તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
વિકાસની રાજનીતિનો પાયો ગુજરાતમાં નખાયોઃ ભુપેન્દ્રભાઇ પટેલ
મનપાના રૂા.૭૫૧.૨૦ કરોડના વિવિધ વિકાસકામોના ૪૫ પ્રોજેકટોના લોકાર્પણ અને ખાતમુર્હુત મુખ્યમંત્રીના હસ્તે કરાયા : લાંબા સમય બાદ મનપાનો કાર્યક્રમ પદાધિકારીઓ વિહોણો યોજાયોઃ પૂર્વ શાસકોએ પ્રેક્ષકોમાં બેસી કાર્યક્રમ નિહાળ્યો

રાજકોટ તા.૩૦: શહેરના સર્વાંગી અને સુસંગત વિકાસને વધુ વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૮ શનિવારના રોજ પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શહેરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પાણી વ્યવસ્થાપન મજબૂત બનાવવા, ડ્રેનેજ સુવિધા વિસ્તળત કરવા, માર્ગ અને પ્રકાશ વ્યવસ્થા સુધારવા તેમજ નાગરિક સુવિધાઓ વધારવા માટેના કુલ રૂ. ૭૫૧.૨૦ કરોડના જુદાજુદા ૪૫ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે રાજકોટની પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના નવા બિલ્ડીંગનું લોકાર્પણ તેમજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ લોધિકા તાલુકાના રસ્તાના કામનું ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું હતું.
આ સમારોહને ગૌરવાંકિત કરનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના પ્રાસંગિક વક્તવ્યમાં એમ કહ્યું હતું કે, વિશ્વ નેતા અને યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકારના વડા તરીકે ૮૯૩૧ દિવસ જેટલા સૌથી વધુ સમય માટે દેશ અને દેશની વિકાસ યાત્રાનું નેતળત્વ કરી દેશને વિકસિત બનાવવા ભણી કૂચ આગળ ધપાવી છે. તેઓનો નિઃસ્વાર્થપળે માત્ર એક જ ધ્યેય રહ્યો છે ‘‘ઈઝ ઓફ લીવીંગ'', લોકોના જીવનધોરણમાં સુખશાંતિ અને પ્રગતિ આવે. તેમણે માત્ર રાષ્ટ્ર હિત અને વિકાસની રાજનીતિને પ્રાધાન્ય આપ્યું છે. જેનું પરિણામ એ આવ્યું કે, દેશનું ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ બદલાયું અને અને ઝડપી વિકાસના નવા દ્વાર ખુલ્યા. જેમાં રાજકોટ પણ યશનું હક્કદાર બની રહ્યું છે. અત્યારે વિશ્વ ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે આપણા ગુજરાતમાં ઉર્જા બાબતમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમ પણ ઉમેર્યું હતું કે, વડાપ્રધાને વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે તેમાં આપણું ગુજરાત ‘‘વિકસિત ગુજરાત'' બનીને તેમાં પૂર્ણ યોગદાન આપી શકે એ માટે આપણે સૌએ સાથે મળીને જવાબદારી નિભાવવાની છે. વિકાસ ક્ષેત્રે રાજકોટ સહીત સમગ્ર ગુજરાતે અનેક નવી ઊંચાઈઓ સર કરી છે. સને ૨૦૦૫ માં રાજ્યનું બજેટ રૂ.૩૮,૦૦૦ કરોડ જેટલું હતું, પરંતુ પ્રધાનમંત્રીની દૂરંદેશીના પરિણામે અત્યારે રાજ્યના બજેટમાં આટલી રકમ તો માત્ર શહેરી વિકાસ માટે જ ફાળવવામાં આવી છે. તેઓએ હંમેશા ગરીબો, વંચિતો અને છેવાડાના માનવીઓના જીવનમાં ઉત્કર્ષ આવે તેને અગ્રતા આપી છે. આજે દેશના કોઇપણ રાજ્યમાં વિકાસની વાત કરવી પડે છે કેમ કે વિકાસની રાજનીતિનો પાયો ગુજરાતમાં નંખાયો હતો.
વધુમાં મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું હતું કે, પોતે જ્યારે સને ૨૦૧૦-૧૧માં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન હતાં ત્યારે જનરલ બોર્ડમાં એવું નિવેદન કરેલું કે, જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી છે ત્યાં સુધી વિકાસ માટે પૈસાની કમી કયારેય નહીં આવે અને આ વાત આજે પણ યથાર્થ ઠરી રહી છે. રાજકોટમાં આજે રૂ.૭૫૧.૨૦ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત થયા છે.
કાર્યક્રમની શરૂઆતમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આજે રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૭૫૧.૨૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ થઇ રહ્યું છે ત્યારે જણાવતા આનંદ થાય છે કે તાજેતરમાં આ જ મહિનામાં થોડા દિવસો પહેલા રૂ.૩૬૨.૬૦ કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવેલ એટલે ચાલુ મહિનામાં જ રૂ.૧૧૧૩ કરોડના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યા છે. આજના આ ખાતમુહુર્તમાં એક એવું પણ કામ છે જે ન્યારી-૧ ડેમ આધારિત સૌરાષ્ટ્રના સૌથી મોટા ૧૫૦ એમ.એલ.ડી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જઈ રહ્યા છીએ, જેનાથી પાણી વિતરણનું નેટવર્ક સુદ્રઢ બનશે.
આ કાર્યક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશ, રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનીસીપાલીટી અને રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મહેશ જાની અને અગ્રણી ડો. માધવભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટય કર્યું હતું. ત્યારબાદ સંસદસભ્યઓ અને ધારાસભ્યઓએ પુષ્પગુચ્છથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરેલ અને અગ્રણી ડો. માધવભાઈ દવે, વલ્લભભાઈ દુધાત્રા, લલિતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા દ્વારા પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને કલેકટરશ્રી ડો. ઓમ પ્રકાશ દ્વારા શહેરી વિકાસ વર્ષની થીમ આધારિત મોમેન્ટો આપી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવેલ. જયારે મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવોનું પુષ્પ અને ખાદીના રૂમાલ વડે સ્વાગત નાયબ મ્યુનિસિપલ કમિશનર સમીર ધડુક અને ટ્રાન્સપોર્ટ વિભાગના ઓ.એસ.ડી. વિજય પટ્ટણી દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં સૌએ વંદેમાતરમ ગીતનું સમૂહ ગાન કર્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની દ્વારા કરવામાં આવેલ. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:19 PM IST)










