<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

આજથી કથા પ્રારંભઃ દરેક કષ્ટોનું નિવારણ શ્રીમદ્‌ ભગવદ કથા

ભાગવત કથાનું શ્રવણ એટલું બધુ ચમત્‍કારિક, અસરકારક અને આલોકિક છે કે તે તેને ધ્‍યાનથી સાંભળનાર દરેક શ્રવણકર્તાના જીવનમાં દિવ્‍ય પરિવર્તનો લાવી તેના સમગ્ર જીવનને ધરખમ ફેરફારો સાથે ધરમૂળથી પરિવર્તિત કરી નાખે છે જેના કારણે કથા શ્રાવિકની જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ જઈને તેનામાં ગજબનું પરિવર્તન લાવીને શાબ્‍દિક રીતે તેને એક નવોજ જન્‍મ આપે છે

સમગ્ર રાજકોટવાસીઓને રાધે રાધે... આપણાં રંગીલા રાજકોટના રેસકોર્ષના મેદાનમાં આજે તારીખ ૨૭મી માર્ચ થી ૨ એપ્રિલ સુધી રાત્રિના ૮ થી ૧૧ વાગ્‍યા સુધીના સમયગાળા દરમ્‍યાન તથાસ્‍તુ વિધાપીઠના લાભાર્થે તેમજ સર્વે જ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્‌ ભાગવત કથાનું દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

ભાગવત કથાના નિરૂપણ અને શ્રીકૃષ્‍ણના ભજન-કીર્તન થકી વિશ્વ કવિખ્‍યાત થયેલા તેમજ રાધે રાધેના ભક્‍તિભર્યા નામથી જગ મશહૂર થયેલા પ્રખ્‍યાત ભાગવતાચાર્ય અને કથાકાર પૂજ્‍ય શ્રીજીગ્નેશ દાદા સમગ્ર શ્રોતાજનોને આ કથાનું રસપાન કરાવશે.

શ્રીમદ્‌ ભાગવત એ આપણાં સનાતન હિન્‍દુ ધર્મના સૌથી પવિત્ર ગ્રંથોમાંનો એક ખુબજ પવિત્ર ગ્રંથ છે જેનું વચન, પઠન કે શ્રવણ કરનારને તે અધ્‍યાત્‍મિક, આલોકિક અને સાંસારિક દ્રષ્ટિએ જીવન જીવવા માટેની જડીબુટ્ટી સમાન એક ખુબજ ઊંડી સમજ, ગહન દ્રષ્ટિ અને એકદમ અલગ પ્રકારનો અભિગમ કે દ્રષ્ટિકોણ આપે છે.

ભાગવત કથાનું શ્રવણ એટલું બધુ ચમત્‍કારિક, અસરકારક અને આલોકિક છે કે તે તેને ધ્‍યાનથી સાંભળનાર દરેક શ્રવણકર્તાના જીવનમાં દિવ્‍ય પરિવર્તનો લાવી તેના સમગ્ર જીવનને ધરખમ ફેરફારો સાથે ધરમૂળથી પરિવર્તિત કરી નાખે છે જેના કારણે કથા શ્રાવિકની જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ જઈને તેનામાં ગજબનું પરિવર્તન લાવીને શાબ્‍દિક રીતે તેને એક નવોજ જન્‍મ આપે છે.

શ્રીમદ્‌ ભાગવતમાં દર્શાવ્‍યા મુજબ આત્‍મા અમર છે જેને ના તો આગમાં બાળી શકાય છે, ના તો પાણીથી ભીંજવી શકાય છે કે ના તો તેને કોઈપણ પ્રકારના બંધનમાં બાંધીને કૈદ કરી શકાય છે.

