News of Wednesday, 1st April 2026
રાજકોટમાં શ્રીમદ્ રાજચંદ્રજીનો ૧૨૫મો સમાધિ દિન ઉજવાશે
શાસ્ત્રી મેદાન ખાતે શનિવારથી ચાર દિવસીય આધ્યાત્મિક મહોત્સવ ‘પરમ કૃપાળુ દેવ પરમ પ્રયાણ પર્વ'નું ભવ્ય આયોજન : નલિનભાઇ અને સુધાબેન દ્વારા પ્રવચન, મુમુક્ષુઓ દ્વારા નાટય પ્રયોગ, પૂ.રાકેશજી અને પૂ.રત્નાપ્રભુજી દ્વારા વકતવ્ય, કલાકાર હાર્દિક દવે સાથે કીર્તન, શોભાયાત્રા, શ્રીમદ્ રાજચંદ્ર સમાધિ મંદિરે પ્રતિષ્ઠાઃ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આયોજન

રાજકોટઃ ૧૯ મી સદીમાં થયેલ, ભગવાન મહાવીરસ્વામી પ્રણીત જૈન ધર્મના પ્રવર્તક અને ઉદ્ધારક, આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીએ અસાધારણ ઉચ્ચ આત્મિક દશા પ્રાપ્ત કરી હતી. કવિ અને દાર્શનિક એવા તીવ્ર પ્રજ્ઞાવંત શ્રીમદ્ રાજચંદ્રજીએ સરળ અને સચોટ ગુજરાતી ભાષામાં, સમગ્ર મોક્ષમાર્ગને ઉજાગર કર્યો, જે તેમનો જગત પ્રત્યે અમાપ અનુગ્રહ છે. તેઓશ્રીએ રચેલ આત્માના વિષયમાં મહાગીતા સમ ‘શ્રી આત્મસિદ્ધિ શાષ' આધ્યાત્મિક સાહિત્યનું અનમોલ રત્ન છે, જે આજે પણ મોક્ષપિપાસુઓ માટે ભોમિયા સમાન છે. તેમનો બોધ અને સાહિત્ય સદીઓ સુધી લોકોનું માર્ગદર્શન કરવા સક્ષમ છે. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક એવા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ વિક્રમ સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ પાંચમના દિવસે રાજકોટની ભૂમિ પર સમાધિસ્થપણે મહાપ્રયાણ કર્યું હતું. આ પવિત્ર સમાધિદિનને આ વર્ષે સવાસો વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, જેની સ્મૃતિમાં, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા. ૪ એપ્રિલ થી ૭ એપ્રિલ (શનિ થી મંગળ) દરમિયાન શાષી મેદાન, રાજકોટ ખાતે ‘‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ''નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ટ્રસ્ટના આગેવાનોએ જણાવેલ કે આજે પણ વિશ્વભરમાં પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીને અનુસરતી અનેક સંસ્થાઓ અને મંદિરો દ્વારા તેમનો બોધ મુમુક્ષુઓને માર્ગ બતાવી રહ્યો છે. આ સંસ્થાઓના અગ્રણી સંત લાખો લોકોને અધ્યાત્મમાર્ગે પ્રેરણા આપી રહ્યા છે, જેને સામુહિકપણે રાજ પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. આ પાવન અવસરે રાજ પરિવારના સર્વ સંત અહીં આવનારના છે જેથી આ સમગ્ર પર્વ પવિત્રતા, ભક્તિ અને સત્સંગના સ્પંદનોથી મહેકી ઉઠશે.
