<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

૨.૮૦ લાખ સામે ૧૮ાા લાખ રૂપિયા ચુકવ્‍યા, ટ્રેકટર પડાવ્‍યું તો'ય ધરો ન થયોઃ વધુ વ્‍યાજ માંગી ધમકી

સરકારી કામના કોન્‍ટ્રાક્‍ટ રાખતાં મોહનભાઇ હાપલીયા રેલનગરમાં કામ ચાલતું હતું ત્‍યારે પાનની દૂકાનવાળા પ્રતિપાલસિંહ ગોહિલના સંપર્કમાં આવ્‍યા હતાં: મજૂરોને ચુકવવા કટકે કટકે નાણા લીધા અને વ્‍યાજખોરીમાં ફસાયા : શરૂઆતમાં ઉછીના પેટે નાણા દીધાઃ પછી રોજનું ૩ હજાર વ્‍યાજ માંગ્‍યું: રસ્‍તામાં રોકી માર મારી કહ્યું-રૂપિયા નહિ દે તો ઉપાડી જઇશઃ ઘરે જઇ દરવાજામાં પાટા માર્યાઃ અંતે ગુલાબનગરના કોન્‍ટ્રાક્‍ટરે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી

રાજકોટ તા. ૧: વ્‍યાજખોરીને નાબુદ કરવા તાજેતરમાં શહેર પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો. દરમિયાન વ્‍યાજંકવાદનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. કાલાવડ રોડ પર રહેતા અને સરકારી કોન્‍ટ્રાક્‍ટનું કામ કરતા એક પ્રૌઢ પાસેથી માત્ર રૂ. ૨.૮૦ લાખના બદલામાં અત્‍યાર સુધીમાં રૂ. ૧૮.૫૦ લાખ વ્‍યાજ પેટે વસુલી લીધા હોવા છતાં હજુ પણ વધુ નાણાંની ઉઘરાણી કરી ટ્રેક્‍ટર પડાવી લેવાયાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ માલવીયાનગર પોલીસ મથકે નોંધાઈ છે.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવમાં  પોલીસે કાલાવડ રોડ ગુલાબ વાટીકા શેરી નં. ૪ ખાતે રહેતાં અને ગવર્નમેન્‍ટ કોન્‍ટ્રાક્‍ટર તરીકે કામ કરતાં મોહનભાઇ ધરમશીભાઇ હાપલીયાની ફરિયાદ પરથી રેલનગરના પ્રતિપાલસિંહ સજુભા ગોહિલ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદની વિગતો મુજબ ચોપન વર્ષના મોહનભાઈ ધરમશીભાઈ હાપલીયા-પટેલ વર્ષ ૨૦૨૩માં રેલનગર વિસ્‍તારમાં રોડ સાઈડના વળક્ષોને પાણી પીવડાવવાનો કોન્‍ટ્રાક્‍ટ ધરાવતા હતા.

આ દરમિયાન તેમની ઓળખાણ રેલનગરના  ‘માફક પાન'ના સંચાલક પ્રતિપાલસિંહ સજુભા ગોહિલ સાથે થઈ હતી. પ્રતિપાલસિંહે પોતે ફાયનાન્‍સનું કામ કરતા હોવાનું જણાવી નાણાંની જરૂર હોય તો કહેવા જણાવ્‍યું હતું.

ત્‍યારબાદ મોહનભાઈએ મજૂરોને પગાર ચૂકવવા માટે અલગ-અલગ સમયે પ્રતિપાલસિંહ પાસેથી નાણાં લીધા હતાં. જેમાં માર્ચ-૨૦૨૩માં રૂ. ૧ લાખ હાથ ઉછીના લીધા જે એક મહિનામાં પરત કરી દીધા હતા. બાદ જૂન-૨૦૨૩માં રૂ. ૧ લાખ  ૩ ટકાના માસિક વ્‍યાજે લીધા હતાં. એ પછી જુલાઈ-૨૦૨૩માં રૂ. ૮૦,૦૦૦  ૩ ટકા વ્‍યાજે અને સપ્‍ટેમ્‍બર-૨૦૨૩માં પણ રૂ. ૧ લાખ ૩ ટકાના માસિક વ્‍યાજે લીધા હતાં.  આમ કુલ રૂ. ૨.૮૦ લાખ લીધા હતાં અને તેના વ્‍યાજ પેટે તેઓ નિયમિત હપ્‍તા ચુકવતાં હતાં.

