News of Wednesday, 1st April 2026
કાલે હનુમાન જયંતિ : અંજનીના જાયાને લાડ લડાવાશે
જય હનુમાન જ્ઞાનગુણ સાગર જય કપિશ તીહુ લોક ઉજાગર, રામદુત અતુલીત બલધામા અંજની પુત્ર પવનસુત નામા : શહેરભરમાં આવેલ હનુમાનજી મંદિરોને અનેરા શણગાર : કાલે ઠેર ઠેર બટુક ભોજન, હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ પાઠ, દિપમાળા અને સંતવાણીના કાર્યક્રમો

રાજકોટ તા. ૧ : વજ્રદેહધારી એવા બજરંગબલીની કાલે જન્મ જયંતિ હોય હનુમંત ભકતોમાં અનેરો ઉમંગ છવાયો છે. શહેરભરમાં આવેલ હનુમાનજી મંદિરો અને દેરીઓમાં અનેરા શણગાર સાથે ઉજવણીના આયોજનો કરાયા છે. સવારથી જ દાદાનું પુજન અર્ચન કરી ધુન-કિર્તન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ સહીના કાર્યક્રમો આયોજીત થયા છે. બાળકો માટે બટુક ભોજન તેમજ મહાપ્રસાદની પણ અનેક સ્થળોએ દાદાના ભકતો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરભરમાં કાલે હનુમાન જયંતિ નિમિતે આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
કપીલા હનુમાનજી
શહેરના આજી નદીના કાંઠે રામનાથપરા સ્મશાનથી આગળના ભાગે ભીચરી નાકા પાસે શ્રી કપીલા હનુમાનજી ચૈતન્યધામ ખાતે કાલે તા. ૨ ના હનુમાન જન્મોત્સવ ઉજવાશે. સવારે ૬.૩૦ વાગ્યે પ્રાતઃ આરતી, સવારે ૮ વાગ્યે શ્રી મારૂતી મહાયજ્ઞ, બપોરે ૧૨.૩૦ વાગ્યે યજ્ઞનું બીડું હોમાશે. બપોરે ૧ વાગ્યે થાળ મહાઆરતી, સાંજે ૪.૩૦ વાગ્યે ૮૦૦ બાળકોને બટુક ભોજન, સાંજે ૭.૩૦ વાગ્યે સંધ્યા આરતી, રાત્રે ૮.૩૦ વાગ્યે સુંદર કાંડના પાઠ, રાત્રે ૧૨ વાગ્યે પ્રાગટય ચૈતન્ય મહાઆરતી થશે.
બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ
બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના કાર્યાલય ૯-રઘુવીરપરા, ગરેડીયા કુવા રોડ ખાતે કાલે ગુરૂવારે હનુમાન જન્મોત્સવનું આયોજન કરાયુ છે. સવારે ૯ થી ૧૨.૩૦ સુધી પંચનાથ ધૂન મંડળના સાથ સહકારથી હનુમાન ચાલીસા પાઠ, ધૂન, ભજન, આખ્યાનની રમઝટ બોલશે. બપોરે ભોજન પ્રસાદ રાખેલ છે. ઉલ્લેખનીય છે કે બજરંગ ટ્રસ્ટની જયોત છેલ્લા ૪૧ વર્ષ થયા પ્રજવલિત છે. રાજકોટમાં પ્રથમ વખત શ્રી હનુમાનજી મહારાજની શોભાયાત્રાનો શ્રેય તેને મળે છે. સળંગ ૨૨ વર્ષથી જન્મોત્સવની ઉજવણી ચાલી રહી છે. વર્ષોથી સેવા આપનાર સેવકોનું કાલે સન્માન કરી ઋણ સ્વીકાર કરાશે. સંસ્થાના સેવાયજ્ઞમાં હોમિયોપેથીક ડો. એન. જે. મેઘાણી, આયુર્વેદિક ડો. કેતનભાઇ ભીમાણી, દંતરોગ નિષ્ણાંત ડો. બ્રિજેશભાઇ સોની, હોમિયોપેથીક ડો. બી. એમ. વિઠલાણી, એકયુપ્રેસર ટીમ તેમજ નવા વરાયેલા ટ્રસ્ટીઓ અને સંચાલકો સર્વશ્રી રોહીતભાઇ કારીયા, ધૈર્યભાઇ રાજદેવ, અજયભાઇ કારીયા, રાજુભાઇ બુધ્ધદેવ, જીતેન્દ્રભાઇ કારીયા, ગોરધનભાઇ લાલસેતા, કિશોરભાઇ પારેખ તથા અવિરત સેવા આપતા કાર્યકરો દિનકરભાઇ રાજદેવ, મનુભાઇ ટાંક, જીતુભાઇ દામાણી, પ્રવિણભાઇ ગેરીયા, અરજણભાઇ પટેલ, ચિરાગભાઇ ધામેચા, જીતભાઇ કારીયા, નિકુંજભાઇ પરમાર, મૌલિક બુધ્ધદેવ, રોહનભાઇ રાચ્છ વગેરે સેવા આપી રહ્યા છે.
