<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

‘જગદીશ બાંગરવા ઇઝ ધ બેસ્‍ટ' ડીસીપીના સમર્થનમાં શહેરીજનો, સામાજીક-રાજકીય સંસ્‍થાઓ સ્‍વયંભુ મેદાને

ખોટા આક્ષેપોની આડમાં ગેરકાયદે કૃત્‍યો દબાવી દેવાના પ્રયત્‍નો અંગે ઉંડી તપાસની લોકોની માંગણીઃ ક્ષત્રિય સમાજની કરણી સેના, ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલ, વિશ્વ હિન્‍દુ પરિષદ, શિવસેના, ભાજપ પ્રેરીત ભાષાભાષી સેલ, શ્‍યામ સેવા સમિતી, રાજસ્‍થાન મિત્ર મંડળ, પોલીસ સમન્‍વય સમિતી સહિતની સંસ્‍થાઓ દ્વારા રેલી કાઢી પોલીસ કમિશનર અને કલેક્‍ટરને આવેદન પત્ર પાઠવાયા

ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના સમર્થનમાં આજે શહેરીજનો, અલગ અલગ સામાજીક-રાજકીય સંસ્‍થાઓએ રેલી યોજી  પોલીસ કમિશનર અને એડીશનલ કલેક્‍ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. રેલીના દ્રશ્‍યો તસ્‍વીરોમાં જોઇ શકાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧: શહેરના એક કહેવાતા પત્રકારે હોસ્‍પિટલના બિછાનેથી ડીસીપી ક્રાઇમ જે. જી. બાંગરવા વિરૂધ્‍ધ આક્ષેપો કર્યા બાદ ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણી દ્વારા આગામી દિવસોમાં શ્રી બાંગરવા વિરૂધ્‍ધ આંદોલનના એલાનના વિરૂધ્‍ધમાં આજે રાજકોટની સામાજીક અને રાજકીય સંસ્‍થાઓ પ્રચંડ સમર્થન સાથે મેદાનમાં ઉતરી હતી. જેમાં રાજકોટના પ્રજાજનો પણ મોટી સંખ્‍યામાં સ્‍વયંભુ સામેલ થયા હતાં. તમામ સંસ્‍થાઓએ એક સુરે ‘જગદીશ બાંગરવા ઇઝ ધ બેસ્‍ટ, ઇસ્‍ટ ઓર વેસ્‍ટ ગુજરાત પોલીસ ઇઝ ધ બેસ્‍ટ, આઇ સેલ્‍યુટ ધ વર્ક ઓફ બાંગરવા સર એન્‍ડ રાજકોટ પોલીસ' જેવા બેનરો-સુત્રો સાથે રેલી યોજી  પોલીસ કમિશનર અને કલેક્‍ટરને આવેદન પત્ર પાઠવ્‍યા હતા.

ક્ષત્રિય સમાજની કરણી સેના અને ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલના અગ્રણીઓ સર્વશ્રી દેવેન્‍દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ કોઠારીયા), રાજાભાઇ-વાવડી,  સતુભા-પડવલા, તીર્થરાજસિંહ ગોહિલ, જયદેવસિંહ જાડેજા (રીબ), રાજદિપ ઝાલા (વણા), મયુરસિંહ ઝાલા, ભરતસિંહ જાડેજા (વાગુદડ)ના નેજા તળે યુવા ક્ષત્રીયો આ રેલીમાં વિશાળ સંખ્‍યામાં જોડાયા હતાં. આ ઉપરાંત વિશ્વ હિન્‍દુ પરિષદ, શીવસેનાના જીમ્‍મી અડવાણી, પોલીસ સમન્‍વય સમિતી, શ્‍યામ સેવા સમિતી, રાજસ્‍થાન મિત્ર મંડળના ગજુભા રાઠોડ (રીટાયર્ડ પીએસઆઇ), રણધીર ચોૈધરી ઉપરાંત ભાજપનો ભાષાભાષી સેલ અને રાજસ્‍થાની સમાજના સભ્‍યો પણ  વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતાં અને ગેરકાયદે પ્રવૃતિ છુપાવવા બાહોશ પોલીસ અધિકારી સામે ખોટા આક્ષેપો કરવાના વલણ સામે પ્રચંડ વિરોધ દર્શાવવા સાથે ઉંડી પોલીસ તપાસની માંગણી કરવામાં આવી હતી.

આ રેલીમાં અલગ અલગ સંસ્‍થાઓના આગેવાનો, કાર્યકરોની સાથે સાથે રાજકોટના શહેરીજનો પણ મોટી સંખ્‍યામાં જોડાયા હતા. રેલી બહુમાળી ચોકથી પોલીસ કમિશનર કચેરી ખાતે અને બાદમાં કલેકટર કચેરી ખાતે પહોંચી ડીસીપી જગદીશ બાંગરવાના સમર્થનમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને તથા અડીશનલ કલેક્‍ટર મુછારને આવેદન પાઠવાયા હતાં.

ઉલ્લેખનીય છે કે ડીસીપી જગદીશ બાંગરવા વિરૂધ્‍ધ કહેવાતા પત્રકારે પોતાના પર અમાનુષી સિતમ ગુજાર્યાના આક્ષેપો કર્યા હતાં. પોતાને ઉંધો લટકાવી ગુદ્દા માર્ગે પેટ્રોલ રેડયાના અને બેફામ મારકુટ કર્યાના સનસનીખેજ આક્ષેપો કર્યા હતાં. જો કે આ શખ્‍સની તબિબી તપાસ બાદ મેડિકલ રિપોર્ટ આવ્‍યો હતો તેમાં દુધનું દુધ પાણીનું પાણી થઇ ગયું હતું. જેમાં પેટ્રોલના કોઇ અવશેષો   જણાયા નહોતાં. શહેરની ગુનાખોરીને ડામી દેવા જગદીશ બાંગરવા સતત સક્રિય બની પોતાની ટીમ સાથે મળી ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી રહ્યા હોઇ તેના કારણે જ રાજકોટના શહેરીજનો સ્‍વયંભુ તેમને પસંદ કરી રહ્યા છે અને રાજકોટને તમારી જરૂર છે તેવું કહી રહ્યા છે. આ વાત આજે નીકળેલી રેલીમાં પણ સાબીત થઇ હતી.

(3:02 PM IST)