તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Monday, 30th March 2026
૮૯ ગુનામાં સામેલ ‘ઇભલા ગેંગ'ને ગુજસીટોકનો ગાળીયો
શહેર પોલીસની મેગા સ્ટ્રાઈકઃ ગુંડાગીરી પર વધુ એક આકરો પ્રહાર કરતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા : છઠ્ઠી ગેંગની ખો ભુલાવી દીધી : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ કહ્યું-શહેરમાં નિર્દોષ લોકોને રંજાડતાં ગુંડા તત્વોનો સફાયો કરવા આ ઝૂંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે : ઇભલા ગેંગ સામે નોંધાયેલા કુલ ગુનાઓમાંથી મુખ્ય ગુનાઓ જોઇએ તો-ખુનની કોશિશના ૪, લુંટ અને બળજબરીના ૫, રાયોટિંગના ૧૧, છેડતીનો ૧, મારામારીના ૨૯, એટ્રોસીટીનો ૧ અને સરકારી ફરજમાં રૂકાવટના ગુનાનો સમાવેશ

રાજકોટ તા. ૩૦: શહેરમાંથી ગુંડાગીરીની નાબુદ કરવા અને નિર્દોષ લોકોને આવા તત્વોના ત્રાસમાંથી મુક્ત કરવા શહેર ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવા અને તેની ટીમે બીડુ ઝડપ્યું છે અને તે અંતર્ગત સંગઠીત ગુનાખોરી આચરતી ટોળકીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઇ રહી છે. આવી છઠ્ઠી ગેંગ ઉપર ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ પ્રહાર કર્યો છે. શહેર પોલીસની મેટા સ્ટ્રાઇક અંતર્ગત હવે જુના મોરબી રોડની કુખ્યાત ઇભલા ગેંગને ગુજસીટોકનો ગાળીયો પહેરાવી દેવાયો છે. આ ગેંગ સામે અલગ અલગ ૮૯ ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ખૂનની કોશિષ, રાયોટીંગ, લુંટ, બળજબરી, એટ્રોસટી, ફરજમાં રૂકાવટ, મારામરી સહિતના ગુનાઓ સામેલ છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ કહ્યું હતું કે શહેરમાં નિર્દોષ લોકોને રંજાડતાં ગુંડા તત્વોનો સફાયો કરવા આ ઝૂંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે.
શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષોથી આતંક મચાવતી અને સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત ‘ઇભલા ગેંગ' વિરૂધ્ધ રાજકોટ શહેર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીકની સૂચનાથી, આ ગેંગના કુલ ૦૭ સાગરીતો વિરૂધ્ધ ‘ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-૨૦૧૫' (ગુજસીટોક) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગેંગના સભ્યો ૨૦૧૬ થી ૨૦૨૫ દરમિયાન ખૂનની કોશિશ, લૂંટ, અપહરણ, રાયોટિંગ અને દારૂ-જુગાર જેવા કુલ ૮૯ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચની ટીમે આ ગેંગના સાગરીતોની કુંડળી મેળવી હતી. ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમભાઈ કાથરોટીયાએ પોતાની ધાક જમાવવા અને આજીવિકા મેળવવા માટે આ ‘ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ' બનાવી હતી. આ ટોળકી દ્વારા કરવામાં આવતી ગુનાહિત પ્રવળત્તિઓથી સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ હતું, જેમને ડામવા માટે પોલીસે આ આકરૂં પગલું ભર્યું છે.
આ ઓપરેશન દરમિયાન ક્રાઈમ બ્રાંચે ગેંગના ચાર મુખ્ય સાગરીતોની ધરપકડ કરી છે. જેમાં સલીમ ઉર્ફે સલીયો કરીમભાઇ કાથરોટીયા, મહેબુબ ઉર્ફે મેબલો કરીમભાઇ કાથરોટીયા, અશરફ કરીમભાઈ કાથરોટીયા અને લખન વિક્રમભાઇ કમેજડીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કાથરોટીયા હાલમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં છે અને તેનો ભાઈ જાવેદ ઉર્ફે જાવલો કાથરોટીયા મોરબી જિલ્લા જેલમાં છે. પોલીસ ટૂંક સમયમાં આ બંને આરોપીઓનો કબજો મેળવીને તેમની વિધિવત ધરપકડ કરશે.