૧૨૫ વર્ષ પૂર્વે, જ્વલંત જ્યોતિર્ધર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી સ્વયં તો ઉચ્ચ ગતિ પામ્યા જ, પરંતુ અનેકાનેક ભવિકજનોની સાધનાને ઊર્ધ્વ દિશા ચીંધતાં ગયા. તેમનું જીવન એ માત્ર ઇતિહાસ નથી, પરંતુ તે આજે પણ આત્મકલ્યાણના માર્ગે આગળ વધવા માટેની જીવંત પ્રેરણા છે. આ પર્વ તેમની અલૌકિક આત્મદશાનું સ્મરણ કરીને અંતર્મુખ થવાનો અને આત્મજાગૃતિનો અદ્વિતીય અવસર બની રહેશે. આ ચાર દિવસીય પર્વ દરમ્યાન પ્રેરણાદાયી પ્રવચનો, ભાવવર્ધક અનુષ્ઠાનો, કીર્તન, નાટ્ય પ્રસ્તુતિઓ અને ભવ્ય શોભાયાત્રા જેવી વિવિધ આધ્યાત્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે, જે મુમુક્ષુઓને આત્મપ્રેરણા તરફ દોરી જશે.
સમગ્ર કાર્યક્રમ સવારે રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ અને રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ વાગે યોજાશે. જે વિગતવાર જોઈએ તો ૪ એપ્રિલ, શનિવાર સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ પૂજ્યશ્રી નલિનભાઈ અને શ્રી સુધાબેન દ્વારા પ્રેરણાદાયી પ્રવચન
રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ - શ્રી રાજ સોભાગ આશ્રમ, સાયલાના મુમુક્ષુઓ દ્વારા પરમકૃપાળુદેવની અલૌકિક દશા પર આધારિત નાટ્યપ્રયોગ
૫ એપ્રિલ, રવિવાર સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી અને પૂજ્ય બેન શ્રી રત્ના પ્રભુ દ્વારા પ્રેરણાદાયી પ્રવચન રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ પ્રસિદ્ધ કલાકાર હાર્દિક દવે સાથે ભાવમય કીર્તન
૬ એપ્રિલ, સોમવાર સવારે ૭ થી ૯.૩૦ શોભાયાત્રા અને શ્રીમદ્ રાજચંદ્ર સમાધિ મંદિરમાં પ્રતિષ્ઠા સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ પૂજ્યશ્રી ગોકુળભાઈ અને આદરણીય શ્રી સુરેશજી દ્વારા પ્રેરણાદાયી પ્રવચન રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ - શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના મુમુક્ષુઓ દ્વારા લઘુ નાટ્યપ્રસ્તુતિ અને પરમકૃપાળુદેવના જીવન પર આધારિત સંવેદનાત્મક ભક્તિ
૭ એપ્રિલ, મંગળવાર (ચૈત્ર વદ પાંચમ) - આ સમગ્ર પર્વની પરાકાષ્ટા રૂપ સમાપન દિવસ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ - સંકીર્તન સભામાં રાજપરિવારના સંતોની દિવ્ય ઉપસ્થિતિ અને પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીનું પ્રાસંગિક ઉદ્વોધન
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સ્વામી અપૂર્વમુનિજી (બાપ્સ), સ્વામી નિખિલેશ્વરાનંદજી (રામકૃષ્ણ મિશન) દ્વારા બપોરે ૨ થી ૩ ભાવવાહી ભક્તિ અને મહાઆરતી
આ પ્રસંગે દેશવિદેશથી હજારો ભક્તો, સંતો અને મહાનુભાવો સ્મરણાંજાલિ અર્પશે. ભાવિકો, જિજ્ઞાસુઓ અને જૈન સમાજના સર્વ ભાવિકોને પધારવા લાભ લેવા શ્રી જગદીશભાઈ ભીમાણી અને શ્રી કિશોરભાઈ મહેતા દ્વારા અંતમાં જણાવાયું છે.
તસ્વીરમાં યશભાઈ મહેતા, હિમાંશુભાઈ વ્યાસ, મીતભાઈ દોશી, ડાલીબેન કામદાર, દેસનાબેન કામદાર અને કલ્પેશભાઈ કામદાર નજરે પડે છે.
(3:31 PM IST)










