<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

બાલુબેન મકવાણાએ વોર્ડ નંબર ૨માં દાવેદારી કરીઃપતિના વિવાદ અંગે જવાબ આપવાનું ટાળ્‍યું

અનિલ મકવાણા અંગે પાર્ટી નિર્ણય લેશે : માધવ દવે

 

રાજકોટ : મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે સેન્‍સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે દિવસમાં અલગ અલગ ઝોન પ્રમાણે ૧૮ વોર્ડના દાવેદારોને પ્રદેશ ભાજપના નિરીક્ષકો સાંભળશે. આ સેન્‍સ પ્રક્રિયામાં જેમના પર ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ છે તે પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાના પત્‍નિ બાલુબેન મકવાણાએ પણ દાવેદારી નોંધાવી છે. બાલુબેન આજે કમલમ ખાતે પહોંચ્‍યા હતા અને તેઓએ વોર્ડ નંબર ૨ માં કોર્પોરેટર માટે દાવેદારી નોંધાવતા ચર્ચાએ જાગી છે.

પોતાની દાવેદારી અંગે બાલુબેને કહ્યુ હતું કે અમે ૨૦ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છીએ. પાર્ટીના અનેક સંગઠનના હોદ્દાઓ પર પણ રહી ચૂક્‍યા છીએ ત્‍યારે અમે ટિકીટની માંગણી કરી છે. પાર્ટી અમને ટિકીટ આપશે તેવી અપેક્ષા છે. પોતાના પતિ પર થયેલા આક્ષેપો અંગે તેઓએ મૌન સેવ્‍યું હતુ. આ અંગે ભુતકાળમાં તેમના પતિ જવાબ આપી ચૂક્‍યા છે તેવું કહીને જવાબ ટાળ્‍યો હતો.

મહત્‍વનું છે કે થોડા દિવસ પહેલા એક બિલ્‍ડર દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્‍યો હતો જેમાં બાંધકામ સાઇટ પર થયેલા બાંધકામ અંગે મહાનગરપાલિકાની કચેરીમાં અરજી કરી હતી અને અરજી પાછી ખેંચવા માટે રૂપિયાની માંગણી કરી હતી. આ અંગે શહેર ભાજપ દ્રારા ખુલાસો પુછવામાં આવ્‍યો હતો અને આક્ષેપો અંગે પ્રદેશ ભાજપ સુધી ફરિયદો પહોંચી હતી.

તાજેતરમાં પ્રદેશ અધ્‍યક્ષ જગદિશ વિશ્વકર્મા આવ્‍યા હતા ત્‍યારે પણ આ મુદ્દે ચર્ચામાં આવ્‍યો હતો અને આવા નેતાઓ સામે શું પગલાં ભરશો તેવા પત્રકારોએ સવાલ ઉભા કર્યા હતા.

જ્‍યારે આ વિવાદ સામે આવ્‍યો ત્‍યારે અનિલ મકવાણાને ત્રણ દિવસમાં લેખિતમાં ખુલાસો કરવા સૂચના આપવામાં આવી હતી જો કે આ અંગે આટલા દિવસો વિતવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી, શહેર ભાજપના પ્રમુખ માધવ દવેએ દાવો કર્યો હતો કે અનિલ મકવાણા વિવાદ અંગે મહામંત્રી અનિરુદ્ધભાઇ દવે અને પ્રદેશ મવડી મંડળને વિગતો રજૂ કરી દેવામાં આવી છે અને આ અંગે પાર્ટી પ્રદેશ કક્ષાએથી નિર્ણય લેશે.

(4:10 PM IST)