ઇભલા ગેંગનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ભયાનક છે. તેમના વિરૂધ્ધ નોંધાયેલા ૮૯ ગુનાઓમાં ખૂનની કોશિશના ૪, લૂંટ અને બળજબરીના ૫, રાયોટિંગના ૧૧, છેડતીનો ૧, મારામારીના ૨૯, એટ્રોસીટીનો ૧ અને સરકારી ફરજમાં રૂકાવટના ૪ ગુનાઓ મુખ્ય છે. આ સિવાય દારૂ, જુગાર અને આર્મ્સ એક્ટ હેઠળ પણ ૩૪ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા હવે આ તમામ આરોપીઓએ ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકતો ટાંચમાં લેવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે.
ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમભાઇ કાથરોટીયા જુના મોરબી રોડ પર શાળા નં. ૭૭ સામે ખાટકીવાસમાં રહે છે અને વર્ષોથી આ વિસ્તારમાં ટોળકી રચી અલગ અલગ પ્રકારની ગુનાખોરીને અંજામ આપે છે. આ ગેંગ ૨૦૧૬થી લઇ અત્યાર સુધી સતત ગુના આચરતી રહી છે અને પોતાની ધાક ઉભી કરવા પ્રાણઘાતક હથીયારો સાથે ગુનાખોરીને અંજામ આપતી રહી છે. અંતે આ ગેંગને હવે ગુજસીટોકના ગાળીયા તળે શહેર ક્રાઇમ બ્રાંચે લઇ લીધી છે અને આકરી કાર્યવાહી કરી છે.
ગુજસીટોકની આ મહત્વની કામગીરી શહેરના ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત.બી.બસીયા તથા ડીસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ . એલ. ડામોર, સી. એચ. જાદવ, તથા પીએસઆઇ સી. બી. જાડેજા, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એ. એન. પરમાર, પીએસઆઇ આર. કે. ગોહિલ, પીએસાઇ ડી. પી. ઝાલા, પીએસઆઇ એસ. વી. ચુડાસમા તથા એએસઆઇ જનકભાઇ કુગશીયા, હેડકોન્સ. પ્રતીકસિંહ રાઠોડ તથા ટીમ દ્વારા કરવામાં આવી હતી. (૧૪.૫)
ડીસીપી જગદીશ બાંગરવાની ટીમે ૬
ટોળકીને ગુજસીટોક હેઠળ કરી જેલભેગી
રાજકોટઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને તેમની ટીમે અત્યાર સુધીમાં કુલ છ ગેંગને ગુજસીટોક હેઠળ જેલભેગી કરી છે. જેમાં ચડ્ડી બનીયાનધારી ટોળકી ૧૦ આરોપી, પેંડા ગેંગના ૧૭ આરોપીઓ, મુરઘા ગેંગના ૨૧ આરોપીઓ, ઓડીયા ગેંગના ૧૧ આરોપીઓ, બાટલી ગેંગના ૧૯ આરોપીઓ અને હવે ઇભલા ગેંગના ૭ આરોપીઓ ગુજસીટોકની કાર્યવાહીમાં સામેલ છે. (૧૪.૬)
ગુનેગાર ગમે એટલો શક્તિશાળી હોય કાયદો તેનાથી ઉપર રહેશેઃ ડીસીપી જગદીશ બાંગરવા
રાજકોટઃ ગુજસીટોકની આ કાર્યવાહીની માહિતી આપતાં ક્રાઈમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે શહેરમાં નિર્દોષ લોકો સાથે ગુના આચરતા તત્વો લોકો સાથે ખુબ અમાનવીય અને કઠોર વ્યવહાર કરતાં હોય છે. આવી ગુનાખોરીને ડામવા પોલીસ કટીબધ્ધ છે. આવા આરોપીઓ સામે આકરા પગલા લઈ કડક કાર્યવાહી શહેર પોલીસ યથાવત રાખશે. શહેરમાં ગુંડાગીરીનો સફાયો કરવા આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને હજુ રાજકોટમાં વધુ ગેંગ સામે ગુજસીટોકની તપાસ ચાલુ હોવાથી વધુ ગેંગ સામે ગુજસીટોક સહિતની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કોઈ પણ ગુનેગારો ગમે તેટલા શક્તિશાળી હોય કાયદો તેમનાથી ઉપર રહેશે. તેમ વધુમાં શ્રી બાંગરવાએ કહ્યું હતું.

