<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

૪.૫૮ લાખ કરદાતાઓ દ્વારા ૪૩૫.૨૫ કરોડ મિલ્‍કત વેરાની આવકઃ ગત વર્ષ કરતા ૨૭.૬૭ કરોડ વધુ આવક

મનપાની ‘વ્‍યાજ માફી યોજના'નો આજે છેલ્લો દિ'

રાજકોટ, તા.૩૧:  મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત શાખા અંતર્ગત અમલમાં મુકવામાં આવેલ ‘વ્‍યાજ માફી યોજના'નો આજે છેલ્લો દિવસ છે. મિલકતવેરો તથા પાણીવેરાની બાકી રકમ ભરપાઈ કરવા માટે નાગરિકોને રાહતરૂપ બને તેવી આ યોજનાનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ યોજનામાં બાકીદારોને વ્‍યાજમાં વિશેષ માફી આપવામાં આવી રહી છે. મિલકતવેરા પર થતા વ્‍યાજમાં રૂ.૫,૦૦૦ સુધી માફી તેમજ પાણીવેરા પર થતા વ્‍યાજમાં રૂ.૫,૦૦૦/- સુધી માફી આપવામાં આવે છે. મિલકતધારકને કુલ રૂ.૧૦,૦૦૦ સુધીની વ્‍યાજ માફીનો લાભ મળી શકે છે.

આજે યોજનાનો અંતિમ દિવસ હોવાથી નાગરિકો વધુમાં વધુ સંખ્‍યામાં લાભ લઈ શકે તે માટે મહાનગરપાલિકાની વેરા વસુલાત કામગીરી સવારે ૯:૩૦ કલાકથી સાંજે ૬:૧૦ કલાક સુધી ચાલુ રહેશે. નાગરિકો ઓનલાઇન ચુકવણી અથવા પોતાના વોર્ડ ઓફિસ / સિવિક સેન્‍ટરનો સંપર્ક કરી બાકી વેરો ભરી શકે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ મિલકતધારકોને વિનંતી કરવામાં આવે છે કે આજે જ બાકી મિલકતવેરો તથા પાણીવેરો ભરી ‘વ્‍યાજ માફી યોજના'નો અવશ્‍ય લાભ લે અને શહેરના વિકાસમાં સહભાગી બને.

મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ ૪,૫૮,૩૭૯ કરદાતા દ્વારા કુલ રૂ. ૪૩૫.૨૫ કરોડ જેટલી માતબર રકમનો વેરો ભરપાઈ કરવામાં આવેલો છે. જે તા.૩૦ના માર્ચ ૨૦૨૫નાં રોજ કુલ ૪,૧૭,૬૬૨ કરદાતા દ્વારા કુલ રૂ. ૪૦૭.૫૮ કરોડનો વેરો ભરપાઈ કરવામાં આવેલ હતો, આમ,ગત વર્ષ કરતાં આ વર્ષ તા.૩૦માર્ચ ૨૦૨૬નાં રોજ કુલ ૪૦,૭૧૭ વધુ કરદાતાઓ દ્વારા તથા કુલ રૂ.૨૭.૬૭ કરોડની વધુ રકમનો મિલકત વેરો  મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવેલ છે. વેરા-વસુલાત શાખા દ્વારા આજ દિન સુધીમાં કુલ રૂ.૪૩૫.૨૫ કરોડની વસુલાત કરવામાં આવેલ છે

(3:31 PM IST)