<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

કમલમમાં મુરતીયાઓનો મેળોઃ કોર્પોરેશન લડવા દાવેદારોનો રાફડો

બપોર સુધીમાં ૬ વોર્ડમાં ૩૦૦ થી વધુએ ચુંટણી લડવા ઇચ્‍છા દર્શાવીઃ ભુતપુર્વ, વર્તમાન નગરસેવકો સાથે નવા ચહેરાઓ પોતાના બાયોડેટા નિરીક્ષકો સામે રજુ કર્યા : કાલે સેન્‍સ પ્રક્રિયા પુર્ણ થયા બાદ શહેર સંગઠન સાથે ચર્ચા કરી પ્રદેશ પાર્લામેન્‍ટરી સમક્ષ રજુ કરાશેનામો

 

રાજકોટ, તા., ૧: રાજકોટ મહાનગરપાલિકાની ૨૦૨૬ની ચૂંટણીના જંગ માટે હવે ભાજપે  કમર કસી લીધી છે. શહેરના શીતલ પાર્ક પાસે આવેલા ભાજપના  ‘કમલમ' કાર્યાલય ખાતે આગામી બે દિવસ એટલે આજે અને આવતીકાલે દાવેદારોનો મેળાવડો જામવાનો છે. આજે ૧ર વોર્ડના દાવેદારોને સાંભળવામાં આવી રહયા છે. બપોર સુધીમાં ૬ વોર્ડમાં ૩રપ કાર્યકરોએ ચુંટણી લડવા ઇચ્‍છા વ્‍યકત કરી છે. મોડી રાત્રી સુધી આ પ્રક્રિયા ચાલુ રહે લાગી રહયું છે.

કાલે વોર્ડની સેન્‍સ લેવાશે

રાજકોટમાં આવતીકાલે એટલે ક ગુરુવારે, તા. ૨જી એપ્રિલના રોજ વિધાનસભા-૭૧ ના ત્રણેય વોર્ડ (૧૧, ૧૨, ૧૮) ની સાથે સાથે વિધાનસભા-૬૮ નો વોર્ડ નં. ૧૬ અને વિધાનસભા-૬૯ ના વોર્ડ નં. ૯ અને ૧૦ ની સેન્‍સ પ્રક્રિયા હાથ ધરાશે.

મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી બે દિવસ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્‍સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રદેશ ભાજપ દ્વારા ૯ નિરીક્ષકની નિમણુંક કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આજે દાવેદારી કરવા માટે દરેક વોર્ડમાંથી ૫૦ થી વધુ દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા માટે આવી રહ્યા છે.

૯ નિરીક્ષકમાં રાજ્‍ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ પટેલ, જીમેશભાઈ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન, યુવા મોરચાના મહામંત્રી ડો.નરેશ દેસાઈ, રાજેન્‍દ્રભાઈ પટેલ, નટુજી ઠાકોર, સુરેશભાઈ પટેલ અને સીતાબેન પટેલ ઉપસ્‍થિત રહી દાવેદારોને સાંભળી ૧૮ વોર્ડની યાદી બનાવી પ્રદેશમાં મોકલી આપશે. સેન્‍સ પ્રક્રિયા માટે શહેર ભાજપ દ્વારા દરેક વોર્ડના કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં દરેક વોર્ડ વાઈઝ ચોક્કસ સમય આપવામાં આવ્‍યો છે, જે આપેલા સમય મુજબ વોર્ડના દાવેદારો સમયસર ઉપસ્‍થિત રહી કાર્યાલય ખાતે વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીને સાથે રાખી ફોર્મ મેળવી રહ્યા છે.

આ માટે સક્રિય સભ્‍ય નંબર અને કોર્પોરેશનની મતદારયાદીના ભાગ ક્રમ નંબર તેમજ ચુંટણી કાર્ડ સાથે રાખવા સુચના આપવામાં આવી છે. એટલું જ નહી આરક્ષિત સીટ માટે પ્રમાણપત્ર, ભુતકાળમાં કોઈ પણ જાતના ગુના હોય તો પોલીસ વિગત કે રિપોર્ટ સાથે જોડવું જરૂરી છે. નિરીક્ષકો સમક્ષ માત્ર વ્‍યક્‍તિગત રજૂઆત  કરી રહ્યા છે. (૪.૧૦)

