તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
વૃદ્ધાને PMJAY કાર્ડ અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું, ‘બા, કેમ છો? હવે તો બધી ચિંતા દૂર થઈ ગઈ ને?
રાજ્ય સરકારનું ‘લોકાભિમુખ શાસન': રાજકોટ જિલ્લા વહીવટી તંત્રે મહત્વપૂર્ણ પૂરાવાઓ ઘરેબેઠા તૈયાર કરી આપ્યા

રાજકોટ, તા. ૩૦: રાજકોટમાં મેઘાણી રંગભવન ખાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કાર્યક્રમ બાદ તુરંત જ પરિસરમાં એક વળદ્ધાને મળવા પહોંચી ગયા... ત્યાં જઈ પૂછયું કે, ‘બા, કેમ છો? હવે તો બધી ચિંતા દૂર થઈ ગઈ ને?.. આ સાંભળતાં જ વળદ્ધા લાગણીશીલ થઈ ગયા.
આણંદપર (નવાગામ)ના ૮૨ વર્ષીય શ્રી લીલાબેન પરમાર પાસે કોઈ કાયદાકીય આધાર પુરાવા નહોતા, તેમની સાથે મુખ્યમંત્રીશ્રીએ અગાઉ ફોનથી વાત કર્યા પછી, જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપી અને તમામ આધાર-પુરાવા તૈયાર કરાવવા સાથે સરકારી યોજનાના લાભો પણ અપાવ્યા. એટલું જ નહીં, આજે મુખ્યમંત્રીશ્રીએ રાજકોટમાં આ વડીલ બાને રૂબરૂ મળીને સરકારી સેવાઓ મળી કે નહીં તેની જાતે જ પૂછપરછ કરતાં તેઓ ગળગળા થઈ ગયા હતા.
મુખ્યમંત્રીશ્રીની આ સંવેદનશીલતા, વડીલોની દરકારનો સ્વભાવ અને લોકાભિમુખ અભિગમ સૌના હૃદયને સ્પર્શી ગયો હતો.
મેઘાણી રંગભવનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીશ્રીએ શ્રી લીલાબેન પરમાર અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી હતી.
કોઈપણ પ્રકારના સરકારી આધાર-પુરાવા ન હોવાને કારણે ચિંતિત આ માજીની રજૂઆત બાબતે મુખ્યમંત્રીશ્રીએ વ્યક્તિગત રસ લઈને ટેલિફોનિક વાતચીત કરી હતી. મુખ્યમંત્રીશ્રીની ખાતરી અને કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર શ્રી લીલાબેનના ઘર સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ જન્મ પ્રમાણપત્રથી લઈને આધાર કાર્ડ અને ગંગા સ્વરૂપા યોજના સહાય સુધીના તમામ દસ્તાવેજો તાત્કાલિક તૈયાર કરીને આપીને રાજ્ય સરકારે ખરા અર્થમાં ‘લોકાભિમુખ શાસન'નો પરિચય આપ્યો છે.
શ્રી લીલાબેનના પુત્રી શ્રી નિર્મળાબેન ગોરવાડીયાએ જણાવ્યું હતું કે, મારા માતાની વય ખૂબ વધારે હોવાથી અમારી પાસે અગાઉ જરૂરી દસ્તાવેજો ન હતા. તેથી, અમને અલગ-અલગ સરકારી યોજનાઓનો લાભ મેળવવાનો પ્રશ્ન થતો હતો. પરંતુ મામલતદાર કચેરી સહિત સમગ્ર વહીવટી તંત્રે સહયોગ આપીને ઘરઆંગણે જ મારા માતાના અગત્યના ડોકયુમેન્ટસ તૈયાર કરી આપ્યા છે. રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના આ પૂરાવાઓના આધારે હવે અમે વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકીશું.
લીલાબેનનું બેન્ક ખાતું પણ ખુલી ગયું છે અને ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ તેમની દર મહિને રૂ.૧૨૫૦ની વિધવા સહાયની અરજી પણ મંજૂર કરી દેવામાં આવી છે.
(3:17 PM IST)










