<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

મનપા મવડી - રેલનગર - મોટામવામાં ૧ અને ૨ બીએચકેના ૩૧૭૦ ફલેટ બનાવશે

પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ અંતર્ગત રેલનગરમાં ૩ સ્‍થળો પર, મવડીના સ્‍થાન પર EWS-૧ના (૨ લાખ) ૧૧૭૦ તથા મવડીમાં ૨ તથા મોટા મવાની એક સ્‍થાન પર EWS-૨ (૧૨ લાખ)ના ૨ હજાર આવાસ માટે કાલે ટેન્‍ડર પ્રસિધ્‍ધ થશે : મ્‍યુનિ કમિશનર તુષાર સુમેરાની જાહેરાત

રાજકોટ, તા.૩૧: મહાનગરપાલિકા દ્વારા બજેટ વર્ષ ૨૦૨૬-૨૭માં શહેરના આર્થિક રીતે નબળા વર્ગ, ઘરવિહોણા પરિવારો તથા નજીવાદરે આવાસની જરૂરિયાત ધરાવતા નાગરિકોને સુવિધાસભર પાક્કા આવાસ ઉપલબ્‍ધ કરાવવાના હેતુસર મહત્‍વપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે. મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા કરાયેલ જાહેરાત મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ૨.૦ (PMAY ૨.૦) અંતર્ગત EWS-I તથા EWS-II પ્રકારના કુલ ૩૧૭૦ આવાસોના નિર્માણ માટેની ટેન્‍ડર પ્રક્રિયા તા. ૩૧ માર્ચના રોજ પૂર્ણ કરવામાં આવી છે. આ ટેન્‍ડર તા.૦૧ એપ્રિલના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેના અનુસંધાને આવાસોના નિર્માણ કાર્યને ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવશે.

કેન્‍દ્ર સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ શહેરોમાં વસતા ઘરવિહોણા તથા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને સુરક્ષિત, મજબૂત અને સુવિધાસભર રહેઠાણ ઉપલબ્‍ધ કરાવવા માટે આગામી પાંચ વર્ષ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ૨.૦ અમલમાં મુકવામાં આવી છે. યોજનાનો મુખ્‍ય હેતુ ‘સર્વ માટે આવાસ'ના સંકલ્‍પને સાકાર કરવાનો છે, જેથી કોઈપણ નાગરિક બિનરહેઠાણ ન રહે અને પોષણક્ષમ ભાવે ગુણવત્તાસભર રહેઠાણ ઉપલબ્‍ધ થાય.

આ યોજનાની માર્ગદર્શિકા અનુસાર રાજ્‍ય સરકાર દ્વારા યોજના રાજ્‍યમાં અમલી બનાવવામાં આવી છે. રાજ્‍ય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ યોજનાના અમલીકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યોજના અંતર્ગત વિવિધ ઘટકો દ્વારા લાભાર્થીઓને આવાસ સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવશે, જેમાં AHP (Affordable Housing in Partnership), ARH (Affordable Rental Housing), BLC (Beneficiary Led Construction) તથા ISS (Interest Subsidy Scheme) નો સમાવેશ થાય છે. આ તમામ ઘટકો દ્વારા વિવિધ શ્રેણીના લાભાર્થીઓને તેમની જરૂરિયાત અનુસાર આવાસ સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવાસની વધતી જરૂરિયાતને ધ્‍યાનમાં રાખી EWS વર્ગના નાગરિકોને નજીવા દરે સુવિધાસભર રહેઠાણ ઉપલબ્‍ધ થાય તે માટે કુલ ૩૧૭૦ આવાસોના નિર્માણ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ આવાસો EWS-I તથા EWS-II પ્રકારના હશે અને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. આવાસોમાં ગુણવત્તાસભર બાંધકામ, મજબૂત માળખાકીય સુવિધાઓ, સ્‍વચ્‍છતા વ્‍યવસ્‍થા, પીવાનું શુદ્ધ પાણી, ગટર લાઈન, આંતરિક રોડ, સ્‍ટ્રીટલાઈટ, વરસાદી પાણીની નિકાલ વ્‍યવસ્‍થા, ખુલ્લી જગ્‍યા, ર્પાકિંગ સુવિધા, હરિયાળી વિસ્‍તાર, બાળકો માટે રમવાના સ્‍થળો તથા જરૂરી કોમન સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.

