તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 28th March 2026
પૂ.દુર્ગા માતાજીએ જમીનમાં ૧૦ ફૂટ ઊંડા ખાડામાં ૧૦ દિવસ અનુષ્ઠાન કર્યુ
રાજકોટના ઢાંઢિયા ગામે ભક્તિનો અજાયબ કિસ્સો : ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ઘવાની વાડીમાં અનુષ્ઠાનઃ ઉપર માટી નાખી જવેરા વાવી દેવાયાઃ ૧૦ દિવસ બાદ માતાજી બહાર આવ્યા ભક્તોમાં અહોભાવ

રાજકોટઃ શ્રદ્ધા અને આસ્થાનો ત્રિવેણી સંગમ રાજકોટની ભાગોળે આવેલા ઢાંઢિયા ગામે જોવા મળ્યો છે. અમરેલી જિલ્લાના મોટા આંકડીયા ગામના વતની અને અનેક ભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન પૂજ્ય શ્રી દુર્ગા માતાજીએ તાજેતરમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન એક અકલ્પનીય કહી શકાય તેવું કઠોર અનુષ્ઠાન પૂર્ણ કર્યું છે. રાજકોટના પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ઘવા (મો.૭૨૮૫૮ ૫૭૨૫૦) ની વાડીએ આ ૧૦ દિવસીય ભૂગર્ભ અનુષ્ઠાન કર્યુ હતું.
આ અનુષ્ઠાનની વિગતો જાણવા જેવી છે. ત્રંબા ગામથી આગળ અણિયારાના પાટીયા પાસે આવેલી વિનુભાઈ ઘવાની વાડીમાં માતાજીની ઈચ્છા મુજબ ૧૦ ફૂટ ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો. ચૈત્રી નવરાત્રિના પ્રારંભે માતાજી આ ખાડામાં અનુષ્ઠાન અર્થે બિરાજમાન થયા હતા. ત્યારબાદ ખાડા ઉપર તાલપત્રી ઢાંકી, તેના પર માટી નાખીને જવેરા વાવી દેવામાં આવ્યા હતા. બહારથી જોનારને ખ્યાલ પણ ન આવે કે નીચે કોઈ સાધના કરી રહ્યું છે. ઓક્સિજન કે ખોરાક-પાણીની પરંપરાગત સુવિધા વિનાના આ ૧૦ દિવસના ભૂગર્ભ વાસ બાદ જ્યારે માતાજી બહાર આવ્યા ત્યારે ઉપસ્થિત સૌ કોઈ દંગ રહી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, પૂ.દુર્ગા માતાજી આ પૂર્વે નર્મદા નદીના જળમાં પણ આ જ પ્રકારે પાણીની અંદર રહીને કઠોર અનુષ્ઠાન કરી ચૂક્યા છે. તેમની આ આધ્યાત્મિક શક્તિના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ૧૦ દિવસના સફળ અનુષ્ઠાન બાદ જ્યારે માતાજી બહાર આવ્યા ત્યારે પૂર્વ ધારાસભ્ય ગોવિદભાઇ પટેલ, વિનુભાઈ ઘવા સહિતના પરિવારજનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહી માતાજીના આશીર્વાદ લીધા હતા. વાડીમાં જાણે કે ભક્તિનો મેળો જામ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
(3:40 PM IST)










