તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 30th March 2026
રાજકોટમાં અસહ્ય બફારોઃ બપોરે ૨:૩૦ વાગ્યે તાપમાન ૩૫.૪ ડિગ્રીએ પહોંચ્યું: સાંજે કમોસમી વરસાદની પ્રબળ શકયતા

રાજકોટઃ શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોરે ૨:૩૦ વાગ્યાના સુમારે શહેરનું મહત્તમ તાપમાન ૩૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે શહેરીજનોએ કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો.
જોકે, બપોર બાદ આકાશમાં અચાનક વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે. સૂર્યદેવ વાદળો પાછળ ઢંકાઈ જતા ગરમીમાં આંશિક રાહત મળી છે, પરંતુ ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ યથાવત રહ્યો છે. હવામાનમાં આવેલા આ ફેરફારને જોતા એવી પ્રબળ શકયતા સેવાઈ રહી છે કે સાંજના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) પડી શકે છે.
ચૈત્ર માસની શરૂઆતમાં જ આ રીતે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં પણ ચિંતાની લહેર જોવા મળી રહી છે. જો વરસાદ પડે તો કેરી અને ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. હાલમાં શહેરમાં પવનની ગતિ સામાન્ય છે અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે.
(4:07 PM IST)










