<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

રાજકોટમાં કાળજું કંપાવતી દુર્ઘટના : સોપાન હાઈટ્સના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી નેપાળી શ્રમિક પરિવારના સાત અને પાંચ વર્ષના બે માસૂમ ભાઈ-બહેના કરુણ મોત

રૈયા ધાર વિસ્તારની સોસાયટીમાં સફાઈ કામ કરતા માતા-પિતાની નજર સામે જ વ્હાલસોયા સંતાનોના જીવ ગયા : ૧૪ દિવસ પહેલા જ નેપાળથી રોજગારી માટે આવેલા પરિવાર પર આભ ફાટ્યું

રાજકોટ:શહેરના રૈયા ધાર વિસ્તારમાં આવેલી ડ્રિમ સિટી સામેની સોપાન હાઈટ્સ બિલ્ડિંગમાં આજે બપોરના સમયે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના ઘટી છે. બિલ્ડિંગમાં સફાઈ કામ કરતા મૂળ નેપાળી પરિવારના બે માસૂમ બાળકો રમતા રમતા સ્વિમિંગ પૂલ નજીક પહોંચી ગયા હતા અને અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી બંનેના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને શ્રમિક પરિવારમાં ભારે કલ્પાંત છવાયો છે.

રમતા રમતા પૂલમાં ખાબક્યા:
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બપોરે ૨:૩૦ થી ૩:૩૦ વાગ્યાના અરસામાં આ કરુણ બનાવ બન્યો હતો. સોપાન હાઈટ્સમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કરણભાઈ ભંડારીના બે સંતાનો, ૭ વર્ષનો પુત્ર દીપેશ અને ૫ વર્ષની પુત્રી દેપસીકા, બિલ્ડિંગના પ્રિમાઈસીસમાં રમી રહ્યા હતા. રમતા રમતા બંને બાળકો સ્વિમિંગ પૂલ પાસે પહોંચી ગયા હતા અને અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકો દેખાતા બંધ થતા અને બનાવની જાણ થતા જ બિલ્ડિંગમાં જ કામ કરી રહેલા માતા-પિતા અને અન્ય રહીશો દોડી આવ્યા હતા.

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ શ્વાસ થંભી ગયા:
બંને બાળકોને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ બાદ બંને ભાઈ-બહેનને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ થતા યુનિવર્સિટી પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને દીપેશ તેમજ દેપસીકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રોજગારીની શોધમાં આવ્યા અને સંતાનો ગુમાવ્યા:
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ કમનસીબ પરિવાર મૂળ નેપાળનો વતની છે અને માત્ર ૧૪ દિવસ પહેલા જ રાજકોટમાં રોજગારી અર્થે આવ્યો હતો. સોપાન હાઈટ્સમાં સફાઈ કામદાર તરીકે નોકરી શરૂ કર્યાને હજુ પખવાડિયું પણ પૂરું થયું નહોતું ત્યાં જ કુદરતે ક્રૂર મજાક કરી હોય તેમ માતા-પિતાએ પોતાના બંને વ્હાલસોયા સંતાનો ગુમાવવાનો વારો આવ્યો છે. યુનિવર્સિટી પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતના ગુના હેઠળ આગળની તપાસ શરૂ કરી છે.

(6:48 PM IST)