News of Wednesday, 1st April 2026
રાજકોટના રાજમાર્ગો ઉપર ગુલાબી બસો દોડીઃ મહિલાઓને રૂ.૧ હજારમાં આખુ વર્ષ મુસાફરી
બસનું સંચાલન પણ મહિલાઓ દ્વારાઃ પાયલોટ પ્રોજેકટ શરૂ

રાજકોટ તા.૧: મનપા દ્વારા શહેરના નાગરિકોને સુલભ, સુરક્ષિત અને સમયબદ્ધ શહેરી જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા કાર્યરત છે. આ બંને સેવાઓનું સંચાલન રાજકોટ રાજપથ લી. દ્વારા કરવામાં આવી રહ્યું છે. શહેરમાં વધતી મુસાફરીની જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાલ કુલ ૮૨ રૂટ પર ૧૦૦ બસ તથા ૧૩૪ ઇલેક્ટ્રિક બસ એમ કુલ ૨૩૪ બસ દ્વારા દૈનિક પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવાઓ દ્વારા દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને સરળ અને સસ્તી મુસાફરીની સુવિધા મળી રહી છે.
મહાનગરપાલિકા દ્વારા નાગરિક કેન્દ્રિત સુવિધાઓ વધારવાના હેતુસર તેમજ ખાસ કરીને મહિલા મુસાફરોને વધુ સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી ઉપલબ્ધ થાય તે માટે નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ સ્પીચ અંતર્ગત મહિલા સુરક્ષિત સફર યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને જાહેર પરિવહનમાં સુરક્ષિત વાતાવરણ મળે અને તેઓ નિર્ભયતાપૂર્વક મુસાફરી કરી શકે તે હેતુસર આ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે.
આજે તા.૦૧ના રોજ સવારે ત્રિકોણબાગ ખાતેથી ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, અગ્રણી નરેન્દ્રસિંહ જાડેજા અને મનીષભાઈ રાડીયાએ લીલીઝંડી આપી ‘પિંક બસ' પાઇલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે રાજકોટ રાજપથ લિ.ના જનરલ મેનેજર પરેશ અઢીયા, રાજકોટ રાજપથ લિ.ના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ યોજના હેઠળ પ્રારંભિક તબક્કામાં શહેરના મહત્વપૂર્ણ અને વધુ મુસાફરો ધરાવતા ત્રણ સિટી બસ રૂટ તથા એક રૂટ પર કુલ ચાર પિંક બસ કાર્યરત કરવામાં આવશે. આ બસો મહિલાઓ માટે વિશેષ નિર્ધારિત રહેશે તથા બસમાં કંડકટર તરીકે પણ મહિલા સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે, જેથી મુસાફરી દરમિયાન મહિલાઓને વધુ સુરક્ષા અને સહજતા અનુભવાય.
પાસ મેળવવા માટે મહિલા મુસાફરો રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિટી સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસ ખાતે અથવા ઓનલાઇન અરજી કરી શકશે. પાસ મળ્યા બાદ મહિલા મુસાફરો નિર્ધારિત પિંક બસ રૂટમાં સરળતાથી મુસાફરી કરી શકશે.
આ રૂટ પર દોડશેઃ રૂટની વિગતો
રૂટ નં. ૧૩ લાલબહાદુર શાષાી ટાઉનશીપ થી કોઠારીયા ચોક ૧ બસ, રૂટનં. ૧૭ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થી ત્રંબા ગામ ૧ બસ, રૂટનં. ૮ ગ્રીનલેન્ડ ચોક થી લાભુભાઈ ત્રિવેદી એન્જિ. કોલેજ (કણકોટ) ૧ ઇલેક્ટ્રિક બસ, માધાપર ચોક થી ગોંડલ ચોક ૧ ઇલેક્ટ્રિક બસ.
(4:13 PM IST)










