<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

જંગલેશ્વરમાં હવે ડિમોલિશન પાર્ટ - ૨ માટેનો રસ્‍તો ખૂલ્‍યો : લોક રોષ

રાજ્‍ય મહેસૂલ પંચે ૭૨૦ અરજદારોની અપીલ રદ કરી નાખતા સરકારી જમીન પરથી દબાણ હટાવવા માટેનો રસ્‍તો ખુલી ગયો : હવે આ ચુકાદાનો અભ્‍યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશેઃ શહેર પૂર્વ મામલતદાર

રાજકોટ : જંગલેશ્વરમાં હવે ડિમોલિશન પાર્ટ - ૨ માટેનો રસ્‍તો ખૂલી ગયો છે. અહીં રૂ.૪૦૦ કરોડની ૧,૦૫,૮૦૦ ચોરસ મીટર જમીન ઉપર ૧૩૫૮ પરિવારો દ્વારા દબાણ કરવામાં આવ્‍યું હતુ. જે બાદ જિલ્‍લા વહીવટી તંત્ર હેઠળના પૂર્વ મામલતદાર દ્વારા કલમ ૬૧ હેઠળ નોટિસ આપી દબાણકર્તાઓને સાંભળવામાં આવ્‍યા હતા. તેઓને ૩ મુદ્દતમાં સાંભળ્‍યા બાદ ડિમોલિશન માટેની કલમ ૨૦૨ હેઠળની નોટિસ આપવામાં આવતા અરજદારો હાઈકોર્ટમાં ગયા હતા અને તે બાદ હવે રાજ્‍ય મહેસૂલ પંચે ૭૨૦ અરજદારોની અપીલ રદ કરી નાખતા સરકારી જમીન પરની દબાણ હટાવવા માટેનો રસ્‍તો ખુલી ગયો છે. જોકે તેની સામે લોકોમાં રોષ ફેલાયો છે.

જ્‍યારે રાજકોટ શહેર પૂર્વ મામલતદાર નિલેશ અજમેરાએ જણાવ્‍યુ હતુ કે, જંગલેશ્વરમાં રૂ.૪૦૦ કરોડની સરકારી જમીન પર રહેલા ૧૩૫૮ બાંધકામોને દૂર કરવા અગાઉ ૬૧ હેઠળ નોટિસ આપવામાં આવી હતી. જે બાદ દબાણકર્તાઓ હાઈકોર્ટમાં જતા હાઇકોર્ટે ૯૦ દિવસનો સ્‍ટે આપી રાજ્‍ય મહેસૂલ પંચને ચૂકાદો આપવા આદેશ કરવામાં આવ્‍યો હતો. જેમાં રાજ્‍ય મહેસૂલ પંચે અરજદારોની અપીલ રદ કરી રાજકોટ જિલ્‍લા વહીવટી તંત્રની તરફેણમાં ચુકાદો આપ્‍યો છે. જેથી હવે આ ચુકાદાનો અભ્‍યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

(4:09 PM IST)