<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

રાજકોટની ઐતિહાસિક રાષ્ટ્રીય શાળામાં માનવતા શર્મસાર: બે સગીરો પર દુષ્કર્મ ગુજારનાર નરાધમો સામે કડક કાર્યવાહીની માંગ

રાષ્ટ્રીય શાળાના વોટર પ્લાન્ટમાં છૂટક મજૂરી કરતા 15 અને 17 વર્ષના બે સગીરો સાથે બે નરાધમોએ અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવી છે: વીડિયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો

રાજકોટ: રાજકોટની સ્થાપિત અને ગાંધીવાદી મૂલ્યોનું જતન કરતી સંસ્થા 'રાષ્ટ્રીય શાળા' ના પરિસરમાંથી એક અત્યંત આઘાતજનક અને શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. સંસ્થાના વોટર પ્લાન્ટમાં કામ કરતા બે માસૂમ સગીરો સાથે બે શખ્સો દ્વારા લાંબા સમય સુધી આચરવામાં આવેલા શારીરિક શોષણના મામલે સમગ્ર શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાષ્ટ્રીય શાળાના પાણીના પ્લાન્ટમાં છૂટક મજૂરી કરતા ૧૫ અને ૧૭ વર્ષના બે સગીર કિશોરોને બે શખ્સોએ પોતાની હવસનો શિકાર બનાવ્યા હતા. આરોપીઓ આ કિશોરોને ખાવા-પીવાની લાલચ આપી તેમજ ડરાવી-ધમકાવીને તેમની સાથે અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હતા. આ નરાધમો સગીરોને અન્ય કોઈ જગ્યાએ કામ પર પણ જવા દેતા નહોતા અને સતત માનસિક અને શારીરિક દબાણ હેઠળ રાખી તેમનું શોષણ કરતા હતા.

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આ કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વીડિયો જોયા બાદ ભોગ બનનાર કિશોરોના પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

રાજકોટની આટલી પ્રતિષ્ઠિત સંસ્થાના પરિસરમાં, જ્યાં અનેક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલતી હોય, ત્યાં આવા જઘન્ય અપરાધને અંજામ આપવામાં આવ્યો તે મેનેજમેન્ટની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે. સ્થાનિક સામાજિક સંસ્થાઓ અને નાગરિકોમાં આ બાબતે ભારે આક્રોશ છે.

પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભોગ બનનાર સગીરોનું મેડિકલ પરીક્ષણ કરાવીને આરોપીઓની ધરપકડ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(1:12 PM IST)