તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
સર્વિસ રિવોલ્વરમાંથી આકસ્મિક ફાયરીંગ થવાને લીધે સાયબર ક્રાઇમ પીએસઆઇ પંડયાને ઇજા
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર સમન્વય એપાર્ટમેન્ટમાં રાતે સાડા દસેક વાગ્યે બનાવ : સાથેના મહિલા મિત્રને પણ નજીવી ઇજાઃ ડીસીપી રાકેશ દેસાઇ, ઇન્ચાર્જ પીઆઇ એમ. એલ. ડામોર સહિતે ઘટના સ્થળે, હોસ્પિટલે પહોંચી તપાસ કરીઃ સફાઇ વખતે રિવોલ્વર લોડ થઇ જતાં ટ્રીગર દબાઇ જતાં ગોળી વછુટી હોવાનું ખુલ્યું

રાજકોટ તા. ૩૧: શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઇ રાતે પોતાના ફલેટ ખાતે પોતાની સર્વિસ રિવોલ્વરની સફાઇ કરતાં હતાં ત્યારે અકસ્માતે ગોળી વછુટતાં તેને તથા સાથે તેમના મહિલા મિત્રને નજીવી ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતાં. જેમાં પીએસઆઇને દાખલ કરવા પડયા હતાં. ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. જો કે ઘટના આકસ્મિક હોવાનું તપાસમાં ખુલ્યુ હતું.
જાણવા મળ્યા મુજબ યુનિવર્સીટી રોડ પર આવેલા સમનવ્ય શુલભ એપાર્ટમેન્ટમાં રાત્રિના સમયે ફ્લેટમાં હાજર સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીએસઆઈ એન. કે. પંડયા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરતાં હતાં ત્યારે આકસ્મિક રીતે ફાયર થઇ જતાં તેને અને ત્યાં હાજર તેમના મહિલા મિત્રને ઇજા થઇ હતી. પીએસઆઇ નિતીત કે. પંડયાને જમણા બાવડાના ભાગે અને તેમના મહિલા મિત્રને ડાબા પડખાના ભાગે સ્હેજ ઇજા થઇ હતી.
રાત્રીના સાડા દસેક વાગ્યે સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીએસઆઈ એન. કે. પંડયા પોતાના યુનિવર્સીટી રોડ પર જે કે ચોક નજીક આવેલા સમનવ્ય શુલભ એપાર્ટમેન્ટ સ્થિત ફ્લેટ નં. એ-૪૦૪માં હાજર હતા, ત્યારે તેમની સાથે તેમના મહિલા મિત્ર પૂજાબેન પણ હાજર હતા. પીએસઆઈ એન.કે.પંડ્યા પોતાની સર્વિસ રિવોલ્વર (પિસ્ટલ) સાફ કરી રહ્યા હતા. દરમિયાન આકસ્મિક રીતે હથિયાર લોડ થઇ ગયું હતું અને બાદમાં ટ્રીગર પણ આકસ્મિક રીતે જ દબાઈ જતાં એક રાઉન્ડ ફાયર હતું. જેમાં પીએસઆઈ પંડ્યાને જમણા હાથે બાવડાના ભાગે જયારે મહિલા મિત્ર પુજાબેનને ડાબા પડખાના ભાગે ઇજા પહોંચી હતી. આસપાસના રહેવાસીઓને જાણ થતાં સારવાર માટે બંનેને ખસેડયા હતાં. જ્યાં પીએસઆઇને દાખલ કરાયા હતાં. જ્યારે મહિલાને પ્રાથમિક સારવાર અપાઇ હતી.
બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ વી. જી. ડોડીયા, ડી. સ્ટાફ ટીમ સહિતનો કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો. ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ પણ હોસ્પિટલે પહોંચ્યા હતાં અને તપાસ શરૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ઘટના આકસ્મિક જ હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે.
આ બનાવમાં પોલીસ સ્ટેશનમાં હાલ જાણવા જોગ એન્ટ્રી દાખલ કરી પીએઅસાઇનું નિવેદન નોંધવા તજવીજ કરવામાં આવી હોવાનું ઇન્ચાર્જ પીઆઇ એમ. એલ. ડામોરે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પીએસઆઇ એન.કે.પંડ્યા મુળ ભાવનગરના વતની છે. તેઓ જ્યારે પોતાના ફ્લેટ પર મહિલા મિત્ર સાથે આવ્યાં બાદ પોતાની સર્વીસ રિવોલ્વર અનલોડ કરતાં હતાં ત્યારે મીસ ફાયર થયું હતું. જે અંગે હાલ જાણવા જોગ દાખલ કરાઈ છે. ઘટના આકસ્મિક હોવાનું હાલ સામે આવ્યું છે.
(2:54 PM IST)