આત્‍મા પોતાના સ્‍વભાવથીજ સાર્વભૌમ છે માટે તેને સ્‍વભાવથી, લાગણીથી કે શરીરની અન્‍ય કોઈપણ ચેષ્ટાથી બાંધી શકાતો નથી. આપણે આત્‍માના જે

કાંઈપણ બંધનો અનુભવીએ છીએ તે બધાજ મનના ભ્રમ માત્ર છે. શ્રીમદ્‌ ભાગવત ગીતા એ અસલમા એક એવું દિવ્‍ય પ્રકાશ પ્રદાન કરે છે જે દરેક જિવાત્‍માને મુક્‍તિની અદભૂત સ્‍વતંત્રતાનો અનુભવ કરાવવા માટે સક્ષમ બનાવે છે જે ભગવાન વિષ્‍ણુના ૨૪ અવતારોની જીવનકથાઓના વર્ણન થકી આ ફિલસૂફી વ્‍યક્‍ત કરે છે. શ્રીમદ્‌ ભાગવતનો દસમો ગ્રંથ ભગવાન કૃષ્‍ણના અનંત બ્રહ્માંડનું વિગતવાર વર્ણન કરે છે.

મહર્ષિ વેદવ્‍યાસ દ્વારા લખાયેલ ભાગવત દરેકને સરખૂજ જ્ઞાન આપે છે પછી ભલેને તે સામાજિક, રાજકીય કે આર્થિક વ્‍યવસ્‍થાને લગતુંજ કેમ ના હોય. તેમણે બધાજ વિષયોને આબેહૂબ રીતે આવરી લીધા છે.

શ્રીમદ્‌ ભાગવતમાં માત્ર માનવના આત્‍મમુક્‍તિ સંબંધિત મુદ્દાઓજ નહીં પરંતુ આપણી રોજિંદા સમસ્‍યાઓનું પણ અસરકારક રીતે નિરાકરણ કરવામાં આવ્‍યું છે.

શ્રીમદ્‌ ભાગવત પોતાની દિવ્‍ય રચના મારફત માનવ જીવનને આત્‍માની અંતિમ મુક્‍તિ તરફ દોરી જતી એક મહત્‍વપૂર્ણ માર્ગદર્શિકા છે. શ્રીમદ્‌ ભાગવતનું પઠન કરવું, તેને વાંચવું કે સાંભળવું તે માત્ર એકાદ અઠવાડિયાની ધાર્મિક પ્રતિબદ્ધતા કે અનુષ્ઠાન હોઈ શકે છે, પરંતુ તેને ભાવાર્થ સાથે ઊંડાણપૂર્વક સમજીને અન્‍યોને સમજાવવા માટે આખું જીવન પણ પર્યાપ્ત થઈ શકે તેમ નથી.

શ્રીમદ્‌ ભાગવત એ એક એવું અદ્ભુત અને ઉત્‍કૃષ્ટ ગ્રંથ છે કે તેને સાંભળ્‍યા પછી રાજા પરીક્ષિતને પણ તેમની અજ્ઞાનતા અને મૃત્‍યુના ભયમાંથી મુક્‍તિ મળી હતી. આમ શ્રીમદ્‌ ભાગવતનું વાંચન, પઠન કે શ્રવણ આપણને ભય, સમસ્‍યાઓ અને અજ્ઞાનતાથી મુક્‍ત કરે છે.

શ્રીમદ્‌ ભાગવતમાં ત્રણ મુખ્‍ય સંવાદો છે જેમાંનું એક સંવાદ શુકદેવજી અને રાજા પરીક્ષિતની વચ્‍ચેનું છે, બીજો સંવાદ નૈમિષારણ્‍ય ખાતે સુતજી, શૌનક અને અન્‍ય ઋષિઓ વચ્‍ચેનું છે અને ત્રીજો સંવાદ ગંગા નદીના કિનારે વિદુરજી અને મૈત્રેય વચ્‍ચેનો છે. આમ આ ત્રણ મુખ્‍ય વાર્તાલાપ સુતજી અને શૌનક અને અન્‍ય ઋષિઓ વચ્‍ચેના સંવાદથી શરૂ થઈને અંત થતા વિશાળ ભાગવતને વ્‍યક્‍ત કરે છે.

શ્રીમદ્‌ ભાગવતના આઠ મુખ્‍ય શ્‍લોકો શ્રી નારાયણ ભગવાન દ્વારા સ્‍વરબદ્ધ કરવામાં આવેલા છે જેને બ્રહ્માજી દ્વારા સાંભળવામાં આવ્‍યા હતા જેમણે તે નારદને સંભળાવ્‍યા અને તેમણે ઋષિ વેદ વ્‍યાસને સંભળાવતા એટલું કહેલું કે આ ફક્‍ત સુત્રબદ્ધ છે માટે હવે તેના (વ્‍યાસ) કાર્યક્ષેત્રનો વિસ્‍તાર કરો.

