<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ગુજરાતની અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાના ઈ-મેઈલથી હડકંપ : રાજકોટ અને ભુજ કોર્ટમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત

અજાણ્યા શખ્સે વિસ્ફોટકો પ્લાન્ટ કર્યાની ધમકી આપતા વકીલો અને અસીલોમાં ફફડાટ : બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરી વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરાયું

રાજકોટ: રાજ્યમાં ન્યાયના ધામ ગણાતી અદાલતોને નિશાન બનાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે રાજકોટ અને કચ્છના ભુજની કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની નનામી ધમકી મળતા સમગ્ર પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. એક અનામી ઈ-મેઈલ દ્વારા મળેલી આ ધમકીને પગલે રાજ્યના સુરક્ષા તંત્રે તાત્કાલિક હરકતમાં આવીને બંને સ્થળોએ હાઈ-એલર્ટ જાહેર કરી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

રાજકોટ કોર્ટ સંકુલમાં ભયનો માહોલ:
રાજકોટ કોર્ટ પરિસરમાં વિસ્ફોટકો પ્લાન્ટ કરવામાં આવ્યા છે અને તેને ગમે ત્યારે ઉડાવી દેવામાં આવશે તેવો ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ અફરાતફરી મચી ગઈ હતી. આ સમાચાર વાયુવેગે ફેલાતા કોર્ટ સ્ટાફ, વકીલો અને અસીલોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને તમામ પ્રવેશ તથા નિકાસ દ્વાર સીલ કરી દેવામાં આવ્યા હતા.

ભુજ કોર્ટમાં પણ ઈ-મેઈલથી આતંક:
રાજકોટની સાથે જ ભુજ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કચ્છ પોલીસ એક્શન મોડમાં આવી હતી. ઈ-મેઈલ મારફતે મળેલી આ ધમકી બાદ વિવિધ સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર વિભાગની ટીમો કોર્ટ પરિસરે પહોંચી હતી. અદાલતી કાર્યવાહીને સ્થગિત કરી દઈને તાત્કાલિક ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં પણ સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

BDDS અને ડોગ સ્ક્વોડનું મેગા સર્ચ ઓપરેશન:
બંને શહેરોની અદાલતોમાં બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમોએ મોરચો સંભાળ્યો હતો. સુરક્ષા જવાનોએ કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા સેંકડો વાહનો, કેન્ટીન, રેકોર્ડ રૂમ અને ખૂણેખૂણાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત, શંકાસ્પદ જણાતા લોકોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. હાલ સાયબર ક્રાઈમની ટીમ આ ધમકીભર્યો ઈ-મેઈલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તે દિશામાં ટેકનિકલ તપાસ ચલાવી રહી છે.

(3:44 PM IST)