<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

માર્ચ એન્‍ડીંગ ઇફેકટ : શહેર-જીલ્લાની તમામ ૧૮ સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં દસ્‍તાવેજ માટે ધસારો : ૩૧મીએ પણ ચાલુ

મહાવીર જયંતીએ તમામ કચેરી સવારે ૯ થી ૫ ધમધમશે : અરજદારો માટે વ્‍યવસ્‍થા ગોઠવાઇ

રાજકોટ, તા.૨૮: માર્ચ એન્‍ડિંગના પગલે રાજકોટ શહેરની તમામ સબ-રજિસ્‍ટ્રાર કચેરીઓમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નાણાકીય વર્ષ પૂરું થવામાં હવે ગણતરીના દિવસો બાકી હોવાથી, દસ્‍તાવેજોની કામગીરી પહોંચી વળવા માટે તમામ કચેરીઓ રજાના દિવસોમાં પણ ધમધમતી રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આજે શનિવારની રજા હોવા છતાં પણ કચેરીઓમાં સવારે ૯:૦૦ વાગ્‍યાથી સાંજે ૫:૦૦ વાગ્‍યા સુધી કામગીરી રાબેતા મુજબ ચાલુ જોવા મળી હતી.

મળતી વિગતો અનુસાર, રાજકોટ શહેરમાં આવેલી ૧૮ જેટલી સબ-રજિસ્‍ટ્રાર કચેરીઓ આગામી ૩૧મી તારીખ સુધી રવિવાર સિવાયના અન્‍ય જાહેર રજાના દિવસોમાં પણ ચાલુ રહેશે. દસ્‍તાવેજ નોંધણી માટે આવતા અરજદારોને મુશ્‍કેલી ન પડે અને માર્ચ એન્‍ડિંગની કામગીરીનો નિકાલ સમયસર થઈ શકે તે હેતુથી આ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

ખાસ નોંધનીય છે કે, આગામી ૩૧મી માર્ચના રોજ મહાવીર જયંતિની જાહેર રજા આવે છે, પરંતુ આ દિવસ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ (માર્ચ એન્‍ડિંગ) હોવાના કારણે તે દિવસે પણ તમામ સબ-રજિસ્‍ટ્રાર કચેરીઓ સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્‍યા સુધી ફરજિયાતપણે ખુલ્લી રહેશે અને કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે.

(3:02 PM IST)