તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની દર્શનીય ધર્મયાત્રાઃ જૈનો બન્યા મહાવીરમય
સમસ્ત જૈન સમાજ રાજકોટ આયોજીત જૈનમ પ્રાયોજીત : અનેક સાધુ ભગવંતોની નિશ્રા, હજારો શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્થિતીમાં પ્રભુજીનો ચાંદીનો રથ, નવપદનાં સ્ટેજ, ૧૮ આલમ દ્વારા વધામણા, બેન્ડની સુરાવલીઓ, કળશધારી બહેનો, યુવાનો, અનુકંપા રથ, વિવિધ સ્થળે ભકિતનાં પાલ અનેકવિધ ફલોટસ, સુશોભીત કાર અને સ્કુટર, બાઈક, સાઈકલ જેવા આકર્ષણો સાથેની ધર્મયાત્રા યોજાઇ : ચિત્ર, રંગોળી, વેશભુષા, ફલોટ સુશોભન સહીતની સ્પર્ધાનાં વિજેતાઓની જાહેરાત સાથે તેમનું અદકેરું બહુમાન કરવામાં આવ્યુ

રાજકોટઃ આજરોજ અનેકવિધ સાધુભગવંતોની પાવન નિશ્રા, હજારો શ્રાવક શ્રાવિકાઓની હાજરી વચ્ચે રાજકોટનાં સ્થાનકવાસી, દેરાવાસી, શ્રીમદ્ રાજચંદ્ર ટ્રસ્ટ તેમજ દિગંબર શ્રીસંઘો તથા જૈન સાથી સંસ્થાઓનાં સથવારે અતિ ભવ્ય અને દિવ્ય ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મણીયાર દેરાસર ખાતે પૂ. આચાર્ય ભગવંત પ્રસન્નચંદ્રસાગરજી મહારાજ સાહેબનાં મુખેથી માંગલીક ફરમાવવામાં આવ્યું હતું. સાથે પૂ.યશોવિજયજી મ.સા., પૂ.મનકચંદ્ર મ.સા., પૂ.પ્રિયચંદ્ર મ.સા. અને પૂ.રામચંદ્ર મ.સા. વિગેરે આ ધર્મયાત્રામાં જોડાઈને શ્રાવકોને આશિર્વચન પાઠવ્યા હતા. ધર્મયાત્રાનાં અધ્યક્ષ તરીકે જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણીએ સ્થાન શોભાવ્યું હતું. આ તકે ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, જીતુભાઈ દેસાઈ, હરેશભાઈ વોરા, ચંદ્રકાંતભાઈ શેઠ સહીતનાં મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. ત્યાંથી પ્રસ્થાન થયા બાદ આ ભવ્ય ધર્મયાત્રા કે જેમાં ભગવાન મહાવીર શુધ્ધ ચાંદીનાં રથમાં બિરાજમાન થઈ નગરચર્ચાએ નીકળ્યા હતા. જેમના દર્શનનો લાભ સમગ્ર રૂટમાં લાખોની સંખ્યામાં ઉપસ્થિત પ્રજાજનો લીધો હતો. અને આ ચાંદીનાં રથને પૂજાની જોડમાં સજ્જ આવા ભયંકર તડકામાં ઉઘાડા પગે ચાલીને ભગવાનનાં નંદી બનીને પ્રહલાદ પ્લોટ યુવક મંડળનાં સભ્યોની ખૂબ ખૂબ અનુમોદના કરી હતી.
સમગ્ર રૂટમાં ઠેર ઠેર સમાજનાં વિવિધ જ્ઞાતિનાં એટલે કે અઢારેય આલમનાં પ્રતિનીધીઓ ભગવાન મહાવીરનાં અક્ષતથી વધામણાં કર્યા હતા. પ્રભુજીનાં રથની આગળ લાલ બાંધણીની સાડીની વેશભુષામાં સજ્જ કળશધારી બહેનો ભગવાનનાં સામૈયા કર્યા હતા. અનેકવિધ સંદેશાઓ અને જીવંત પાત્રો સાથેનાં ઉપદેશ આપતા ફલોટ જેની સંખ્યા ૨૪ તીર્થંકરો પ્રમાણે ૨૪ ફલોટ હતી. તેવા દર્શનિય ફલોટ આ ધર્મયાત્રામાં જોડાયા હતા. ધર્મયાત્રાનાં પ્રારંભે ધર્મધ્વજ સાથે યુવાનો અને ત્યારબાદ બાઈકમાં સાફામાં સજ્જ યુવાનો આ યાત્રાને શોભાવતા હતા. આ ઉપરાંત સુશોભીત બાઈક, સ્કુટર, સાઈકલ, સ્કેટીંગ કરતી બાળા સહીતનાં હોંશભેર જોડાયા હતા.