કોણે કોણે દાવેદારી નોંધાવી

રાજકોટઃ મહાનગર પાલિકાની ચૂંટણી માટે દાવેદારી કરવા માટે આજે પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વ સ્‍ટેન્‍ડિંગ ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ દંડક મનીષ રાડિયા પહોંચ્‍યા હતા આ ઉપરાંત પૂર્વ કોર્પોરેટર સુરેન્‍દ્રસિંહ વાળા, નીતિન રામાણી, દિલીપભાઈ લૂણાગરીયા, ડો. અલ્‍પેશ મોરઝરિયા, અંજનાબેન મોરઝરિયા, દુર્ગાબા જાડેજા, હિરેન ખીમાણીયા, અશ્વિન મોણીયા, પરેશ લીંબાસીયા, રસીલાબેન સાકરીયા, નેહલ શુક્‍લ,મીનાબા અજયસિંહ જાડેજા, કંકુબેન ઉધરેજા, પરેશ પીપળીયા, સોનલબેન સેલારા અને આશિષ વાગડીયા, દિનેશ કારીયા, અવી મકવાણા, હર્ષાબા જાડેજા, જયદેવસિંહ જાડેજા, પૃથ્‍વીરાજસિંહ વાળા, કેતનભાઇ પાલાવરીયા, અલ્‍પેશ મોરઝરીયા, અંજના મોરઝરીયા, સેજલબેન ચોૈધરી, વિજય બાબુભાઇ મકવાણા રસીક બદ્રકીયા, નરેન્‍દ્રસિંહ જાડેજા ડે. મેયર યશપાલસિંહ જાડેજા (વોર્ડ નં. ૧-૨-૩ સહિતના એ દાવેદારી કરી છે.

ભાજપ ગત વર્ષ ૬૦ નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા હતા

ભાજપે ૭ર પૈકી ૬૮ બેઠકો પર કેસરીયો લહેરાયો હતોઃ એક માત્ર વોર્ડ ૧પમાં પંજાએ મેદાન માર્યુ હતુ : આગામી ચૂંટણીમાં પરિવર્તન કે પુનરાવર્તન

રાજકોટ : વર્ષ ૨૦૨૧ની ગત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્‍ય જીત સાથે રાજકોટ મનપામાં શાસન કર્યું હતું. આ ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા માત્ર ૧૨ કોર્પોરેટરને જ રિપીટ કરવામાં આવ્‍યા હતા અને બાકીના ૬૦ નવા ચહેરા મેદાનમાં ઉતારવામાં આવ્‍યા હતા આમ છતાં ૭૨ પૈકી ૬૮ બેઠક પર ભાજપે ભવ્‍ય જીત મેળવી હતી.એક માત્ર વોર્ડ નંબર ૧૫માં કોંગ્રેસના ચાર ઉમેદવારો જીત્‍યા હતા. જો કે વોર્ડ નંબર ૧૫માં ભાજપ અત્‍યાર સુધી કોઈ ચૂંટણીમાં જીત મેળવી શકયું નથી. પરંતુ આ વખતે પ્રદેશ ભાજપ દ્વારા યુવા પ્રમુખ ડો. માધવ દવેને વોર્ડ નંબર ૧૫માં જીત મેળવવા પડકાર આપ્‍યો છે. જેમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન તેના પર સૌની નજર રહેશે. (૪.૧૦)

૧ર વોર્ડમાં ૬૦૦ થી વધુ દાવેદારો

રાજકોટ :  આજ સવારથી ભાજપના કમલમ કાર્યાલય ખાતે આગામી મનપાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્‍સ લેવાની પ્રક્રિયા શરૂ થઇ છે. ભાજપ દ્વારા ઝોનવાઇઝ ૩ નીરીક્ષકોની પેનલ બનાવી ચૂંટણી લડવા ઇચ્‍છુકોને વ્‍યકિતગત સાંભળી રહ્યા છે. નિરીક્ષકો આ લીસ્‍ટ તૈયાર કરી વોર્ડ અને શહેર ભાજપ સંગઠનને સાંભળી આવતા સપ્તાહે પ્રદશે પાર્લામેન્‍ટ્રી સમક્ષ દાવેદારોના નામો રજૂ કરાશે. આજે વોર્ડ નં. ૧, ર, ૩, ૪, પ, ૬, ૭, ૮, ૧૩, ૧૪, ૧પ અને ૧૭ ના દાવેદારો ને સાંભળવામાં આવ્‍યા હતા.

જયારે બપોરના ર વાગ્‍યા સુધીમાં ૬ વોર્ડ માટેની સેન્‍સ પ્રક્રિયા પુરી થઇ હતી. જેમાં વોર્ડ નં. ૧ માં ૬૪, વોર્ડ નં. ૪માં પર, વોર્ડ નં.૭ માં ૭ર, વોર્ડ નં. પમાં ૪ર, વોર્ડ નં. ર માં ૬૧ તથા વોર્ડ નં. ૧૩માં ૩૪ સહિત કુલ ૩રપ એ દાવેદારી નોંધાવી હતી.

(3:00 PM IST)