તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 30th March 2026
'પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ': ઇશ્વરીય શ્રધ્ધા રાખોઃ પૂ. જીજ્ઞેશદાદા
રાજકોટના રેસકોર્ષ ખાતે ભાગવત કથામાં સમગ્ર સમાજ માટે માર્ગદર્શક-પ્રેરક સંદેશ જે માનવી આગ્રહ, વિગ્રહ અને દુરાગ્રહ છોડે તે સુખી થાય છે * ભૂલ થઇ જાય એ ગુનો નથી, પરંતુ ભૂલ ન સ્વીકારવી એ ગુનો છે

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે સુપ્રસિધ્ધ ભાગવતચાર્ય પૂ. જીજ્ઞેશદાદાના વ્યાસાસને ચાલતી પવિત્ર ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ ઉપરથી પોતાના મૌલિક દૃષ્ટિકોણથી હજજારો શ્રોતાઓ સાથે સંવાદ કરીને પૂ. જીજ્ઞેશદાદાએ સાંપ્રત માનવ સમાજને માર્ગદર્શક અને પ્રેરક બને તેવો ભાગવત સંદેશ પ્રસ્તુત કરી રહ્યા છે.
પૂ. જીજ્ઞેશદાદાએ 'પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ' સ્લોગન સાથે ઇશ્વરીય શ્રધ્ધા અને ભગવાન ઉપર ભરોસો રાખવાની વાત કરી હતી. જે વસ્તુ આપણી પાસે છે તેનો સંતોષ માનીને તે આપવા બદલ ઇશ્વરનો આભાર માનવો જોઇએ. પૂ. જીજ્ઞેશદાદાએ નારદજીના દુઃખને કેન્દ્રમાં રાખીને કહ્યું હતું કે, ભગવાનનો ભકત કદી ઉદાસ ન થાય. જયારે સંસારી માણસનું ધન ચોરાઇ જાય એવી સ્થિતિ નારદજીની હતી. નારદજીનું મન સુખ અને દુઃખનું કારણ છે, માણસના દુઃખનું કારણ 'જે મળ્યું છે' તેનો સંતોષ નથી, હકિકતે જે મળ્યું છે તેનો સંતોષ માનવો જોઇએ. સંપતિ મેળવવામાં કોઇ અંત નથી આવવાનો, પરંતુ ઘણી વખત મેળવેલું પણ વાપરી શકાતું નથી.
કથા પ્રવાહ દરમ્યાન પૂ. જીજ્ઞેશદાદાએ ભાગવત સંબંધિત પ્રેરક સદ્વિચારોથી શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતાં, તેમણે કહ્યું કે, ભાગવત અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ, પ્રદાન કરે છે, રાજકોટને ભગવાન કૃષ્ણનો રંગ લાગ્યો છે, પ્રભુની કથા મળે તો આપણું જીવન સાર્થક થઇ જાય, પ્રવર્તમાન સમય કાળમાં વડીલો કરતાં યુવાનોને કથાની વધુ જરૂર છે, ભકિતને જ્ઞાન અને વૈરાગ્ય સાથે મળે ત્યારે ભકિત પુષ્ટ થઇ જાય છે, દુઃખી થાય ત્યારે ભગવાનના નામનું સ્મરણ કરો, પ્રભુના નામનો મહિમા ગાશો તો દુઃખ નિવૃત્ત થઇ જશે, કથાનો આનંદ... કૃષ્ણ આનંદનો પર્યાય છે. એટલે જ નંદઘેર આનંદ ભયો બોલાય છે, આજે માનવીના મનની કમનસીબી છે કે, બીજાના દુઃખને જોઇને દુઃખી થાય છે. પણ બીજાના સુખને જોઇને સુખી થતાં નથી, આપણી બુધ્ધિ આપણને છેતરી જાય છે.
પૂ. જીજ્ઞેશદાદાની કથા દરમ્યાન વ્યકત થયેલ પ્રેરક વિધાનો... પૈસો, પદાર્થ અને પુણ્ય આ ત્રણે સેવક તરીકે સારા પણ માલિક તરીકે ભયંકર છે, સંસારના સર્વ પદાર્થો નાશવંત છે, તેનાથી કયારેય શાંતિ પ્રાપ્ત થતી નથી, ભૂલ થઇ જાય એ ગુનો નથી પણ ભૂલ ન સ્વીકારવી એ ગુનો છે, ભકિત એ પરમાત્મા પાસે પહોંચવાનો રાજમાર્ગ છે, જેમાં માન અને મમત્સવનું મિશ્રણ ન હોય તે સુખી થાય છે, તે જ સાચી સેવા છે.
શાંતિ હંમેશા સમાધાનથી મળે છે, અપેક્ષાઓ અસંતોષની જનની છે. ભકિત એ પરમાત્મા પાસે પહોંચવાનો રાજમાર્ગ છે, સાધુ બનવા માટે કપડા બદલવાની જરૂર નથી,માણસ પાસે સંપતિ હોય પણ સંતાન
ન હોય તો સંતોને ભોજન કરાવો, ભૂલ થઇ જાય એ ગુનો નથી...પણ, ભૂલ ન સ્વીકારી એ ગુનો છે, આપણામાં રહેલો આત્મા ઇશ્વરનો અંદર છે, માટે જીવનના દરેક વ્યવહારમાં આત્માનો ઉપયોગ કરો,, સત્સંગ 'સ્વ' ને ઓળખવાની પ્રક્રિયા છે, સત્સંગથી વૃતિ અને પ્રવૃતિ બદલાય જાય છે, જે માનવી આગ્રહ, વિગ્રહ અને દુરાગ્રહ છોડે તે સુખી થાય છે, જેમાં માન અને મમત્વનું મિશ્રણ ન હોય તે સાચી સેવા છે., સ્થિર મન, શ્રધ્ધા અને હૃદયના ભાવથી કરેલી પ્રાર્થના ઇચ્છીત પરિણામ લાવે છે., સંસારના સર્વ પદાર્થો નાશવંત છે, તેનાથી કયારેય સુખ-શાંતિ પ્રાપ્ત થતી નથી.
(11:00 AM IST)