ધર્મ યાત્રાનો મણીઆર દેરાસર-ચૌધરી હાઇસ્કુલ, મણીયાર દેરાસરજીથી પ્રારંભ, સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ, શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ફુલછાબ ચોક, અકિલા પ્રેસ, મોટી ટાંકી ચોક, લિમડા ચોક, દિગંબર મંદિર, ત્રિકોણ બાગ, બાપુનાં બાવલા, ભુપેન્દ્ર રોડ, મુળવંતભાઈ દોમડીયા ચોક, ડુંગરસિંહજી મ.સા. ચોક, શ્રી વિરાણી પૌષધશાળા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.
ધર્મયાત્રા પૂર્ણ થયે વિરાણી પૌષધશાળા જૈન મોટા સંઘ ખાતે ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધર્મસભામાં ઉપસ્થિત જશ પરિવારનાં પૂ.જ્યોતીબાઈ મહાસતીજી, પૂ.સ્મીતાબાઈ મહાસતીજીએ જૈન સમાજને આશિર્વચન પાઠવ્યા હતા. મોટા ઉપાશ્રય ખાતે ઉપઙ્ઘમુખ દીનેશભાઈ દોશીએ શબ્દોથી સ્વાગત કરી શ્રાવક-શ્રાવિકાઓને આવકાર્યા હતા. આ તકે ઠાકોરસાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ ઉપસ્થિત જૈન સમાજને પ્રસંગોચિત ઉદબોધન પાઠવ્યું હતું. જૈન સમાજનાં આગેવાન હરેશભાઈ વોરા, જીતુભાઈ દેસાઈ, ચંદ્રકાંતભાઈ શેઠ, જીતુભાઈ બેનાણી, સાંજ સમાચાર પરિવારનાં કરણભાઈ શાહ દ્વારા પણ પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યુ હતું, આ ધર્મસભામાં ચિત્ર સ્પર્ધાનાં વિજેતા, ફલોટ સુશોભન સ્પર્ધાના વિજેતા તથા લક્કી ડ્રો ભાગ્યશાળી વિજેતાઓને પણ પ્રભાવના કરવામાં આવી હતી. ધર્મસભા પૂર્ણ થયે શ્રી સરદારનગર યુવક મંડળનાં યુવાનો વ્યવસ્થા થકી દરેકને પ્રભાવનાનો લાભ આપેલ હતો.
આ સમગ્ર મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનાં આયોજનમાં જૈનમ પરિવારને વિશેષ અનુમોદના મળી હતી જેમાં મુખ્યત્વે જીતુભાઈ બેનાણી (અમીધારા ડેવલોપર્સ), શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંધ - દાદા વાડી દેરાસર, એક ગુરુભકત પરિવાર, એક સુશ્રાવક પરિવાર, હિતેશભાઈ દોશી, હરેશભાઈ વોરા, જીતુભાઈ દેસાઈ, હિતેશભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ શેઠ, એચ.જે. ઈન્ડસ્ટ્રીઝ, પ્રદિપભાઈ વોરા, શ્રીમતિ મધુબેન પ્રમોદભાઈ દેસાઈ, મનસુખલાલ જીવરાજભાઈ શાહ ભાડલાવાળા ટ્રસ્ટ વિગેરેનો સિંહફાળો રહયો હતો.
ગત વર્ષની માફક આ વર્ષે આખો સમાજ ધર્મસભા બાદ જયણા વિધી પૂર્વક બનાવેલ ગૌતમ પ્રસાદનો લ્હાવો લે તેવા શુભ આશયથી યોજાયેલનું આયોજન આ વખતે શ્રી રણજીત વિલાસ પેલેસ, પેલેસ રોડ ખાતે કરવામાં આવેલ હતું. આ ગૌતમ પ્રસાદમાં ખૂબ મોટી સંખ્યામાં જૈન સમાજનાં પરિવારો અને જૈનેતરોએ પણ જોડાઈને વિશેષ લાભ લીધેલ હતો.
આ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણીને ભવ્ય બનાવવા બદલ રાજકોટનાં તમામ જૈન સંઘો, ઉપાશ્રયો, દેરાસરનાં હોદેદારશ્રીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, દાનવીર દાતાશ્રી પરિવાર, રાજકોટની સાથી સંસ્થાઓ, રાજકોટની મીડીયા જગત સહીત નામી અનામી તમામ લોકોનો જૈનમ પરિવાર વતી જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી અને જયેશભાઈ વસાએ આભાર વ્યકત કરેલ છે
(2:23 PM IST)










