<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

પરિશ્રમ, સાદગી, સ્‍વાવલંબન અને કરકસર પાટીદાર સમાજની આગવી ઓળખઃ ભૂપેન્‍દ્રભાઇ પટેલ

મવડી વિસ્‍તારમાં લેઉવા પટેલ સમાજના નવનિર્મિત છાત્રાલયનું લોકાર્પણ : બોર્ડીગના પ્રમુખપદેથી શામજીભાઇ ખંૂટની નિવૃતિઃ જયેશ રાદડીયા નવા પ્રમુખ

રાજકોટ મુકામે લેઉવા પટેલ બોર્ડીગમાં નવર્મિત અદ્યતન બિલ્‍ડીંગનું લોકાર્પણ તથા સરદાર વલ્લભાઇ પટેલની પ્રતિમા અનાવરણ સમારોહ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતીમાં યોજાયેલ તેમાં કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માડવીયા, કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણી તથા મંત્રી શ્રી કોૈશીકભાઇ પટેલ, સંસદ સભ્‍યશ્રી પુરૂષોતમભાઇ રૂપાલા ખોડલધામ દ્રસ્‍ટના  ભોવાનભાઇ રંગાણી ચેરમેન સોમનાથ તથા હરેશભાઇ પરસાણા ચેરમેન  કલ્‍ચર ફાઉન્‍ડેશન, ઉદ્યોગપતિ રામજીભાઇ હરસોડા વગેરે ઉપસ્‍થિતીમાં યોજાયેલ નવનિયુકત પ્રમુખશ્રી જયેશભાઇ રાદડીયા પૂર્વ પ્રમુખ શામજીભાઇ ખુંટ ઉપપ્રમુખ અરવિંદભાઇ તાળા મંત્રી વિનુભાઇ ગઢીયા ટ્રસ્‍ટી જગદિશભાઇ ડોબરીયા પરેશ ગજેરા વિનુ ગઢિયા જગદીશ ડોબરીયા પીસી સાવલિયા વગેરેએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલનું સ્‍વાગત કરેલ તે પ્રસંગની તસ્‍વીર (તસ્‍વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ તા. ૩૦: માર્ચ -  વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત માટે શનિવારે ે રાજકોટ  આવેલ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના હસ્‍તે શ્રી લેઉવા પટેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત ર્બોડિંગના નવનિર્મિત બિલ્‍ડિંગનું લોકાર્પણ કરાયું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્‍થાના પરિસરમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું.  

આ પ્રસંગે સંબોધન કરતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, સંસ્‍થાના પરિસરમાં એકતા અને અખંડિતતાના શિલ્‍પી શ્રી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ થયું, એ શ્રી સરદાર પટેલના જીવનને અપાયેલી સાચી અંજલિ છે. આ પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રીએ દેશના વડાપ્રધાન અને વિકાસની રાજનીતિના પ્રણેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સરકારના વડા તરીકેના ૮,૯૩૧ દિવસો પૂર્ણ થવામાં રાજકોટનો મહત્‍વપૂર્ણ ફાળો રહ્યાનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, વિકાસની રાજનીતિથી દેશસેવાને સમર્પિત તથા વિકાસને ગતિ આપતા આ કાર્યક્રમમાં સમાજે સાબિત કરી આપ્‍યું છે કે ‘‘મારું નહીં, આપણુ'' ના સૂત્રને વરેલો સમાજ રાજ્‍યના વિકાસનો પાયો છે.

સરદાર પટેલના લોખંડી મનોબળ અને દ્રઢ સંકલ્‍પ શક્‍તિ એ સમાજની તાકાત અને આગવી ઓળખ છે, તેમ જણાવતા મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, લેઉવા પટેલ સમાજે પ્રગતિની સાથે પરંપરાનું સંતુલન યોગ્‍ય રીતે જાળવી રાખ્‍યું છે, જે બદલ સમગ્ર સમાજ અભિનંદનનો અધિકારી છે.