રૈયા લાઇટ હાઉસ ગ્રુપ
અટલ સ્માર્ટ સીટી ન્યુ રેસકોર્ષ પાસે રૈયા રોડ, જીજાબાઇ ટાઉનશીપ સોસાયટી ખાતે રૈયા રાઇટ હાઉસ ગ્રુપ દ્વારા કાલે ચૈત્ર સુદ પુનમના હનુમાન જયંતીની ઉજવણી કરાશે. સાંજે ૬ વાગ્યે શોભાયાત્રા, સામૈયા, રાસોત્સવ તેમજ સાંજે ૭.૩૦ વાગ્યે મહાઆરતી, રાત્રે ૮ કલાકે ૧૧૪૪ ફલેટ ધારકોનું સ્નેહમિલન અને રાત્રે ૮.૩૦ કલાકે સ્નેહ ભોજન રાખેલ છે. લાઇટ હાઉસના ફલેટ ધારકો આ ધર્મોત્સવમાં સામેલ થશે. તેમ રૈયા લાઇટ હાઉસ ગ્રુપના દેવાંગભાઇ કુકાવાની યાદીમાં જણાવાયુ છે.
મોજીલા હનુમાનજી
કોઠારીયા કોલોની ગરબી ચોકમાં શ્રી મોજીલા હનુમાનજી મંદિરે કાલે ગુરૂવારે દાદાના જન્મોત્સવના વધામણા કરાશે. સવારે મંગળા આરતી અને ૯ કલાકે ધ્વજારોહણ થશે. સવારથી છાશ વિતરણ કરાશે. મંદિરને ધજા પતાકા અને ફુલોનો અનેરો શણગાર કરાયો છે.સાંજે ૭.૩૦ કલાકે શ્રી મોજીલા હનુમાનજી મહારાજની ઓમકાર મહાઆરતી થશે. આરતી બાદ બટુક ભોજન રાખેલ છે.
સૌરાષ્ટ્ર એજયુકેશન ટ્રસ્ટ
સૌરાષ્ટ્ર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કલાઇમ્બર નેચર એડવેન્ચર કલબના સંયુકત ઉપક્રમે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે વિશેષ ‘એડવેન્ચર ઓલમ્પિયાડ ૧.૦ સ્કોરશીપ કાર્યક્રમ આયોજીત કરવાનો હોય આ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનનો પ્રારંભ કાલે હનુમાન જયંતિ જન્મોત્સવના દિવસથી કરાશે. તેમ સૌરાષ્ટ્ર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ (મો.૭૦૪૬૩ ૬૧૦૦૯)ની યાદીમાં જણાવાયુ છે.
બાલક હનુમાન મંદિર
પેડક રોડ ડી.કે. પ્રિન્ટની બાજુમાં આવેલ શ્રી બાલક હનુમાન મંદિરે કાલે ચૈત્રી પુનમના દાદાનો જન્મોત્સવ ઉજવાશે. સવારે ૪ વાગ્યે મંગળા આરતી, ૮.૩૦ વાગ્યે હવન-ગણપતિ પૂજન, સવારે ૧૦ વાગ્યે મહાપ્રસાદ, બપોરે ૨.૩૦ વાગ્યે બીડુ હોમાશે. રાત્રે ૮.૩૦ વાગ્યે મહાઆરતી રાખેલ છે. આ પાવન પ્રસંગે સવારે ૪ થી ૬ અને સાંજે ૫ થી ૧૨ દરમિયાન રક્ષાદોરીનું વિતરણ કરાશે. (૧૬.૧)
ચૈતન્ય સિધ્ધ હનુમાન
કાલાવડ તાલુકાના ખરેડી મુકામે આવેલ શ્રી ચૈતન્ય સિધ્ધ હનુમાન મંદિરે કાલે તા. ૨ ના ૪૪મો હનુમાન જયંતિ ઉત્સવ ઉજવાશે. સવારે ૧૦.૩૦ થી ૧૨ પૂજા, અર્ચન, ધજા, નૈવેધ અને સાંજે ૬.૩૦ વાગ્યાથી મહાપ્રસાદ રાખેલ છે.
દામોદર હનુમાન
૧૫ જંકશન પ્લોટ ખાતે આવેલ શ્રી દામોદર હનુમાનજી મંદિરે કાલે હનુમાન જન્મોત્સવ ઉજવાશે. પૂજન આરતીના વિશેષ કાર્યક્રમો થશે. સાંજે મહાઆરતી અને બટુક ભોજન રાખેલ છે.
(4:12 PM IST)