બસ ત્‍યારથી શ્રીમદ્‌ ભાગવતના કથાકારને વ્‍યાસ કહેવામા આવે છે અને જે ગાદી પરથી આવા જ્ઞાનને વિસ્‍તૃત રીતે સમજાવવામાં આવે છે તેને વ્‍યાસ પીઠ કહેવામાં આવે છે.

આમ મહર્ષિ વેદ વ્‍યાસે ૩૩૫ અધ્‍યાય અને ૧૨ ગ્રંથોમાં ફેલાયેલા ૯૦૦૦ શ્‍લોકોમાંથી ચાર શ્‍લોકોનું વર્ણન કરીને તે શુખદેવને શીખવ્‍યું જેમણે પછી તે રાજા પરીક્ષિતને સંભળાવ્‍યું. નમિષારણ્‍યમાં શૌનક અને અન્‍ય ઋષિઓને સુતજી એ જ વાત કરી હતી.

શ્રીમદ્‌ ભાગવત કથાનું વર્ણન ઘણા કારણોસર ગોઠવવામાં આવ્‍યું છે; પોતાની અંદર આધ્‍યાત્‍મિક વિકાસ પ્રેરિત કરવામાં મદદ કરે છે અને સૌથી અગત્‍યનું, ન્‍યાયી અને સદાચારી માનવ બને છે.

પ્રાચીન સમયકાળ દરમ્‍યાન જ્‍યારે પરિવારમાં કોઈનું મૃત્‍યુ થતું હતું ત્‍યારે ત્‍યાં શ્રીમદ ભાગવતનું આયોજન કરવામાં આવતું હતું જેથી કરીને ઉદાસી અને તીવ્ર હતાશાના અંધકારમાં ગરકાવ થયેલા પરિવારને તેમાંથી બહાર કાઢી શોકગ્રસતોને સાંત્‍વના, આરામ, સમતા અને દાર્શનિક દ્રષ્ટિ આપી શકાય. ભાગવત કથાએ તેમને તેમના દુઃખમાંથી બહાર કાઢીને તેમને શોકમુક્‍ત કર્યા અને આથીજ ભાગવત કથાને શોક મોહ ભયપહા તરીકે વર્ણવવામાં આવી છે કે જે આસક્‍તિનો નાશ કરે છે અને પરિણામે દુઃખ અને ભયને દૂર કરે છે.

આમ શ્રીમદ્‌ ભાગવત કથા સાંભળીને આપણા હૃદય અને મનમાં ઈશ્વર પ્રત્‍યેયની ભક્‍તિ ફેલાય છે કે જે આપણા મનમાંથી આસક્‍તિ,પીડા, દુઃખ અને ભયનો નાશ કરીને આપણામાં પ્રેમ પ્રગટ કરે છે અને આ પ્રેમ જ્‍યારે અનંત બને છે ત્‍યારે મનુષ્‍ય સંતત્‍વ પ્રાપ્ત કરે છે અને એક એવી અવસ્‍થા આવી જાય છે કે જ્‍યારે શરીર એક મંદિર બનીને હૃદયને તેનો પૂજારી બનાવી દે છે. આમ ઈશ્વર સાથે એક થયા પછી આત્‍માને કોઈપણ પ્રકારની પીડા કે બંધન રહેતું નથી અને તે બધાજ બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્‍ત થઈ જાય છે.

શ્રીમદ ભાગવત કથા ફક્‍ત મૃત આત્‍માઓનેજ નહીં પરંતુ જીવિત લોકોને પણ દુઃખ, આસક્‍તિ અને ભયમાંથી મુક્‍ત કરે છે અને એજ એનો એકમાત્ર ઉપદેશ છે.

 

કમલ જારોલી

 એડવોકેટ અને નોટરી, રાજકોટ (૮૧૬૦૩ ૧૧૦૧૬)

(2:38 PM IST)