કાઢયો હતો.
પોલીસ તપાસમા મૃતકની ઓળખ જીજ્ઞાબેન શુક્લા તરીકે થઇ હતી. પોલીસે તેણીના પતિ આકાશભાઇને જાણ કરતાં તે તથા પરિવારજનો પહોંચી ગયા હતાં. તપાસમાં ખુલ્યા મુજબ જીજ્ઞાબેન અને તેમના પતિ આકાશભાઈ બંને નોકરી કરે છે અને તેઓ સવારે સાડા દસેક વાગ્યે ઘરેથી સાથે જ નીકળ્યા હતા. જો કે આ પછી જીજ્ઞાબેને તળાવ ખાતે જઇ આપઘાત કરી લીધો હતો. તેમને સંતાનમાં એક દિકરી છે જે નવ વર્ષની છે. સગાના કહેવા મુજબ જીજ્ઞાબેનને લાંબા સમયથી ચામડીથી બિમારી હતી. દવા સારવાર છતાં સારુ થતું ન હોઇ કંટાળીને પગલુ ભરી લીધાની શક્યતા છે.
(4:03 PM IST)










