તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 28th March 2026
કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાંથી ૧૨ વર્ષીય બાળા ગાયબઃ અપહરણનો ગુનો નોંધાયો
૧૪મી રાતપાળી કરીને આવેલા પિતા બીજા બપોરે સુતા હતાં ત્યારે દિકરી બહાર નીકળી પછી ઘરે પાછી જ ન આવીઃ આજીડેમ પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટતા. ૨૮: શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની ૧૨ વર્ષની સગીર પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ પરપ્રાંતીય પરિવારના હાલ રાજકોટ રહેતાં એક શ્રમિક પિતાએ પોલીસમાં નોંધાવેલી વિગતો મુજબ, ગત તારીખ ૧૪/૩ના રોજ તેઓ રાત્રિની નોકરી કરી ઘરે પરત ફર્યા બાદ સુતા હતા. તેમની પત્નિ અને અન્ય બાળકો કારખાને મજૂરી અર્થે ગયા હતા. બપોરના સમયે તેમની ૧૨ વર્ષ અને ૬ મહિનાની સૌથી નાની પુત્રી ઘરે હાજર હતી. બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ જ્યારે પિતા જાગ્યા ત્યારે પુત્રી ઘરે મળી આવી નહોતી.
ઘરમાં પુત્રી જોવા ન મળતાં પિતાએ આજુબાજુ તપાસ કરી હતી. આ દરમિયાન તેમની મોટી દીકરીની પાંચ વર્ષની બાળકીએ જણાવ્યું હતું કે તેની ફઇ (ભોગ બનનાર કિશોરી) બપોરે એક વાગ્યાની આસપાસ ઘરની બહાર ગયા છે. પરિવારે પ્રાથમિક તબક્કે એમ માન્યું હતું કે પુત્રી તેની માતા પાસે કારખાને ગઈ હશે. પરંતુ સાંજે પત્નિ અને અન્ય બાળકો પરત ફર્યા ત્યારે જાણ થઈ હતી કે કિશોરી ત્યાં ગઈ નહોતી.
પરિવારે સગા-સંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં તેમજ વતનમાં પણ તપાસ કરી હતી, પરંતુ કિશોરીનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આખરે કોઈ અજાણ્યો શખ્સ કિશોરીને વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની શંકા સાથે પિતાએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કિશોરી ગુમ થઇ ત્યારે બ્લુ અને ભૂરા રંગનો ડ્રેસ તથા સફેદ લેગીસ પહેરેલી હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કિશોરી અને અપહરણકર્તાને શોધી કાઢવા ં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ. આર. રાઠોડે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(2:12 PM IST)










