<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

મુસાફરોને રઝળાવી એસ.ટી.બસો સરકારી કાર્યક્રમોમાં ફાળવી દેવાનું બંધ કરોઃ એસ.ટી.મૂસાફર હિતરક્ષક સમિતિ

વડાપ્રધાનના બનાસકાંઠાના કાર્યક્રમને ૨ હજાર બસની ફાળવણીથી મૂસાફરોની માઠી

રાજકોટ, તા.૨૭: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પ્રતાપભાઈ વાળા, પૂર્વ ફૌજી નટુભા ઝાલાની સંયુક્‍ત યાદી જણાવે છે કે દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોય અને આગામી તારીખ ૩૧ માર્ચ બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ ખાતે તેમનો કાર્યક્રમ હોય તે માટે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા રાજ્‍યભરમાંથી ૨૦૦૦ એસ.ટી બસો ની ફાળવણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.  રાજકોટમાંથી પણ ૧૫૦ બસો આ કાર્યક્રમ માટે ફાળવી દેવામાં આવશે.

રાજ્‍યમાં નિયમિત ૮૫૫૦ બસો માં ૨૯ લાખ મુસાફરો અપડાઉન કરે છે ત્‍યારે તારીખ ૩૦ અને ૩૧ એસ.ટીની ટ્રીપો રદ કરવાની નોબત આવશે અને હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે. મુસાફર જનતાને સમિતિની અપીલ છે કે જરૂર હોય તો જ આ બે દિવસ એસ.ટીમાં પ્રવાસ કરજો અન્‍યથા ૪૦ ડિગ્રી તાપમાનમાં હેરાન પરેશાન થશો અને ખાનગી વાહનો સરકારી તંત્રની મીઠી નજર હેઠળ ઉઘાડી લૂંટ ચલાવશે અને લૂંટાસો.

વડાપ્રધાન કે મુખ્‍યમંત્રીના કાર્યક્રમમાં આ પ્રકારે એસ.ટી બસોને કબજે કરી સરકારી વાહનોનો દૂરુપયોગ શાસકોએ બંધ કરવો જોઈએ. ચૂંટણી સમયે જે રીતે ખાનગી બસો અને ખાનગી વાહનો ડીટેઇન કરી કબ્‍જે લેવાય છે એ પ્રકારે ખાનગી વાહનોને કબજે લઈ ભાડું ચૂકવવું જોઈએ.

એસટી તંત્રને આ પ્રકારના તાઈફા અને કાર્યક્રમમાંથી મુક્‍તિ મળવી જોઈએ. તેમ અપીલ કરતા ગુજરાત એસ.ટી.મૂસાફરો હિતરક્ષક સમિતિ (મો. ૯૪૨૬૨ ૨૯૩૯૬)ની યાદીમાં જણાવાયુ છે. 

(2:36 PM IST)