સુરેશના મેડિકલ રિપોર્ટથી સ્પષ્ટ થયું કે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સામેના આક્ષેપો તદ્દન પાયા વિહોણા
તબિબી રિપોર્ટમાં આક્ષેપો ખોટા ઠર્યાઃ મેડિકલ રિપોર્ટમાં ગુદ્દાના ભાગે પેટ્રોલની હાજરી કે ઇજા ન મળ્યાઃ બ્લડ કે બર્ન પણ નહિ હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું
રાજકોટ તા. ૩૦: રાજકોટનો યુવાન સુરેશ વડેચા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયોહ તો અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ પોતાના પર સિતમ ગુજાર્યાના આક્ષેપો કર્યા હતાં. પરંતુ તબિબી રિપોર્ટ આવી જતાં દુધનું દુધ અને પાણીનું પાણી થઇ ગયું છે. મેડિકલ રિપોર્ટ અનુસાર આ યુવાનના ગુદ્દાના ભાગે પેટ્રોલની કોઇ હાજરી મળી નથી કે પછી ગંભીર ઇજા કે લોહીના કે દાઝ્યાના કોઇ નિશાન હોવાનું સામે આવ્યું નથી. આ જોતાં સ્પષ્ટ થઇ ગયું છે કે ડીસીપી જગદશી બાંગરવા સામે કરવામાં આવેલા આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે. આ મામલે અગાઉ આગેવાનો સહિતે અધિકારી વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી નોકરીમાંથી ડીસમિસ કરવા માગ કરી હતી. હોસ્પિટલમાં દાખલ યુવાન જે તે સમયે યુવાને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમને ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે ડીસીપી દ્વારા ગુદાના ભાગે પેટ્રોલ છાંટી પટ્ટા વડે માર મારી પગ ભાંગી નાખવામાં આવ્યો છે. જો કે, આ આક્ષેપો પછી તબીબી રિપોર્ટમાં દર્દીના ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી ન મળી હોવાનું, તેમજ ગંભીર ઇજા, બ્લડ કે બર્ન ન થયા હોવાનું સામે છે. જેથી ક્રાઇમ જગદીશ બાંગરવા સામે થયેલા આક્ષેપ ખોટા હોવાનું સાબિત થયું છે.ઉલ્લેખનીય છે કે શહેરને ગુનાખોરીમાંથી ઉગારવા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા દ્વારા સતત નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. આથી જ સતત ત્રણ દિવસથી શહેરના પ્રજાજનો, પોલીસ તેમજ મિડીયા જગત અને આમ નાગરીકો, સોશિયલ મિડીયા એક્ટીવીસ્ટો દ્વારા ડીસીપી જગદીશ બાંગરવાને સતત સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. અમે જગદીશ બાંગરવાના સપોર્ટમાં છીએ, રાજકોટને આવા અધિકારીની જરૂર છે તે સહિતના લખાણો સાથેની પોસ્ટ વાયરલ થઇ છે અને લોકોએ, પોલીસે પોતાના વ્હોટ્સએપ સ્ટેટસમાં પણ આવી પોસ્ટ મુકી છે. તો સોશિયલ મિડીયામાં પણ લોકજુવાળમાં જગદીશ બાંગરવા પ્રત્યેનો પ્રેમ છલકાઇ રહ્યો છે.
(10:58 AM IST)










