News of Monday, 30th March 2026
મારા-તારા નહિ પરંતુ સારા ઉમેદવારોને ટિકીટ અપાશેઃ જગદીશ વિશ્વકર્મા
જુથવાદને દુર કરીને ટીમ ભાજપ તરીકે કામ કરવા કાર્યકર્તાઓને પ્રદેશ અધ્યક્ષની ટકોરઃ વર્તમાન અને માજી હોદ્દેદારોને સાથે રાખીને ચૂંટણીનું કામ કરવું : દરેક કાર્યકર્તાને ટિકીટ આપવી શકય નહિ જેથી જેને ટિકીટ મળે તેને જીતાડવાની જવાબદારી કાર્યકર્તાઓની છે, વ્યક્તિગત દ્વેષ રાખીને નનામી અરજી, સીડી, પેનડ્રાઇવ જો પ્રદેશમાં મોકલશો તો સીધાં જ કચરામાં જશે તેવો સ્પષ્ટ સંદેશ, સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં સ્વ. વિજય રૂપાણીને યાદ કરતા જગદિશ વિશ્વકર્મા

ભાજપના સોરાષ્ટ્રઝોનની બેઠક આજે રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં યોજાઇ હતી. જેમાં સ્થાનીક સ્વરાજય ચુંટણીને લઇને પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતું. ઉપરોકત તસ્વીરમાં પ્રદેશ ભાજપના આગેવાનો તથા સોૈરાષ્ટ્રના તમામ હોદેદારો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૩.૧૭)
રાજકોટઃ શહેરના કાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજે ભારતીય જનતા પાર્ટીની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે જીતનો મંત્ર આપ્યો હતો. આ બેઠકમાં ભાજપના આંતરિક જુથવાદને તિલાંજલિ આપીને ટીમ ભાજપ બનીને ચૂંટણી લડવા અને જીતવાની કાર્યકર્તાઓને જગદિશ વિશ્વકર્માએ ટકોર કરી હતી.
જગદિશ વિશ્વકર્માએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાર્યકર્તાઓને તૈયાર થવા માટે પાંચ મુદ્દાનો મંત્ર આપ્યો હતો અને કાર્યકર્તાઓને વ્યક્તિગત રાગદ્વેષ ,ઇર્ષા અને વ્યક્તિગત મહત્વકાંક્ષાવે મુકીને સૌએ એક થઇને ચૂંટણી જીતવા માટે કહ્યું હતુ.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને યાદ કરીને તેને સંગઠનમાં કરેલી કામગીરીને યાદ કરી હતી અને તેની સાથેના સંસ્મરણોને યાદ કર્યા હતા.
તાજેતરમાં જ ભાજપના સંગઠનનું માળખું તૈયાર થયું છે ત્યારે સૌરાષ્ટ્રમાં નવા હોદ્દેદારોને તેની જવાબદારી સુપેરે નિભાવવા અને માજી એટલે કે પૂર્વ હોદ્દેદારોને સાથે રાખવા માટે સૂચન કર્યું હતુ.વિશ્વકર્માએ એ પણ વાત ગંભીરતા પૂર્વક કરી હતી કે આંતરિક જુથવાદ અને વ્યક્તિગત વાંધાઓને કારણે પ્રદેશ કક્ષાએ નનામી પત્રિકાઓ,સીડી અને પેનડ્રાઇવ મોકલવામાં આવતી હોય છે ત્યારે આવી નનામી ફરિયાદો સીધી જ કચરા પેટીમાં જશે તેવું કહીને કાર્યકર્તાઓને શિસ્તમાં રહેવાની સલાહ આપી હતી.
આગામી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થવાની છે ત્યારે પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે દરેક કાર્યકર્તાને ટિકીટ આપવી શકય નથી ત્યારે ઉમેદવારોની પસંદગીમાં મારા તારા નહિ પરંતુ સારા ઉમેદવારોની પસંદગી થાય તે જોવા કહ્યું હતું. જે ઉમેદવાર પસંદગી પામે ત્યારે તેની ઇર્ષા કરવાને બદલે કમળને જીતાડવા માટે કામ કરવા સૂચન કર્યું હતુ. ઉમેદવારોની પસંદગીમાં ભાજપ સાથે જોડાયેલા પાયાના કાર્યકર્તાઓ અને સંગઠન સાથે જોડાયેલા કાર્યકર્તાઓને ધ્યાને લેવાશે તેવું પણ કહ્યું હતુ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સૌરાષ્ટ્રના ૧૫ જિલ્લાઓના ૧૭૦૦ જેટલા અપેક્ષિત કાર્યકર્તાઓને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્માએ ચૂંટણી માટે તૈયાર થવા આહ્વાન કર્યું હતુ. પાંચ વર્ષમાં ભાજપ સરકારે કરેલા કામોને લોકો સુધી પહોંચાડીને જીત હાંસલ કરવાનો મંત્ર પણ જગદિશ વિશ્વકર્માએ આપ્યો હતો.
ભાજપના સંગઠનની આ મહત્વની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષની સાથે મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશાંત કોરાટ, અનિરુદ્ધભાઇ દવે,મંત્રી કાંતિભાઇ અમળતિયા સાથે વર્તમાન ધારાસભ્યા, પૂર્વ ધારાસભ્યો, સાંસદ સભ્યો અને સંગઠનના ચાલુ અને પૂર્વ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. (૪૦.૫૫)
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સંગઠન માટે કાળી મજુરી કરનારને પ્રાધાન્ય
રાજકોટઃ આજે સોૈરાષ્ટ્ર ઝોનની ભાજપની યોજાયેલ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ માર્ગદર્શન આપતા જણાવેલ હતુ કે સાંસદ કે ધારાસભ્ય પોતાના મન ગમતાઓને ટિકિટ અપાવવાનો હઠાગ્રહ ન સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સંગઠન માટે કાળી મજૂરી કરનાર પાથરણા પાથરનાર ખુરશી ગોઠવનાર કે ભીંત ચિત્ર દોરનાર અદના કાર્યકરોને ટિકિટ આપવાના સંકેતો આપ્યા હતા. સાંસદ કે ધારાસભ્ય જે નામ માટે ભલામણ કરે તેનું અલગથી લીસ્ટ બનાવવા નિરિક્ષિકોને સૂચના આપવામાં આવી છે. વર્ષોથી પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરતા કાર્યકરોમાં હર્ષની લાગણી.
(3:42 PM IST)










