તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
મહિલાની કરિયાણાવાળાએ છેડતી કરી ટી-શર્ટ ફાડયું: એક વાર શરીર સંબંધ બાંધી લેવા કહ્યું!
નાણાવટી ચોક નંદનવન આવાસ યોજના ક્વાર્ટરમાં પાર્કિંગ જેવી વાતે બબાલ : મહિલા સહિતના વળતા હુમલામાં કરિયાણાના ધંધાર્થી નટવરભાઇ જાદવ લોહીલુહાણઃ તેણે એટ્રોસીટી હેઠળ ગુનો દાખલ કરાવ્યો

રાજકોટ તા. ૩૦: શહેરના ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે આવેલા નંદનવન આવાસ યોજનાના ક્વાર્ટરમાં ર્પાકિંગ જેવી સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ મારામારી થઇ હતી. આ બનાવમાં મહિલા અને આધેડ દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પડોશીઓ વચ્ચે શરૂ થયેલો સામાન્ય ઝઘડો એટલી હદે વકર્યો હતો કે છેવટે મામલો હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જેમાં મહિલાએ પોતાની છેડતી થયાની ફરિયાદ દાખલ કરાવી હતી. અગાઉ પણ તેણીએ માથાકુટને કારણે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સામે મહિલા સહિતની સામે એટ્રોસીટી, હુમલાનો ગુનો દાખલ થયો હતો.
નાણાવટી ચોક વિસ્તારમાં આવેલ નંદનવન આવાસમાં રિક્ષા અને ફોર-વ્હીલર પાર્ક કરવા જેવી નજીવી બાબતે બે પડોશીઓ સામસામે આવી ગયા હતા. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં બંને પક્ષોએ એકબીજા વિરૂધ્ધ આક્ષેપો સાથે ફરિયાદ દાખલ કરાવી હતી. મહિલાની ફરિયાદ પરથી પોલીસે નંદનવન આવાસ ક્વાર્ટરમાં રહેતાં પ્રોવીઝન સ્ટોર ચલાવતાં નટવર નાનજીભાઇ જાદવ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. મહિલાની ફરિયાદ મુજબ તેના પતિની રિક્ષા પાર્ક કરવાની જગ્યાએ અન્ય એક વ્યક્તિની ફોર-વ્હીલર પાર્ક કરેલી હોવાથી તે બાબતે રજૂઆત કરવા જતાં નટવરભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. મહિલાનો આક્ષેપ છે કે નટવરભાઈએ અગાઉ પણ તેની સાથે અણછાજતી માંગણી કરી હતી અને ગઇકાલે ઝઘડા દરમિયાન જાહેરમાં ગાળો આપી મહિલાનું ટી-શર્ટ ફાડી નાખી છેડતી કરી હતી. તેમજ એક વખત શરીર સંબંધ બાંધી લેશે તો જે જોઇતું હશે તે આપશે તેમ કહ્યું હતું. આ ત્રાસથી કંટાળીને મહિલાએ અગાઉ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
સામા પક્ષે નટવરભાઈ નાનજીભાઈ જાદવ (ઉ.વ.૫૨)એ મહિલા, તેના પતિ સહિતની સામે વળતી ફરિયાદ નોંધાવી છે. નટવરભાઈના જણાવ્યા અનુસાર ફોર-વ્હીલર ર્પાકિંગ બાબતે મહિલા અને તેના પતિએ તેમની પત્નિ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જ્યારે નટવરભાઈ વચ્ચે પડ્યા ત્યારે મહિલા અને તેના પતિએ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ આનંદ નામના શખ્સે ધોકા અને બેટ વડે હુમલો કરી નટવરભાઈનું માથું ફોડી નાખ્યું હતું અને છરી જેવા હથીયાર વડે હાથના કાંડા પર ઘા ઝીંકી દીધો હતો. આથી તેને તાત્કાલિક ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા છે.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ આઇ. એ. બેલીમ અને એએસઆઇ જે. એ. જાડેજાએ બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(4:06 PM IST)










