<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

કોઠારીયા સોલવન્‍ટમાં યુપીના જૈનુદીન પર બિહારના શખ્‍સોનો હીચકારો હુમલો

રસ્‍તા વચ્‍ચેથી બાઇક લઇ લેવાનું કહેતાં તૂટી પડયા

રાજકોટ તા. ૩૦: કોઠારીયા સોલવન્‍ટ ૨૫ વારીયામાં રસ્‍તા વચ્‍ચે બાઇક રાખીને બેઠેલા બિહારના શખ્‍સોને કાર લઇને નીકળેલા યુપીના યુવાને તેના વાહનો સાઇડમાં લઇ લેવાનું કહેતાં આ શખ્‍સોએ બોલાચાલી કરી લોખંડના પાઇપથી હુમલો કરી યુપીના યુવાનને બેફામ માર મારતાં પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. વચ્‍ચે પડેલા તેના મિત્ર સહિતને પણ મારકુટ થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા સોલવન્‍ટ ૨૫ વારીયામાં રહેતો મુળ યુપીનો જૈનુદીન દોસ્‍તખાન પઠાણ (ઉ.વ.૩૬) નામનો ભંગારનો ધંધાર્થી રાતે બહાર જમવા ગયો હોઇ ત્‍યાંથી કાર હંકારી ઘરે પરત ફરતો હતો ત્‍યારે ઘર નજીક ચામુંડા પાનવાળી શેરીમાં તેને બિહારના શખ્‍સોએ ઝઘડો કરી પાઇપથી બેફામ માર મારતાં સિવિલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

જૈનુદિને કહ્યું હતું કે હું કાર લઇને નીકળ્‍યો ત્‍યારે બિહારના શખ્‍સો રસ્‍તા વચ્‍ચે બાઇક રાખીને બેઠા હોઇ સાઇડમાં લેવાનું કહેતાં બોલાચાલી થઇ હતી. આ શખ્‍સોએ બીજા શખ્‍સોને બોલાવી ઝઘડો કરી મારા પર પાઇપથી હુમલો કર્યો હતો. નજીકમાં જ ઘર હોઇ દેકારો સાંભળી મારો મિત્ર સરવર અલીશા (ઉ.વ.૩૫), મારા પત્‍નિ સહિતના બચાવવા દોડી આવતાં તેને પણ આ શખ્‍સોએ મારકુટ કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(3:03 PM IST)