આ પછી નવેમ્‍બર-૨૦૨૩માં પ્રતિપાલસિંહે અચાનક વ્‍યાજનો દર વધારી દીધો હતો અને દર મહિને રૂ. ૨.૪૦ લાખ વ્‍યાજ પેટે આપવા પડશે તેવી માંગણી કરી હતી.

મોહનભાઈએ પોતાને એક સામટી આટલી મોટી રકમ ચુકવવી પોષાય તેમ નથી તેવું કહેતાં તેણે તો પછી દર મહિને ૫૦ હજાર ચુકવવા પડશે તેમ કહ્યું હતું. આથી મોહનભાઇ ગમે તેમ કરીને દર મહિને ૫૦-૫૦ હજારની રકમ વ્‍યાજ પેટે ચુકવતાં  હતાં. આ રકમ લેવા પ્રતિપાલસિંહ ક્‍યારેક પંચાયત ચોક, ક્‍યારેક ઇન્‍દિરા સર્કલ્‍ે તો ક્‍યારેક એ.જી. ચોકે આવતો અને ક્‍યારેક મોહનભાઇ તેને આ રકમ તેની માફક પાન નામની દુકાને જઇ આપી આવતાં હતાં. આ રીતે અત્‍યાર સુધીમાં ટપ્‍પે-ટપ્‍પે કુલ રૂ. ૧૮.૫૦ લાખ ચુકવી દીધા હતાં.

જો કે આમ છતાં પ્રતિપાલસિંહની લાલચ અટકી નહોતી. વ્‍યાજ ચૂકવવામાં થોડો વિલંબ થતા ે મોહનભાઇની કોઠારીયા રોડ પર સાઇટ ચાલુ હોઇ આ સાઈટ પર આવી ડરાવી-ધમકાવીને વ્‍યાજની માંગણી કરી હતી અને રૂપિયાનો મેડ થાય એમ ન હોય તો તારા ટ્રેકટરની ચાવી લાવ તેમ કહી મોહનભાઈનું ટ્રેક્‍ટર નંબર જીજે૧૩એ-૧૯૦૧ બળજબરીથી પડાવી લીધુ હતું.

આ ઉપરાંત ગત ડિસેમ્‍બર મહિનામાં પ્રતિપાલસિંહે કોન્‍ટ્રાક્‍ટર મોહનભાઇને અમીન માર્ગ પાસે રોકી ગાળો ભાંડી હતી અને જો રૂપિયા નહિ આપ તો તને ઉપાડી જઇશ તેવી ધમકી દીધી હતી અને ઢીકા-પાટુનો માર માર્યો હતો. એટલું જ નહિ તેણે મોહનભાઈના ઘરે જઈ દરવાજે પાટા મારી આતંક મચાવ્‍યો હતો અને ફોન કરીને ધમકી આપી હતી કે -જો વ્‍યાજ નહીં ચુકવો તો જાનથી મારી નાંખીશ.

આથી મોહનભાઇએ પોતાના ભાઇ ડો. ખીમજીભાઇ ધરમશીભાઇ હાપલીયાને ફોન કરી આ બાબતની જાણ કરતાં તેણે પ્રતિપાલસિંહને આ રીતે હેરાન નહિ કરવા સમજાવતાં  તેણે મોહનભાઇના ભાઇ સાથે પણ અસભ્‍ય વર્તન કર્યુ હતું. આ રીતે સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને અંતે મોહનભાઈએ માલવીયાનગર પોલીસ મથકમાં જાણ કરતાં પીઆઇ જે. આર. દસાઇની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. મારૂએ માફક પાનવાળા પ્રતિપાલસિંહ સજુભા ગોહિલ વિરૂધ્‍ધ મનીલેન્‍ડ એક્‍ટ સહિતની કલમો હેઠળ  ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 

(2:52 PM IST)