તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
બહેનના લગ્નની કંકોત્રી આપવા જતી વખતે ઘવાયેલા રૈયાધારના સાવનનું મોત
ગયા મહિને લાખાપર પાસે કુતરૂ આડે આવતાં બાઇક સ્લીપ થતાં ગભીર ઇજા થઇ'તી સાથેના પિત્રાઇ ભાઇનો ઇજા સાથે બચાવ થયો હતો

રાજકોટ તા. ૩૧: રસ્તા પર કુતરૂ આડે ઉતરતાં બાઇક સ્લીપ થઇ જવાને કારણે બહેનના લગ્નની કંકોત્રી આપવા જઇ રહેલા રૈયાધારના ૧૭ વર્ષના ભાઇનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે. આ યુવાન પોતાના કાકાના દિકરાને સાથે લઇ સગાને ત્યાં કંકોત્રી આપવા જઇ રહ્યો હતો ત્યારે લાખાપર ગામ નજીક રોડ પર આ બનાવ બન્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ રૈયાધાર શીતલ પાર્ક પાસે રહેતો સાવન અશોકભાઈ આમેણીયા (ઉ.વ.૧૭) ગત. તા.૧૦/૨ના રોજ પોતાના બહેન પાયલબેનના લગ્નની કંકોત્રી આપવા માટે પોતાના સગા સંબંધીના ઘરે જવા નીકળ્યો હતો. તેની સાથે કાકાનો દિકરો નમન અજયભાઈ આમેણીયા (ઉ.વ.૧૮) પણ જોડાયો હતો. બંને ભાઇઓ બાઇક પર બેસીને નીકળ્યા હતાં. આ વખતે બાઇક નમન ચલાવતો હતો અને સાવન પાછળ બેઠો હતો.
દરમિયાન સરધારના લાખાપર અને સમઢીયાળા વચ્ચે સ્પીડ બ્રેકર પાસે જ કુતરૂં અચાનક આડે આવી જતાં ચાલક નમને બાઈક પરથી કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ જતાં બંને ભાઇઓ રોડ પર ફેંકાઇ ગયા હતાં. જેમાં સાવનને ગંભીર ઇજા પહોંચી હતી. તેને ૧૦૮ મારફત રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. નમનને પ્રાથમિક સારવાર અપાઇ હતી. સાવનને માથામાં ઇજા હોઇ દાખલ કરી ઓપરેશન કરાયું હતું. બાદ રજા અપાઇ હતી. આજે ઘરે તબીયત બગડયા બાદ ફરી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. સાવન બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. આ બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. આજીડેમ પોલીસ સ્ટેશનના એચ. એમ. ધરજીયાએ કાર્યવાહી કરી હતી.
(3:16 PM IST)










