<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

રાજકોટ શિક્ષિકા પર દુષ્કર્મ કેસમાં વળાંક :આરોપી યુવકે વીડિયો બનાવી હકીકત જાહેર કરી ફિનાઈલ ગટગટાવ્યું

યુવકે પુરાવા તરીકે ગૂગલ પે મારફતે શિક્ષિકાને મોકલેલા નાણાંના ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને બંને સાથે ફરવા ગયા હોય તેવી અંગત પળોની સેલ્ફી અને ફોટા પણ જાહેર કર્યા

રાજકોટ: શહેરમાં એક શિક્ષિકા દ્વારા યુવક પર નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદમાં નવો અને અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ કેસમાં આરોપી તરીકે દર્શાવવામાં આવેલા યુવકે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેણે પોતાની નિર્દોષતાના દાવા સાથે શિક્ષિકા પર ગંભીર આક્ષેપો કર્યા છે. વીડિયો બનાવ્યા બાદ યુવકે ફિનાઈલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.

 

વાયરલ થયેલા વીડિયોમાં યુવકે આક્ષેપ કર્યો છે કે, શિક્ષિકાએ તેની પાસેથી મોટી રકમ પડાવી મોજમજા કરી હતી. જ્યારે યુવકે વધુ પૈસા આપવાની ના પાડી, ત્યારે તેને બદનામ કરવા અને ફસાવવા માટે બળાત્કારનો ખોટો કેસ આવ્યો છે. યુવકે પુરાવા તરીકે ગૂગલ પે મારફતે શિક્ષિકાને મોકલેલા નાણાંના ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને બંને સાથે ફરવા ગયા હોય તેવી અંગત પળોની સેલ્ફી અને ફોટા પણ જાહેર કર્યા છે.

 

વીડિયોમાં યુવક અત્યંત ભાવુક અને આક્રોશમાં જોવા મળ્યો હતો. તેણે પ્રશ્ન કર્યો કે, "જે છોકરી મારી સાથે બિન્દાસ ફરતી હોય, તેની પર બળાત્કાર કરવાની મારે શું જરૂર હોય?" તેણે વધુમાં જણાવ્યું કે શિક્ષિકાએ તેને માનસિક રીતે તોડી નાખ્યો છે અને સમાજમાં તેની બદનામી કરી છે. વીડિયોના અંતે તેણે વિનંતી કરી કે, "મારા મર્યા બાદ મને અને મારા પરિવારને ન્યાય અપાવજો."

હાલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. બીજી તરફ, રાજકોટ પોલીસે યુવકે રજૂ કરેલા પુરાવા અને વીડિયોની સત્યતા તપાસવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર કાયદાના દુરુપયોગ અને સાચા-ખોટાના જંગ વચ્ચે અનેક સવાલો ઉભા કર્યા છે.

 

 

માત્ર શારીરિક શોષણ જ નહીં, પરંતુ આરોપીએ શિક્ષિકાને આર્થિક રીતે પણ પાયમાલ કરી દીધી છે. વિશ્વાસમાં લઈને ધ્રુવલે શિક્ષિકા પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 6 લાખ  થી વધુની મતા પડાવી લીધી હતી. ભોગ બનનારે પોતાના ભવિષ્યના વિચાર અને વિશ્વાસને કારણે આ રકમ આપી દીધી હતી.

 

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે શિક્ષિકાને જાણવા મળ્યું કે ધ્રુવલ દેસાઈની અન્ય કોઈ યુવતી સાથે સગાઈ થઈ ગઈ છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા શિક્ષિકાએ હિંમત ભેગી કરી પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલમાં ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપી ધ્રુવલ દેસાઈની શોધખોળ તેજ કરી છે.

 

(11:42 PM IST)