<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

૧.૯૮ લાખનો દારૂ ભરેલી કાર સાથે જયપાલસિંહ વાઘેલાની ધરપકડઃ વિપુલ મેતાનું નામ ખુલ્‍યું

સયાજી હોટેલથી વામ્‍બે આવાસના રોડ પર મોડી રાતે એલસીબી ઝોન-૨ની કામગીરી : ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, જે. વી. ગોહિલ અને ટીમની કાર્યવાહીઃ કુલ ૬.૯૮ લાખનો મુદ્દામાલ કબ્‍જે : ઝડપાયેલ અને નામ ખુલ્‍યું તે બંનેની હત્‍યાની કોશિષ, હત્‍યા, દારૂ સહિતના ગુનાઓમાં સંડોવણી

રાજકોટ તા. ૩૦: વિદેશી દારૂના વધુ એક દરોડામાં એલસીબી ઝોન-૨ ટીમે કાલાવડ રોડ સયાજી હોટેલથી વામ્‍બે આવાસ યોજના ક્‍વાર્ટર તરફના રોડ પરથી દારૂનો જથ્‍થો ભરેલી સ્‍વીફટ કાર સાથે પરિશ્રમ સોસાયટીના શખ્‍સને પકડી લીધો છે. પુછતાછમાં કાલાવડ રોડ ઇસ્‍કોન મંદિર પાછળ રહેતાં અને અગાઉ હત્‍યા સહિતના ગુનામાં સંડોવાઇ ચુકેલા શખ્‍સે આ દારૂ આપ્‍યાનું ખુલતાં શોધખોળ થઇ રહી છે. દારૂ, કાર મળી રૂા. ૬,૯૮,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે.

જાણવા મળ્‍યા મુજબ એલસીબી ઝોન-૨ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળી હતી કે સયાજી હોટેલ તરફથી સફેદ કલરની સ્‍વીફટ કાર દારૂ ભરીને નીકળી રહી છે. તેના આધારે વોચ રાખી કાર નં. જીજે૦૩એનએફ-૩૮૩૭ને આંતરી લેવાઇ હતી. તેમાંથી રૂા. ૧,૯૮,૦૦૦ની કિંમતના ૧૮૦ એમએલના ૭૨૦ દારૂના ચપલા મળ્‍યા હતાં. જેમાં રીટઝ વ્‍હીસ્‍કીના ૪૮૦ ચપલા અને લંડન પ્રાઇડના ૨૪૦ ચપલા હતા. તે તથા ૫ લાખની કાર કબ્‍જે કરવામાં આવી હતી.

કારમાં બેઠેલા શખ્‍સની પુછતાછ થતાં પોતાનું નામ જયપાલસિંહ લાલુભા વાઘેલા (ઉ.વ.૨૬-રહે. પરિશ્રમ સોસાયટી, સંસ્‍કૃતિ પાર્ટી પ્‍લોટની બાજુમાં ઇસ્‍કનો મંદિર પાછળ કાલાવડ રોડ રાજકોટ) જણાવ્‍યું હતું. તેની વધુ પુછતાછ થતાં પોતાને આ દારૂનો જથ્‍થો ઇસ્‍કોન મંદિર પાછળ તેના ઘર નજીક જ રહેતાં વિપુલ લાભુભાઇ મેતાએ ભરી આપ્‍યાનું કબુલતાં વિપુલની શોધખોળ થઇ રહી છે.

પોલીસ સુત્રોના કહેવા મુજબ જયપાલસિંહ વાઘેલા અગાઉ હત્‍યાની કોશિષ, બોગસ દસ્‍તાવેજો ઉભા કરવા, દારૂ, રાયોટીંગ સહિત યુનિવર્સિટી પોલીસના પાંચ ગુનામાં સડોવાઇ ચુક્‍યો છે. જ્‍યારે તેને દારૂ આપનાર વિપુલ મેતા અગાઉ બી-ડિવીઝન, યુનિવર્સિટી પોલીસમાં હત્‍યા, અપહરણ, મારામારી સહિતના ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીક, ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્‍સ. ધર્મરાજસિંહ ઝાલા, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, કોન્‍સ. કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી. 

(2:10 PM IST)