આ યોજનાના અમલીકરણથી શહેરના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને સુરક્ષિત રહેઠાણ ઉપલબ્‍ધ થશે અને ભાડે રહેતા અથવા અસ્‍થાયી રહેઠાણમાં વસતા પરિવારોને સ્‍થાયી નિવાસની સુવિધા મળશે. સાથે સાથે શહેરી વિસ્‍તારોમાં સુવ્‍યવસ્‍થિત રહેણાંક વિકાસ થવાથી શહેરના આયોજનબદ્ધ વિકાસને પ્રોત્‍સાહન મળશે. આ યોજના દ્વારા શહેરી ગરીબોને આવાસ સાથે સ્‍વચ્‍છ અને સુવિધાસભર જીવનશૈલી તરફ આગળ વધવાની તક મળશે.

મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ જણાવ્‍યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા શહેરના દરેક નાગરિકને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ૨.૦ અંતર્ગત વધુમાં વધુ લાયકાત ધરાવતા લાભાર્થીઓને લાભ મળે તે માટે પારદર્શક અને સુવ્‍યવસ્‍થિત પ્રક્રિયા અપનાવવામાં આવશે. આવાસોના નિર્માણ કાર્યને ગુણવત્તા સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવા ખાસ ધ્‍યાન આપવામાં આવશે.

આ ઉપરાંત આવાસો વિકસિત થનારા વિસ્‍તારોમાં જરૂરી શહેરી સુવિધાઓનું સંકલન કરવામાં આવશે, જેથી લાભાર્થીઓને રહેઠાણ સાથે જીવન માટે જરૂરી મૂળભૂત સુવિધાઓ એક જ સ્‍થળે ઉપલબ્‍ધ થાય. આ યોજનાના અમલીકરણથી શહેરના સમાન વિકાસને પ્રોત્‍સાહન મળશે તેમજ સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોના જીવનસ્‍તરમાં સુધારો થશે.

ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ થતા હવે આગામી તબક્કામાં કાર્ય આદેશ આપવામાં આવશે અને આવાસોના નિર્માણ કાર્યને તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે. નિર્ધારિત સમયમર્યાદામાં આવાસો તૈયાર કરી લાભાર્થીઓને સોંપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે.

રાજકોટ મહાનગરપાલિકાની આ પહેલ ‘સર્વ માટે આવાસ'ના સંકલ્‍પને સાકાર કરવાની દિશામાં મહત્‍વપૂર્ણ સાબિત થશે. PMAY ૨.૦ અંતર્ગત હાથ ધરાયેલ આ યોજના શહેરના સર્વાંગી વિકાસ, સુવ્‍યવસ્‍થિત રહેણાંક સુવિધાઓ અને નાગરિકોના જીવનસ્‍તરમાં સુધારો લાવવા માટે એક મહત્‍વપૂર્ણ માઈલસ્‍ટોન બની રહેશે.

કઇ કઇ જગ્‍યાએ કેટલા આવાસો બનાવાશે

રાજકોટઃ મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ વિસ્‍તારમાં આવાસ બનાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્‍યારે કયા વિસ્‍તારમાં કેટલા અને કઇ કેટેગરીના આવાસો બનાવામા આવશે તેની માહિતિ આ મુજબ છે.(૬.૧૭)

1 BHKનાં વિસ્‍તારો     2 BHKનાં વિસ્‍તારો

પોપટપરામાં-૩૬૦              મવડી (કણકોટ રોડ) - ૬૮૮

સાધુવાસવાણી કુંજ રોડ-પ૦૮   મવડી (ડ્રીમ સીટી) - ૪૩ર

રેલનગર મેઇન રોડ-૧૬ર      મોટા મવા/મટુકી

સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે-૧૪૦        વિસ્‍તારમાં-૮૮૪

(4:05 PM IST)