મુખ્‍યમંત્રીશ્રીએ પટેલ સમાજની વિશેષતાઓ પર પ્રકાશ પાડતાં જણાવ્‍યું હતું કે, પરિશ્રમ-પ્રામાણિકતા- સાહસ-ખંત અને ખમીર થકી સમાજ ઉજળો બન્‍યો છે. ‘‘વિરાસત થી વિકાસ''ના ધ્‍યેયને સાકાર કરવા માટે જરૂરી મહેનત, પરિશ્રમ, સાદગી, કરકસર અને સ્‍વાવલંબન જેવા આગવા ગુણો પટેલ સમાજની આગવી ઓળખ છે. સહકારી પ્રવળત્તિ ક્ષેત્રે સરદાર પટેલે આપેલા અમૂલ્‍ય યોગદાનને મુખ્‍યમંત્રીશ્રીએ આ પ્રસંગે યાદ કર્યું હતું અને નાના કામથી શરૂ કરીને મલ્‍ટી નેશનલ કંપનીની સ્‍થાપના સુધી જરૂરી સાહસ, બુદ્ધિ અને વિશ્વાસ ધરાવતા પટેલો વિશ્વના દરેક ખૂણાને ઉજાગર કરી રહ્યા છે, એમ મુખ્‍ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

રહેવા-જમવા સાથે ઉચ્‍ચ ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડતી આવી સંસ્‍થાઓના નિર્માણથી સમાજનો સર્વાંગી વિકાસ શકય બને છે તેમ મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. આ સાથે તેમણે યુવાનોના સર્વાંગી વિકાસ માટે સ્‍થપાયેલી સંસ્‍થાની સરાહના કરી હતી અને સંસ્‍થાના ઉમદા હેતુ માટે જમીન આપનાર તમામ દાતાઓને સાચા અર્થમાં ભામાશા ગણાવ્‍યા હતા.

લેઉવા પટેલ ર્બોડિંગના પ્રમુખ તરીકે આજે જ વરણી પામેલા ધારાસભ્‍યશ્રી જયેશભાઈ રાદડિયાને મુખ્‍યમંત્રીશ્રીએ આ તકે અભિનંદન પાઠવ્‍યા હતા.

કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ આ પ્રસંગે તેમની લાગણી વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, સરદાર પટેલના એકતા, ખુમારી અને સત્‍યના રસ્‍તે હિમ્‍મતપૂર્વક આગળ વધવાના ગુણો અહીં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને સતત પ્રેરણા પૂરી પાડશે. સાથોસાથ સરદાર પટેલના એકતાના ગુણોથી સમગ્ર સમાજ રાજ્‍યના વિકાસમાં સહભાગી બનશે તેવો વિશ્વાસ કેન્‍દ્રિત મંત્રીશ્રીએ વ્‍યક્‍ત કર્યો હતો.

લેઉવા પટેલ ર્બોડિંગના પ્રમુખ તરીકે વરણી થતાં ધારાસભ્‍ય શ્રી જયેશભાઈ રાદડિયાએ તેમની લાગણી વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે, ૬૦ વર્ષ પૂર્વે શરૂ કરાયેલું છાત્રાલય આજે વટવળક્ષ બનીને ઉભર્યું છે. આ સંસ્‍થા વિદ્યાર્થીઓના ઉત્‍કર્ષ માટે ખૂબ મહત્‍વની સાબિત થશે, તેમ  પ્રમુખ તરીકે જવાબદારી સ્‍વીકારતા તેમણે ઉમેર્યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પિત થયેલ શ્રી લેઉવા પટેલ ર્બોડિંગનું બિલ્‍ડિંગ આશરે રૂ. ૩૦ કરોડના ખર્ચે સાકાર થયું છે, જેમાં ૪૫ સ્‍કૂલ રૂમ્‍સ, ૧૧૦ હોસ્‍ટેલ રૂમ્‍સ, ઓડિટોરિયમ, લાયબ્રેરી સહિત ૨૦૦૦ વિદ્યાર્થીઓને રહેવા જમવાની સગવડ ઊભી કરવામાં આવી છે.

આ પ્રસંગે સાંસદશ્રી પરશોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્‍યશ્રી ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટિલાળા, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, પૂર્વ ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઈ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી ભરતભાઈ બોઘરા, શ્રી ગોવિંદભાઈ રાણપરીયા, શ્રી ડી. કે  સખીયા, શ્રી રમેશભાઈ ધડુક, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી પરેશભાઈ ગજેરા, શ્રી રાજુભાઈ હિરપરા, શ્રી ચંદુભાઈ વિરાણી, ડો. માધવ દવે, શ્રી ધનસુખભાઈ ભંડેરી, ર્બોડિંગના પ્રમુખ શ્રી શામજીભાઈ ખુંટ, ટ્રસ્‍ટીશ્રીઓ, મ્‍યુનિસપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશ તથા સમાજના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. 

(3:18 PM IST)